કથિક રાજવંશ : એક અલ્પખ્યાત રાજવંશ. ‘રુદ્રસેનના રાજકાળ દરમિયાનનું કથિક રાજાઓનું 127 વર્ષ’ એવું વિધાન દેવની મોરીના મહાસ્તૂપના પેટાળમાંથી પ્રાપ્ત શૈલસમુદ્ગકમાં કોતરેલું છે. આ કથિક રાજાઓ ભારતીય ઇતિહાસમાં જાણીતા નથી. રુદ્રસેન સાથે એમનો સંબંધ પણ સ્પષ્ટ થતો નથી. કથિકોના સિક્કા અહીંથી મળ્યા નથી. આ કથિકો પંજાબના કઠકો હોવાનો એક મત છે. બૌદ્ધ સાહિત્યમાં કથિકનો અર્થ ‘બૌદ્ધ ધર્મનો ઉપદેશ’ થાય છે. પ્રાય: બૌદ્ધ ધર્મના પ્રભાવક રાજવંશનું આ નામ હોય, પણ આ રાજવંશ જાણીતા રાજવંશોમાં ઉલ્લિખિત નથી.
રસેશ જમીનદાર