સોપાનો બાળવિકાસનાં (milestones of child develop-ment)
January, 2009
સોપાનો, બાળવિકાસનાં (milestones of child develop-ment) : બાળકની વૃદ્ધિવિકાસના તબક્કાનો કાલક્રમ. બાળકની પેશી, અવયવો તથા શરીરના ભૌતિક કદવધારાને વૃદ્ધિ (growth) કહે છે જ્યારે તેની કાર્યક્ષમતામાં થતા વધારાને વિકાસ (development) કહે છે. જુદી જુદી વયે બાળકોમાં જે તે નવી કાર્યક્ષમતાઓ વિકસે છે તેને તેના વિકાસનાં સોપાનો કહે છે. બાળકનો વિકાસ શારીરિક, માનસિક, બોધાત્મક અને સર્જનાત્મક હોય છે.
(1) 1થી 4 મહિનાનું શિશુ 50.8થી 68.6 સેમી. લંબાઈનું હોય છે અને દર મહિને 2.54 સેમી. જેટલું લાંબું થાય છે. તેનું સરેરાશ વજન 3.6થી 7.3 કિગ્રા. હોય છે. તેનું દર અઠવાડિયે 0.11થી 0.22 કિગ્રા. વજન વધે છે. તેનો શ્વસનદર 30થી 40/મિનિટ હોય છે અને શરીરનું તાપમાન 35.7થી 37.5° સે. રહે છે. તેના માથા અને છાતીનો પરિઘ લગભગ સમાન હોય છે. મગજની વૃદ્ધિને કારણે માથું પ્રથમ 2 મહિના 1.9 સેમી./માસના દરે અને ત્યારબાદ 1.6 સેમી.ના દરે મોટું થાય છે. તે શ્વાસોચ્છવાસમાં મુખ્યત્વે પેટના સ્નાયુઓનો ઉપયોગ કરે છે. તેની ખોપરીનાં હાડકાં વચ્ચે આવેલું પાછળનું કપાલપટલ (fontanel) બંધ થઈ જાય છે અને આગળનું 1.3 સેમી. જેટલું નાનું બને છે. ચામડી વધુ સંવેદનશીલ રહે છે અને સહેલાઈથી સંક્ષોભિત (irritated) થાય છે. જ્યારે તે રડે છે ત્યારે આંસુ આવે છે. બંને આંખો જોડમાં ફરે છે, તેથી દ્વિનેત્રી દૃષ્ટિ (binocular vision) એટલે કે બંને આંખોથી જોવાય એવું એક સંયુક્ત દૃશ્ય ઉદભવી શકે છે.
4થી 6 અઠવાડિયે તે માતા સામે જોઈને હસે છે અને 6થી 8 અઠવાડિયે અવાજ કરે છે. પ્રથમ 3 માસમાં ધાવવાની ચેતાપરાવર્તી ક્રિયા (પ્રતિક્ષિપ્તક્રિયા) (reflex action) પૂર્ણ વિકસિત થાય છે. જોકે તેની ગળવાની અને જીભ હલાવવાની ક્રિયા ક્ષતિપૂર્ણ હોય છે. તેની હથેળી પાસે આવતી વસ્તુને પકડીને મૂઠી વાળવાની ક્રિયાને હસ્તગ્રહણની ચેતાપરાવર્તી ક્રિયા (grasp reflex) કહે છે. તે સમય જતાં જતી રહે છે. તેને ઊંધો સુવાડતાં તે માથું ઊંચું રાખે છે અને પગ સીધા કરે છે. તે આખા હાથથી પકડે છે; પરંતુ ખાસ જોર હોતું નથી. સામાન્ય રીતે હાથ ખૂલ્લો રાખે છે. ધીમે ધીમે સ્નાયુઓનું બળ વધે છે. હલનચલન શરૂઆતમાં આંચકાવાળું હોય છે, જે ધીમે ધીમે સરળ બને છે. ઊંધો હોય ત્યારે હાથથી માથું અને ઉપલું ધડ ઊંચું કરવા પ્રયત્ન કરે છે. ચત્તો સૂએ ત્યારે તે એક બાજુ માથું વાળે છે. વસ્તુને પકડવા હાથ લંબાવે છે. યોગ્ય સમયે હસે છે. 3 મહિને તે અવાજ તરફ મોં ફેરવે છે.
