સોસાયટી ટાપુઓ (Society Islands)

January, 2009

સોસાયટી ટાપુઓ (Society Islands) : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલા ટાપુઓ. ભૌગોલિક સ્થાન : 17° 00´ દ. અ. અને 150° 00´ પ. રે.. ‘આર્ચિપેલ દ લા સોસાયટી’ના ફ્રેન્ચ નામથી ઓળખાતો ફ્રેન્ચ પૉલિનેશિયન વિસ્તારનો આ દ્વીપસમૂહ યુ.એસ.ના સાન ફ્રાન્સિસ્કોથી નૈર્ઋત્યમાં આશરે 6760 કિમી. અંતરે તથા ફિજિથી પૂર્વમાં કૂક ટાપુઓ નજીક આવેલો છે. આ દ્વીપસમૂહ વાતાભિમુખી ટાપુઓ અને વાતવિમુખી ટાપુઓ જેવા બે વિભાગોમાં વહેંચાયેલો છે. તેમાં કુલ 14 ટાપુઓ આવેલા છે. તેમનો કુલ વિસ્તાર 1685 ચોકિમી. જેટલો છે. 1996 મુજબ આ ટાપુઓની વસ્તી 2,19,521 છે.

વાતાભિમુખી ટાપુઓનો વિસ્તાર 1200 ચોકિમી. જેટલો તથા વાતવિમુખી ટાપુઓનો વિસ્તાર 400 ચોકિમી. જેટલો છે. આ બંને ટાપુસમૂહો વચ્ચે વાયવ્ય-અગ્નિદિશાકીય ઉપસ્થિતિવાળી સોસાયટી ડુંગરધાર આવેલી છે. વાતાભિમુખી ટાપુસમૂહમાં તાહિતી મુખ્ય ટાપુ છે. તેના પર આવેલું શહેર પાપીતી (Papeete) અહીંનું મુખ્ય વહીવટી મથક છે. આ ઉપરાંત તેમાં મુરીઆ, મૈઓ (અથવા તુબુઆઈ માનુ) તેમજ ટેટિયારોઆ અને મેહેતિયા ટાપુઓ આવેલા છે.

વાતવિમુખી ટાપુસમૂહમાં રાઈઆટિયા મુખ્ય ટાપુ છે. ઉતુરોઆ તેના પર આવેલું મુખ્ય શહેર છે. આ ઉપરાંત તેમાં હુઆહીન, બોરાબોરા, માઉપિતી, તાહા તેમજ ચાર નાના કંકણાકાર પ્રવાળદ્વીપો આવેલા છે.

સોસાયટી ટાપુઓ જ્વાળામુખીજન્ય છે. તેમનાં શિખરો ઓછીવત્તી ઊંચાઈવાળાં છે. ટાપુઓનું ભૂપૃષ્ઠ ખડકાળ અને ખૂબ જ અસમતળ છે. કેટલાક ટાપુઓ નીચા કંકણાકાર પ્રવાળદ્વીપોથી બનેલા છે. તેમનો ઉપયોગ મત્સ્યકેન્દ્રો તરીકે થાય છે. તાહિતી ટાપુ પર આવેલું પાટનગર તાહિતી બંદર તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. અહીંના મોટા ભાગના નિવાસીઓ પૉલિનેશિયનો છે. તેઓ માછીમારીનું અને મોતી મેળવવાનું કામ કરે છે.

સોસાયટી ટાપુઓ

1767માં અહીં આવેલા કૅપ્ટન સૅમ્યુઅલ વૅલિસે બ્રિટન વતી તથા 1786માં અહીં આવેલા લુઈ ઍન્ટોઇન દ બોગનવિલેએ ફ્રાન્સ વતી સોસાયટી ટાપુઓ માટે દાવા મૂકેલા. 1769માં વૈજ્ઞાનિક અભિયાન કરવાના હેતુથી રૉયલ સોસાયટી તરફથી લૅફ્ટેનન્ટ (પછીથી કૅપ્ટન) જેમ્સ કૂકે આ ટાપુઓની મુલાકાત લીધેલી. 1842–1843માં તે ફ્રેન્ચ-રક્ષિત પ્રદેશ બન્યો. 1880–1881માં તે ફ્રાન્સનું દરિયાપારનું સંસ્થાન (colony) બન્યો. 1903માં તે ટાપુઓ ફ્રેન્ચ ઓશનિયાનો ભાગ બન્યા. 1946માં તેમને ફ્રેન્ચ પૉલિનેશિયાના આઇલ્સ દ વેન્ટ અને આઇલ્સ સૉસ લ વેન્ટ નામના બે વહીવટી વિભાગોમાં વહેંચ્યા છે.

જાહનવી ભટ્ટ