સૌભરિ : ઋગ્વેદના મંત્રદૃષ્ટા ઋષિ જેમણે માંધાની 50 કન્યાઓ સાથે લગ્ન કર્યાં હતાં. કથા એવી છે કે એક વાર યમુના નદીને કિનારે તપસ્યા કરતી વખતે સૌભરિ ઋષિએ માછલીઓને રતિક્રીડા કરતી જોઈ તેમના મનમાં લગ્ન કરવાની ઇચ્છા ઉત્પન્ન થઈ. ઋષિ માંધાતા પાસે પહોંચ્યા અને પોતાને એક કન્યા આપવા અનુરોધ કર્યો. વૃદ્ધ સૌભરિ ઋષિને જોઈને માંધાતાએ એમને ટાળવાના ઉદ્દેશ્યથી કહ્યું કે મારી 50 કન્યાઓ છે એમાંથી જે તમને પસંદ કરે તેની સાથે આપ લગ્ન કરી લેજો. સૌભરિને રાજાની દાનત સમજાઈ ગઈ. આથી એમણે યોગબળથી તત્કાળ પોતાના વૃદ્ધ રૂપનો ત્યાગ કરીને સુંદર નવયુવકનું રૂપ ધારણ કર્યું અને એ નવીન સ્વરૂપે માંધાતાની કન્યાઓ સમક્ષ જઈ ઊભા રહ્યા. એ પચાસે કન્યાઓએ સૌભરિનું વરણ કર્યું અને એમની સાથે ઋષિનાં લગ્ન થયાં. પાછળથી ઋષિને વિરક્તિ થઈ અને તેઓએ પોતાની પાછળ 500 પુત્રોને મૂકીને સમાધિ લઈ લીધી.

પ્રવીણચંદ્ર પરીખ