(2) 4થી 6 મહિને તેના વજનની વૃદ્ધિ દર મહિને 0.5 કિગ્રા. જેટલી હોય છે, જેથી તે જન્મ કરતાં બમણા વજને પહોંચે છે. દર મહિને 1.3 સેમી. લંબાઈ વધે છે, જેથી સરેરાશ ઊંચાઈ 69.8થી 73.7 સેમી. થાય છે. હજુ માથું-ધડનો પરિઘ સમાન રહે છે. માથાનો ઘેરાવો વધતો રહે છે પ્રથમ 6થી 7 મહિના 0.95 સેમી./માસના દરે અને ત્યારબાદ 0.47 સેમી./માસના દરે. તેનું કારણ અંદરનું મગજ વૃદ્ધિ પામી રહ્યું હોય છે. શ્વસનક્રિયામાં પેટના સ્નાયુઓ વપરાય છે અને તેનો દર પ્રતિમિનિટ 25થી 50 હોય છે. દાંત આવવાના શરૂ થાય છે. સૌપ્રથમ ઉપરના અને નીચેના સૌથી આગળના (છેદક, incisors) દાંત આવે છે. અવાળાં લાલ અને સૂજેલાં હોય છે. તે વસ્તુને મોંમાં મૂકીને ચાવવાનું, કરડવાનું કર્યા કરે છે; પગ ધનુષ્યની જેમ વળેલા હોય છે અને તે ધીમે ધીમે સીધા બનવા માંડે છે. આંખનો રંગ નિશ્ચિત થાય છે.
આંખ મીંચકારવાની ચેતાપરાવર્તી ક્રિયા વિકસે છે. ધાવવાની ક્રિયા તેના નિયંત્રણમાં આવે છે. મોરો નામની ચેતાપરાવર્તી ક્રિયા જતી રહે છે. બાળકને એકદમ નીચે લાવતાં તે રક્ષણાર્થે બંને હાથ પહોળા કરે છે. તેની ગળવાની ક્રિયા સુસ્થાપિત થાય છે. આંગળી અને અંગૂઠાથી વસ્તુ પકડે છે. પહેલાં બંને હાથે અને પછી કોઈ એક હાથે દૂરની વસ્તુ પકડે છે. એક હાથમાંથી વસ્તુ બીજા હાથમાં મૂકે છે અને વસ્તુને પૂરા હાથથી પકડે છે, હલાવે છે અને પછાડે છે. તે બધું મોઢાંમાં મૂકે છે. હાથમાં દૂધની બાટલી પકડી શકે છે. ટેકા વગર બેસે છે, માથું ઊંચું રાખે છે અને હાથથી ટેકો મેળવે છે. ઘૂંટણિયાં ભરવા માટે હાથ પર ઊંચો થાય છે અને ઢીંચણને શરીર નીચે લાવવા પગ વાળે છે. હાથ-ઢીંચણ પર આગળપાછળ ઝૂલે છે. આગળ ખસી શકતો નથી. પીઠ કે પેટ પર સૂઈ શકે તેમ ગબડે છે. ઊંધો સૂતો હોય ત્યારે ક્યારેક પાછળ સરકે છે.
5મા મહિનાથી અવાજ ગમે છે અને દર્પણમાં જોઈને હસે છે. 6ઠ્ઠે મહિને ‘મમ્ મમ્’, ‘દાદા’ જેવા દ્વિઉચ્ચારણો કરે છે. કાનથી 45 સેમી. દૂરના અવાજની દિશા નક્કી કરે છે અને અજાણી વ્યક્તિથી શરમાય છે. સાતમે મહિને તે પડી ગયેલી વસ્તુને મેળવવા પ્રયત્ન કરે છે. જોકે તે ‘ના’ કે ‘ભય’ને સમજતો નથી.
