સૌર અગ્નિમશાલ (solar faculae)

January, 2009

સૌર અગ્નિમશાલ (solar faculae) : સૂર્યના તેજાવરણ પર અવારનવાર સર્જાતા અને આસપાસની તેજાવરણની સપાટી કરતાં વધુ તેજસ્વી જણાતા વિસ્તારો. અંગ્રેજીમાં આ વિસ્તારો ‘faculae’ તરીકે ઓળખાવાય છે. (faculae એ faculaનું બહુવચન; facula લૅટિન શબ્દ છે, જેનો અર્થ નાની torch થાય; એટલે ગુજરાતીમાં એને ‘મશાલ’ કહી.) આ પ્રકારના વિસ્તારો મહદંશે સૂર્યના તેજાવરણ (photosphere) પરના ચુંબકીય ક્રિયાશીલતા ધરાવતા વિસ્તારો નજીક અને ખાસ કરીને તો પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ધરાવતા સૂર્યકલંકના વિસ્તાર (magnetically active regions) ફરતા આવેલા જણાય છે. ચુંબકીય ક્ષેત્રને કારણે સૂર્યના ઊંચું તાપમાન ધરાવતા આંતરિક વાયુનું ઊર્ધ્વગમન અવરોધાય છે અને એ કારણે પ્રબળ ચુંબકીય ક્ષેત્રના વિસ્તારો ઓછું તાપમાન ધરાવતા ‘શ્યામરંગી’ સૂર્યકલંકોના સ્વરૂપના જણાય છે. આની નજીક ફરતા વિસ્તારોમાં વધુ પ્રબળ ઊર્ધ્વગામી પ્રવાહો સર્જાતા ઊંચા તાપમાનનાં વાયુવાદળો તેજાવરણની ઉપર પ્રસરે છે, જે આ ‘સૌર અગ્નિમશાલ’ની ઘટના પાછળનું કારણ છે. ઊંચા તાપમાનનાં આ વાયુવાદળો, તેજાવરણની ઉપર આવેલ રંગાવરણને પણ અસર કરે છે અને આ કારણે ‘અગ્નિમશાલ’ ઉપર આવેલ રંગાવરણમાં, હાઇડ્રોજન વાયુની ઉત્સર્જનરેખા બામર આલ્ફા(6563 Å Balmer a)માં તેજસ્વી જણાતા અને અંગ્રેજીમાં ‘Plage’ તરીકે ઓળખાતા વિસ્તારો સર્જાય છે. આમ સૂર્યકલંકો, સૌર અગ્નિમશાલ અને Plage ઘટનાઓ એકમેક સાથે સંકળાયેલ સૂર્યની ચુંબકીય ક્રિયાશીલતાને કારણે સર્જાતી ઘટનાઓ છે.

સૌર અગ્નિમશાલ

તેજાવરણ પરના ‘અગ્નિમશાલ’ વિસ્તારો સામાન્ય રીતે તો માત્ર અનુભવી ખગોળવિજ્ઞાનીઓ જ પારખી શકે તેવા હોય છે, પરંતુ તેજાવરણના બિંબના છેડા નજીકના વિસ્તારો, જે પ્રમાણમાં ઓછા પ્રકાશિત જણાતા હોય છે તેના પર આવેલ અગ્નિમશાલ વિસ્તારો વધુ આસાનીથી જણાઈ આવે છે. જ્યારે આપણે સૂર્યના બિંબના છેડાનો વિસ્તાર જોઈએ ત્યારે દૃષ્ટિરેખા (ત્રાંસ – oblique) ‘ત્રાંસ’માં સૂર્યના તેજાવરણને જુએ છે અને આ કારણે આપણે માત્ર તેજાવરણના ઉપરના સ્તરો જે પ્રમાણમાં નીચું તાપમાન ધરાવતા હોય તેવા ઓછા પ્રકાશિત વાયુસ્તરને જોઈએ છીએ. આ ઘટના Limb darkening કહેવાય છે અને એને કારણે Limb એટલે કે તેજાવરણના બિંબના છેડાના વિસ્તાર પરના અગ્નિમશાલ વિસ્તારો સહેલાઈથી જણાઈ આવે છે.

જ્યોતીન્દ્ર ન. દેસાઈ