સોસાયટી [સમાજ (પરિસ્થિતિવિદ્યા)]

January, 2009

સોસાયટી [સમાજ (પરિસ્થિતિવિદ્યા)] : ક્લિમેન્ટ્સ(1916)ની વનસ્પતિસમાજની વર્ગીકરણ-પદ્ધતિનો એક એકમ. તેમના મત પ્રમાણે, વનસ્પતિ-સામાજિક (phytosociological) દૃષ્ટિએ વનસ્પતિસમાજમાં મુખ્યત્વે ચાર એકમો જોવા મળે છે : (1) વનસ્પતિ-સમાસંઘ (plant formation), (2) સંઘ (association), (3) સંસંઘ (consociation) અને (4) સમાજ (society). આ પદ્ધતિમાં જાતિની પ્રભાવિતા અને અનુક્રમને મૂળભૂત સિદ્ધાંત તરીકે સ્વીકારવામાં આવેલ છે.

સંઘ કે સંસંઘની સામાન્ય પ્રભાવી જાતિઓ સિવાયની કેટલીક જાતિઓ નીચલી કક્ષાના સમુદાય(community)ની રચના કરે છે. આવા સ્થાનિક સમુદાયોને સમાજ કહે છે. ઍશવૂડ(Fraxinus)માં વિચ ઍલ્મ (Ulmus glabra) અથવા ઑકવૂડ(Quercus)ના વધારે ભેજવાળા ભાગોમાં આલ્ડર (Alnus) અથવા દક્ષિણ–પૂર્વીય ઇંગ્લૅન્ડના ચૉક ડાઉન્સ વિસ્તારમાં થતું ટૉર ગ્રાસ (Brachypodium pinnatum) અથવા પડતર ભૂમિમાં થતી શેવાળ(Polytrichum)ની જાતિઓ વગેરે સમાજનાં ઉદાહરણો છે.

સમાજ સામાન્યત: સંઘની પ્રભાવી જાતિઓ સિવાયની એક પ્રભાવી જાતિ ધરાવે છે. કેટલીક વાર સમાજમાં આવેલી ગૌણ જાતિઓ સંઘના બીજા ભાગોમાં આવેલી તે જાતિઓથી સાપેક્ષ આવૃત્તિ(frequency)ની બાબતમાં સ્પષ્ટ તફાવત દર્શાવે છે. આમ, વૃક્ષના સમાજમાં, જેમ કે ઓકવૂડમાં ભારે છાંયડો આપતું ચિનાર (Platanus occidentalis) ઓકના આછા છત્ર હેઠળ રહેલી સામાન્ય જાતિઓ પૈકીની ઘણી જાતિઓમાં ઘટાડો કરે છે. કેટલીક વાર સમાજમાં થતી ગૌણ જાતિઓ સંઘના અન્ય ભાગોમાં જોવા મળતી નથી અથવા ભાગ્યે જ જોવા મળે છે;

દા. ત., ડર્બિશાયરના ઍશવૂડમાં ડૉગ્સ મર્ક્યુરી(Merculiaris perennis)ના સંઘમાં મોસ્કેટેલ (Adoxa moschatellina); કારણ કે સમાજની પ્રભાવી જાતિઓ સંઘના એવા ભાગોમાં થાય છે, જ્યાં સ્થાનિક રીતે આવાસ (habitat) ભિન્ન હોય છે (આવાસ-સમાજો – habitat societies) અથવા સમાજની પ્રભાવી જાતિની વૃદ્ધિ નવી સ્થાનિક પરિસ્થિતિનું નિર્માણ કરે છે, જેથી કેટલીક ગૌણ જાતિઓ કાં તો વિપુલ પ્રમાણમાં થાય છે અથવા સંઘમાં અન્યત્ર ન થતી જાતિઓ જોવા મળે છે.

સંઘ કે સંસંઘને અનુલક્ષીને સમાજની પ્રભાવી જાતિ ગૌણ જાતિ ગણાય છે; પરંતુ સમાજમાં પ્રભાવી જાતિના સંદર્ભમાં અન્ય ગૌણ જાતિઓ હોઈ શકે છે. તેથી એમ કહેવાય છે કે સમાજ એટલે ‘પ્રભાવિતા(dominance)માં પ્રભાવિતા’. સમાજનું આયોજન ઉચ્ચ કક્ષાનું હોય ત્યારે તે સંસંઘના બંધારણના લઘુરૂપ(miniature)નું પુનરાવર્તન કરે છે. કેટલાક કિસ્સાઓમાં આવો સમાજ સમાસંઘના ખંડનું પ્રતિનિધિત્વ દર્શાવે છે; જેમ કે વનની પડતર ભૂમિના રેતાળ કિનારા પરના સમાજનું સૌથી અલ્પ પ્રમાણમાં આયોજિત સ્વરૂપ સંઘની ગૌણ જાતિની સ્થાનિક પ્રભાવિતા દ્વારા અભિવ્યક્ત થાય છે. આવા સંઘમાં અન્ય ગૌણ જાતિઓના સરેરાશ વિતરણમાં ફેરફાર થતો નથી. સૌથી ઉચ્ચ કક્ષાનું આયોજન ધરાવતો સમાજ (જે સંસંઘના લક્ષણ સાથે સામ્ય દર્શાવે છે.) લાક્ષણિક ગૌણ જાતિઓ દ્વારા પ્રતિનિધિત્વ દર્શાવે છે; જેઓ સામાન્ય સંઘની ગૌણ જાતિઓથી ભિન્ન હોય છે. (દા. ત., ભારે મૃદા પરના વધારે ભેજવાળા ભાગોની તૃણભૂમિમાં Juncusનો સમાજ; પડતર ભૂમિના વધારે ભેજવાળા ભાગોમાં Erica tetralixનો સમાજ.)