(3) 8થી 12 મહિને તે 0.5 કિગ્રા./માસના દરે વજન મેળવે છે જેથી 1 વર્ષે તે જન્મ કરતાં 3 ગણા વજનનો (સરેરાશ 9.6 કિગ્રા.) અને જન્મ કરતાં 11 ગણો લાંબો (ઊંચો) થાય છે. જુદી જુદી ક્રિયા પ્રમાણે શ્વસનદર 20થી 45/મિનિટનો રહે છે. શરીરનું તાપમાન 96.4°થી 99.6° ફે. (35.7°થી 37.5° સે.) રહે છે. વાતાવરણ, હવામાન, ક્રિયાશીલતા તથા કપડાંથી તાપમાનમાં ફરક પડે છે. માથા અને ધડનો ઘેરાવો (પરિઘ) સમાન રહે છે અને શ્વસન પેટના સ્નાયુઓથી થાય છે. ખોપરીમાંનું અગ્રસ્થ કપાલપટલ બંધ થવા માંડે છે. ઉપરનીચેના 4 છેદક અને નીચેની 2 દાઢ ઊગી આવે છે. શરીરના બીજા ભાગ કરતાં હાથ (હસ્ત, hand) મોટા લાગે છે. પગ (પાદ, foot) ચપટા અને સપાટ હોય છે અને પગનો નળાસ્થિવાળો ભાગ ધનુષ્ય જેવો વળેલો રહે છે. પગ કરતાં હાથની વૃદ્ધિ વધુ હોય છે. દૃષ્ટિની તીક્ષ્ણતા (acuity of vision) 20/100 હોય છે. બંને આંખો વચ્ચે યોગ્ય પ્રકારની દ્વિનેત્રી સંગતતા (coordination) હોય છે. તે 15થી 20 ફૂટ દૂરની વસ્તુ જોઈને નિર્દેશ કરી શકે છે.
તે એક હાથે વસ્તુ (રમકડું) સુધી પહોંચીને પકડે છે. તેનું હસ્તાંતરણ કરે છે, તેમાં આંગળી નાંખીને સમજવા પ્રયત્ન કરે છે. નાની વસ્તુ માટે આંગળી ભેરવીને તેને પકડે છે. વસ્તુને છોડી દે છે કે ફેંકે છે. તે ઇરાદાપૂર્વક તેને નીચે મૂકી શકતો નથી. ઊભો થવા શરીરને હાથ વડે ટેકવીને ખેંચે છે. જાતે ઊભો રહેવા પ્રયત્ન કરે છે. બેઠક, મેજ વગેરેના ટેકે ખસે છે. વચ્ચે અવરોધ હોય તો બાજુ પર સરકે છે. બેસવામાં પૂરતું સંતુલન જાળવે છે. પડ્યા વગર તે સૂવા-બેસવા કે ઊભા થવાની સ્થિતિ બદલે છે. હાથ-ઢીંચણ પર સરકે છે, પગથિયાં પર ઘૂંટણિયાથી ચડે-ઊતરે છે. પુખ્ત વયની વ્યક્તિનો હાથ પકડીને અને સમય જતાં વગર ટેકે ચાલે છે.
આશરે 9મે કે 10મે મહિને બાળલવરી (babbles) કરે છે. તે અજાણી વ્યક્તિથી સચિંત (apprehensive) બને છે. 1 વર્ષે તે 2થી 3 શબ્દોની વારંવાર બાળલવરી કરે છે, વસ્તુ પાડે છે અને તે ક્યાં જાય છે તે જુએ છે તથા કપડાં પોતાને પહેરાવાય ત્યારે તેમાં મદદ કરે છે. સાદી આજ્ઞાઓ સમજે છે અને ‘આવજો’ માટે હાથ હલાવે છે. તે નકલ કરીને સાદી ક્રિયાઓ કરે છે; જેમ કે, હાથ પછાડી અવાજ કરવો. વસ્તુની પીઠથી પણ તેને ઓળખે છે. અવાજની દિશાપરખ થાય છે; પરંતુ તે લાંબા સમય માટે રસ જાળવી શકતો નથી.
