સૌભાગ્યસુંદરી : ગુજરાતી ત્રિઅંકી નાટક (1901). લેખક : મૂળશંકર મૂલાણી (1868–1957). તેના મૂળ લેખક કવિ નથુરામ સુંદરજી શુક્લ (1862–1923) હતા. મુંબઈ ગુજરાતી નાટક મંડળીના માલિકોએ આ નાટક મૂળશંકર મૂલાણી પાસે ફરી નવેસરથી લખાવ્યું હતું. ગદ્ય-પદ્ય, કથાપ્રસંગ, પાત્રસંવિધાન, શૈલી – આ બધાંમાં મૂળશંકર મૂલાણીએ મોટો ફેરફાર કર્યો, એટલે આ નાટકના ખરા લેખક એ ગણાયા. આ નાટક સૌપ્રથમ મુંબઈના ગેઇટી થિયેટરમાં (Gaiety Theatre) 19 ઑક્ટોબર, 1901ના રોજ રજૂ થયેલું. લેખકનું ગુજરાતી ભાષા પરનું સહજ પ્રભુત્વ પાત્રોના સ્વભાવને અને નાટકને સારો ઉઠાવ આપે છે. કવિની ભાષા ઘણી જગાએ આહલાદક છે. સૌભાગ્યસિંહ દુર્ગેશનગરના મહારાજા ચતુરસિંહનો નદીમાં તણાઈ ગયેલો પુત્ર છે. સુંદરી સુંદરસેનની રાજપુત્રી છે. એક વાર બાગમાં સૌભાગ્યસિંહ સુંદરીને ધસમસ આવતા હાથીથી બચાવે છે. સૌભાગ્ય અને સુંદરી વચ્ચે પ્રેમ બંધાય છે; પરંતુ સુંદરીની સાવકી માતા કુમતિ લગ્નમાં વિઘ્ન નાંખે છે. સુંદરી ઉપર ખોટું કલંક આવે છે. સૌભાગ્યસિંહનો મિત્ર માધવસિંહ યુક્તિ રચી સૌભાગ્ય અને સુંદરીનાં લગ્ન કરી આપે છે. નાટકના વસ્તુને વેગ આપે તેવી પ્રસંગરચનાને કારણે નાટકનો મર્મ અને ભાવ સરળતાથી સમજાય છે. નીતિપ્રધાન નાટકોના જમાનામાં આ શૃંગારપ્રધાન લોકપ્રિય નાટકે મંડળીને ખૂબ આર્થિક ફાયદો કરી આપ્યો હતો. આ નાટ્ય પ્રયોગથી જયશંકર ભોજક અને બાપુલાલ નાયકની જોડીને અપ્રતિમ ખ્યાતિ મળી; તે ત્યાં સુધી કે જયશંકર ભોજક ‘સુંદરી’ને નામે ઓળખાવા માંડ્યા ! આ નાટકનું પુસ્તક ઈ. સ. 1951માં ‘સૌભાગ્યસુંદરી અને બીજાં નાટકોનું નવનીત’ – એ નામે સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ તરફથી પ્રસિદ્ધ થયું છે.
દિનકર ભોજક