સમાજસ્તર (stratum society) : સ્તરિત (stratified) સંસંઘના સમાજો બધા સ્તરો સાથે સંકળાયેલા હોય છે. સમાજમાં પ્રત્યેક સ્તર વિવિધ જાતિઓની જુદી જુદી આવૃત્તિઓ (frequencies) દર્શાવે છે અને બાકીના સંસંઘથી કદાચ કેટલીક જુદી જાતિઓ ધરાવે છે. આ સ્થિતિ વનમાં જોવા મળે છે; જ્યાં સમાજના પ્રભાવી વૃક્ષની આવાસ ઉપર સ્પષ્ટ અસર હોય છે. આ વૃક્ષ વધારે કે ઓછો છાંયડો આપી અથવા સંસંઘની પ્રભાવી જાતિથી તે જુદા જ પ્રકારની ખાદમાટી (humus) ઉત્પન્ન કરી અસર નિપજાવે છે, પરંતુ અન્ય સમાજો એક કે બે સ્તર પૂરતા મર્યાદિત હોય છે; દા. ત., શાકીય સ્તર (herb stratum) અથવા વનનું શાકીય અને શેવાળ (moss) સ્તર અથવા માત્ર ક્ષુપ સ્તર (shrub stratum); દા. ત., Crataegusનો સમાજ. બધા સ્તરો સાથે નહિ સંકળાયેલા સમાજોને સમાજ-સ્તર કહે છે. વનના શાકીય સમાજ ઘણી વાર અસંખ્ય અને વિવિધતાઓવાળા હોય છે. તેમનો આવાસની પરિસ્થિતિઓ સાથે સહસંબંધ હોઈ શકે કે ન પણ હોય. કૅમ્બ્રિજશાયરના વનમાં ડૉગ્સ મર્ક્યુરી, વન્ય સ્ટ્રૉબેરી અને મેડો સ્વીટના સમાજ ઉનાળામાં મૃદાના પાણીના પ્રમાણ સાથે ગાઢ રીતે સંબંધિત છે; જ્યારે તેમનો પ્રકાશ સાથે ઓછો સંબંધ હોય છે. હર્ટફૉર્ડશાયરની ઝાડીઓમાં બ્રેકન ફર્ન (Pteridium), વૂડ એનિમોન (Anemone nemorosa), લેસર સેલેન્ડિન (Ranunculus ficaria) અને ડૉગ્સ મર્ક્યુરીના સમાજ મૃદાનો ભેજ, ખાદમાટી અને મૃદાની અમ્લતા પર આધારિત હોય છે.

મોસમી (aspect) સમાજ : એક ઋતુ સાથે સંકળાયેલ સંઘના સમાજોને મોસમી સમાજ કહે છે. કોઈ એક સમયે આપેલો ભૂખંડ (patch) એક કે તેથી વધારે જાતિઓના પ્રરોહો અને પર્ણો દ્વારા રોકાયેલો હોય છે (દા. ત., વસંત ઋતુમાં) અને અન્ય સમયે તે તદ્દન ભિન્ન જાતિઓ વડે આચ્છાદિત હોય છે (દા. ત., ગ્રીષ્મમાં). તેમને બે જુદા જ ‘મોસમી સમાજ’ તરીકે ઓળખાવતાં કાળજી રાખવી આવશ્યક છે, કારણ કે એક ઋતુ દરમિયાન કેટલીક જાતિઓના ભૂમિગત ભાગો સપાટી ઉપર જોવા મળતા નથી, છતાં તેઓ સમગ્ર વર્ષ દરમિયાન હોય છે અને તે જાતિના વિકાસ પર અસર કરે છે; જેથી નિશ્ચિત સમયે તેનાં હવાઈ અંગો ભૂમિ પર દૃશ્યમાન બને છે. જે સમાજની જાતિઓનાં હવાઈ અંગો જુદી જુદી ઋતુઓમાં સક્રિયપણે વૃદ્ધિશીલ બને છે તેને ‘ઋતુનિષ્ઠ પૂરક સમાજ’ (seasonally complementary society) કહે છે.

બળદેવભાઈ પટેલ