(4) 12થી 24 મહિનામાં વૃદ્ધિદર ઘટે છે. ઊંચાઈ 5થી 7.5 સેમી. વધે છે (કુલ ઊંચાઈ 81થી 89 સેમી.). વજન 9.6થી 12.3 કિગ્રા. થાય છે (0.13થી 0.25 કિગ્રા./માસ). તેથી બીજા વર્ષને અંતે તે જન્મના વજનથી 3 ગણા વજનનું થાય છે. શ્વસનદર 22થી 30/મિનિટ થાય છે અને તે લાગણી કે ક્રિયાથી બદલાય છે. હૃદયના ધબકારાનો દર 80થી 110/મિનિટ રહે છે. માથું દર 6 મહિને 1.3 સેમી. વધે છે. 18મા મહિને અગ્રસ્થ કપાલપટલ બંધ થાય છે. છાતીનો ઘેરાવો માથાના ઘેરાવા કરતાં વધે છે. 6થી 10 નવા દાંત ફૂટે છે. પગ વળેલા હોય છે. પુખ્ત વયની વ્યક્તિ જેવો ઘાટ થવા માંડે છે. દૃષ્ટિની તીક્ષ્ણતા 20/60 થાય છે.
તે ઝડપથી અને કૌશલ્યથી ઘૂંટણિયાં ભરે છે. પહોળા પગે એકલું ઊભું રહે છે. ટેકા માટે હાથ લંબાવે છે. વગર મદદે ઊભું થાય છે. બીજા વર્ષના અંતે બાળક વગર મદદે, વારંવાર પડતાં–ઊભા થતાં ચાલે છે; પરંતુ અવરોધ વખતે અટકી પડે છે. બેસતી વખતે ફર્નિચરની મદદ લઈને નીચું વળે છે, પણ પછી ધડાક દઈને બેસે છે અથવા આગળ પડી જઈને હાથની મદદે બેઠું થાય છે. ચાલતાં ચાલતાં રમકડાને ધકેલે છે કે ખેંચે છે અને તેમ કરતાં આનંદ મેળવે છે. વારેઘડીએ વસ્તુ (રમકડું) ઊંચકે છે અને ફેંકે છે. ધીમે ધીમે તેની દિશા નિશ્ચિત થતી જાય છે. તે દોડવા પ્રયત્ન કરે છે. અટકવામાં મુશ્કેલી પડે છે અને પડી જાય છે. ચાર અંગે ઘૂંટણિયાંથી પગથિયાં ચડે છે અને એ જ દિશામાં રહીને (ઊંધાં) ઊતરે છે. નાની ખુરશીમાં બેસે છે. રમકડું લઈને ફરે છે. તેને ખવડાવાય ત્યારે સાથ આપે છે. ચમચી (ક્યારેક ઊંધી) પકડે છે, પ્યાલામાંથી પાણી-દૂધ પીએ છે. જોકે મોં સુધી વાસણ લાવવામાં ચોકસાઈ ઓછી હોવાથી શરીર પર પ્રવાહી ઢળે છે. ચોપડીનાં પાનાં ફેરવવામાં મદદ કરે છે અને 2થી 4 ચોકઠાંનો મિનારો કરે છે.
તેને વસ્તુ છુપાવવાની રમતમાં મજા પડે છે. તેણે છુપાવવાની જગ્યા જોઈ લીધી હોય તો ત્યાં તે શોધે છે. પાછળથી અન્ય સ્થળે પણ શોધે છે. બીજું રમકડું મળતું હોય તો પહેલા રમકડાને બીજા હાથમાં લે છે. નવું રમકડું ગમે છે. આગળના 2થી 4 રમકડાંને ખોળામાં કે જમીન પર ગોઠવે છે. મોંમાં મૂકવાની ટેવ ઘટે છે. ચિત્રપોથી ગમે છે. વસ્તુને કાર્ય સાથે જોડે છે અને એક કાર્યમાંની વસ્તુઓ વચ્ચેનો સંબંધ સમજે છે; જેમ કે, ચમચી કપમાં મૂકે છે, રકાબીથી પીવાની ક્રિયા કરે છે. ઢીંગલીને ઊભી રાખવા પ્રયત્ન કરે છે. બીજી વ્યક્તિને રમકડું બતાવે છે. ઘણી વસ્તુઓનાં નામ જાણે છે. સ્થાન સંબંધિત સમજણ વધે છે. દડાને દડાના ખાનામાં મૂકે છે. 3 ભૌમિતિક પદાર્થોને યોગ્ય ખાનામાં મૂકે છે. નાની વસ્તુઓને ખોળામાં કે બાટલીમાં ભરે છે, તેમને બહાર કાઢીને ઢગલો કરે છે. યાંત્રિક પદાર્થને સક્રિય કરતા બીજાને જોઈને તે પણ તેને સક્રિય કરવા પ્રયત્ન કરે છે. મોંના હાવભાવ સમજે છે પણ કહી શકતું નથી.
શબ્દો અને અવાજો મેળવીને વાત કરવા જેવું કરે છે. એક શબ્દથી આખી વાત સમજાવવા પ્રયત્ન કરે છે; જેમ કે, ‘મમ્’ દ્વારા વધુ બિસ્કિટ આપવાનું જણાવે છે. તેને વાક્યખંડાનુરૂપ શાબ્દિક વાણી (holophrastic speech) કહે છે. પાછળથી 2 શબ્દોનાં વાક્યો બનાવે છે. તેને દૂરાનુલેખનીય વાણી (telegraphic speech) કહે છે; જેમ કે, ‘વધુ બિસ્કિટ’, ‘ડેડી બાય-બાય’. સાદી આજ્ઞાઓ જેમ કે, ‘પપ્પાને ચોપડી આપો’ સમજીને પાળે છે. જાણીતાં રમકડાં, પ્રાણી કે વ્યક્તિને ઓળખી બતાવે છે. થોડીક વસ્તુઓ અને ક્રિયાઓને અભિનયયુક્ત (હાવભાવવાળી) થોડા શબ્દોવાળી વાતથી દર્શાવે છે. ‘હા’ તથા ‘ના’માં જવાબ આપે છે અને યોગ્ય રીતે માથું ધુણાવે છે. આશરે 25થી 50 % જેટલી વાણી સમજી શકે છે. જો તેને સ્થાનની ખબર હોય તો જાણીતી વસ્તુ શોધી બતાવે છે. પ્રાણી, આહાર, રમકડાં વગેરેના 5થી 50 શબ્દો જાણે છે. દર્શાવવાનો કે ખેંચવાનો હાવભાવ કરે છે. જોડકણાં અને ગીતોમાં મજા પડે છે. તેમાં તે જોડાય છે.
સામાન્ય રીતે અન્ય સાથે મૈત્રીપૂર્ણ રહે છે. અજાણ્યાથી ઓછું ડરે છે. રમકડાં ઉપાડીને ગોઠવવામાં મદદ કરે છે. તે થોડી વાર તેની સાથે રમે છે. તેને ઊંચકવામાં આવે કે તેને વાંચી બતાવવામાં આવે તેમાં તેને મજા પડે છે. મોટા જેવું કરવાની રમત કરે છે. મોટાનું ધ્યાન દોરવાનું, તેમની પાસે રહેવાનું, તે તેને તેડે કે બચ્ચી કરે તે બધું તેને ગમે છે. પોતાને અરીસામાં ઓળખે છે. બીજાં બાળકોનો સહવાસ ગમે છે, પણ રમવામાં હંમેશાં સહકારપૂર્ણ નથી હોતું. ક્યારેક પોતાની ઇચ્છા પ્રમાણે રોજિંદી ક્રિયાનો વિરોધ કરે છે તથા કોઈક ક્રિયા જાતે કરવા માગે છે. તે અકળાય, કંટાળે કે નિષ્ફળ જાય ત્યારે ત્રાગું (tantrum) કરે છે. તે અતિશય જિજ્ઞાસુ હોય છે અને તેથી તે જોખમમાં ન મુકાઈ જાય તે માટે સંભાળવું પડે છે.
(5) 2 વર્ષની વયે બાળકનું વજન 11.8થી 14.5 કિગ્રા. (જન્મ કરતાં 4 ગણું) અને ઊંચાઈ 86થી 96.5 સેમી. થાય છે. તેનો અંગવિન્યાસ (posture) સીધો હોય છે, પેટ મોટું અને આગળ પડતું તથા પીઠ ઝૂકેલી હોય છે. શ્વસનદર ઘટીને 20થી 35 થાય છે. શરીરનું તાપમાન ક્રિયા, લાગણી અને વાતાવરણ પ્રમાણે અલગ અલગ રહે છે. મગજનું કદ પુખ્ત વય કરતાં 80 % કદનું બનેલું હોય છે. આશરે 20 દૂધિયા દાંત આવેલા હોય છે. તે અવરોધ વચ્ચે ચાલીને માર્ગ કાઢે છે. લગભગ સીધું ચાલે છે. થોડું દોડે છે. મદદ વગર સીડી ચડે છે પણ એકાંતરે પગથિયે જુદા જુદા પગ મૂકે તેવું કરી શકતું નથી. એક પગે થોડીક વાર ઊભું રહે છે તથા નાના કૂદકા મારે છે. ક્યારેક પડી જાય છે. હાજતની તાલીમ (toilet training) લે છે અને તે માટે તૈયાર પણ હોય છે. જોકે તેમાં ક્ષતિ રહે છે. મોટા દડાને નીચેથી ફેંકે છે. એક હાથમાં પ્યાલો પકડે છે. મોટાં બટન ખોલે છે અને તેવી રીતે શૂલબંધક(zipper)ને પણ ખોલે છે. બારણાનો ડટ્ટો ફેરવીને બારણું ખોલે છે. ખુરશી પર ચડી ગોળ ફરીને બરાબર બેસે છે. પાણી, રેતી, લખોટી ઢોળવા-ભરવા-વેરવાનું ગમે છે. 4થી 6 ચોકઠાંનો મિનારો કરે છે. ત્રિચક્રી વાહન પર બેસીને પગથી ધકેલે છે.
તેની આંખ અને હાથના હલનચલનમાં સંગતતા આવે છે. તેથી વસ્તુને સાથે મૂકે છે, દૂર કરે છે, મોટા ખાનામાં મોટી વસ્તુને ગોઠવે છે. વસ્તુને કદ પ્રમાણે વર્ગીકૃત કરે છે. લાંબા સમય સુધી તાકે છે, તલ્લીન થાય છે, પરિસ્થિતિનો તાગ મેળવે છે; જેમ કે, દડો રગડી ગયો, કૂતરો જતો રહ્યો, શેનાથી અવાજ થયો વગેરે. મનગમતી ક્રિયા લાંબો સમય કરે છે. અમુક અંશે કારણ-પરિણામ સમજે છે; દા.ત., શું કરવાથી શું થાય છે ? જાણીતા માણસની ગેરહાજરી સમજે છે. ખોવાયેલી વસ્તુને છેલ્લે જ્યાં જોઈ હતી ત્યાંથી શોધવાની શરૂ કરે છે. પુસ્તકમાંનાં ચિત્રોને નામ આપી ઓળખે છે. ક્યારેક તેમાંથી કશુંક ખાવાની કે સૂંઘવાની નાટકીય ક્રિયા કરે છે. દુખાવાને તથા તેના સ્થાનને સમજે છે અને દર્શાવે છે.
તેને વાંચી બતાવવામાં આવે તો તે ગમે છે; પરંતુ તેને પુસ્તકમાં વસ્તુ દર્શાવવાનું, યોગ્ય અવાજ કરવાનું કે પાનાં ફેરવવાનું કરવા દેવામાં આવે તો તેનો રસ જળવાઈ રહે છે. ભાષાનું મહત્વ સમજે છે. 50થી 300 શબ્દો જાણે છે. શબ્દભંડોળ વધારે છે. વારંવાર વપરાતો ભાષાપ્રયોગ વધુ સારો રહે છે, પણ કોઈ વિશેષ અભિવ્યક્તિ હોય તો તે અપૂર્ણ રહે છે. તેઓ બોલે તે કરતાં સમજે છે વધુ. 3થી 4 શબ્દનાં વાક્યો બોલે છે અને વ્યાકરણના નિયમ પ્રમાણેનું વાક્ય બનાવે છે. પોતાને નામ કરતાં ‘હું’ કે ‘મને’થી દર્શાવે છે. તે ‘મારું’ દર્શાવી શકે છે. નકાર સહેલાઈથી કરે છે. ‘આ શું છે ?’ તેનો વારંવાર કરાતો પ્રશ્ન છે. બહુવચન વાપરે છે. ગેરહાજર પદાર્થ કે ભૂતકાળના પ્રસંગને વર્ણવે છે. વાણી કાલી હોય છે અને ક્યારેક થોથરાય છે. વાણી 60 %થી 70 % સમજી શકાય છે.
બીજાં બાળકોને સાચવે–સંભાળે છે. ક્યારેક ભેટી કે બચ્ચી કરીને પ્રેમ દર્શાવે છે. ગુસ્સા કે હતાશામાં ઉશ્કેરાય છે. જેમ જેમ બોલતાં શીખે છે તેમ તેમ શારીરિક આક્રમકતા ઘટે છે. ત્રાગું કે ખોટું લાગવું વધે છે. અધીરાપણું હોય છે. ઘરકામમાં મદદ કરે છે. ક્યારેક માગણી કરતાં અધિકારપણું દર્શાવે છે અને તેની માંગ તરત પોષાય તે માટે આગ્રહી બને છે. બીજાં બાળકોની રમતને જુએ છે અને નકલ કરે છે; પરંતુ તેમાં જોડાતું નથી. બીજા બાળકને રમકડું આપે છે, પરંતુ સામાન્ય રીતે રમકડાંનો સંગ્રહ કરીને પોતાનો અધિકાર જમાવે છે. તે બેમાંથી એકની પસંદગી કરી શકતું નથી અને બંને માંગે છે. કહ્યું ન માનવાનું વધે છે. તે પરિસ્થિતિને જેમની તેમ જાળવી રાખવા પ્રયત્ન કરે છે.
(6) 3 વર્ષે ઊંચાઈ 96.5થી 101.6 સેમી. (જન્મથી બમણું કદ) અને વજન 13થી 17 કિગ્રા. હોય છે. છોકરો તેની પુખ્ત વયની ઊંચાઈના 53 % જેટલી અને છોકરી 57 % જેટલી ઊંચાઈ ધરાવે છે. હૃદયના ધબકારા 90થી 110/મિનિટ હોય છે અને શ્વસનદર 20થી 30/મિનિટ, શારીરિક તાપમાન 35°થી 37° સે. હાથ કરતાં પગ ઝડપથી વિકસે છે. માથા અને ધડનો ઘેરાવો સમાન રહે છે. ગળા પરનો શિશુમેદ (baby fat) જતો રહે છે. અંગવિન્યાસ વધુ સીધો રહે છે અને પેટ આગળ પડતું હોતું નથી. દુધિયા દાંત ઊગવાનો સમય પૂરો થાય છે. તે રોજ 1500 કૅલરી ખોરાક માગે છે. તેની દૃષ્ટિની તીક્ષ્ણતા 20/40 હોય છે.
દાદરો વગર મદદે અને એકાંતરે પગલે ચડે કે ઊતરે છે. એક પગે ચાલી શકે છે. મોટા દડાને લાત મારે છે. ખાવામાં મદદની જરૂર ઘટે છે. જગ્યા પર કૂદકા મારે છે. ત્રિચક્રી વાહનને પાદક (pedal) વડે ચલાવે છે. દડાને ઉપરથી ફેંકે છે, પરંતુ લક્ષ્ય અને અંતર ટૂંકાં રહે છે. ઊછળતા મોટા દડાને હાથ પહોળા કરીને ઝીલે છે. ઊંચકવું ગમે છે. પુસ્તકનું એક એક પાનું ફેરવે છે. તે ચોકઠાથી મિનારા ચણે છે (8 કે વધુ ચોકઠાં). માટી સાથે રમે છે. જમોડી છે કે ડાબોડી તે છતું થવા માંડે છે. પ્રવાહી ભરેલું પાત્ર પકડે છે તથા તેને બીજા પાત્રમાં રેડે છે. હાથ ધોઈને સૂકવે છે. દાંત ઘસે છે. જોકે આ બધું ક્ષતિપૂર્ણ રહે છે. મૂત્રહાજત પર સંપૂર્ણ નિયંત્રણ આવે છે.
વાર્તા ધ્યાનથી સાંભળે છે. તેના પર પોતાની ટીકા પણ કરે છે. ચોપડી વાંચતું હોય તેવો દેખાવ કરે છે. કોયડા, ધારણા કે છૂપી વાતવાળી વાર્તામાં તેને મજા પડે છે. વાણીમાં વિચારનું તત્વ ઓછું હોય છે. વિશેષણોવાળા વાક્યખંડો બોલે છે. ખરી-ખોટી રીતે બહુવચન વાપરે છે. ક્રિયાપદોનો વર્તમાનકાળ બોલે છે. નકાર સ્પષ્ટ રીતે કરે છે. ગોળ દોરે છે. કહેવામાં આવે તો માણસ દોરે છે. લાકડાના ટુકડાને મોટર બનાવીને રમે છે. મિત્રો બનાવે છે, હસે છે અને બીજાને ખુશ કરવા પ્રયત્ન કરે છે. આ શું છે, શું કરે છે, ક્યાં છે, જેવા પ્રશ્નોના જવાબો આપે છે. જાત સાથે વાતો કરે છે. પોતાની વસ્તુઓનું રક્ષણ કરે છે. ત્રિભુજપાર્શ્વક (pyramid) બનાવે છે. જાત-છેતરામણી(make belief)ની રમત જાતે અને અન્ય બાળકો સાથે પણ રમે છે. નાનાં બાળકોને વાગે તો સંભાળ લે છે અને પ્રેમ દર્શાવે છે. પોતાની સગવડ માટે પસંદગીનું પોતાનું ઓઢણું, પોચું રમકડું કે ઢીંગલી પોતાની સાથે રાખે છે.
(7) ચોથે વર્ષે બાળક સીધી લીટીમાં ચાલે છે, એક પગે કૂદે છે, ત્રિચક્રીને સરસ ચલાવે છે, દાદર કે ઝાડ પર ચડે છે, રમતગમતનાં સાધનો પર ચડે છે, 5થી 6 ઇંચ કૂદીને બંને પગ સાથે નીચે આવે છે, દોડે છે, શરૂઆત અને અંત બરાબર હોય છે. દડો ઉપરથી નાંખે છે. લક્ષ્ય અને અંતર વધે છે. માટીમાંથી જુદા જુદા આકારો ઘડે છે. કેટલાક આકારો કે અક્ષરોની નકલ કરે છે. તે હેતુ કે વિચારપૂર્વક ચિત્ર દોરે છે કે તેમાં રંગ પૂરે છે. ખીલી ઠોકવામાં વધુ ચોક્કસ બને છે. ગોળ દોડે છે. સરખા શબ્દો ઓળખે છે. મોટા અક્ષરો ઓળખે છે. ઢીંચણ વાળ્યા વગર પગના અંગૂઠાને અડે છે. સંતુલન-પટ્ટ (balance beam) પર ચાલે છે. એકાંતરે પગલે કૂદકા મારે છે. સતત 10 વખત કૂદે છે કે ઊછળે છે. એક પગે 10 સેકન્ડ ઊભું રહે છે. ત્રિપરિમાણી ગોઠવણી કરીને મિનારા રચે છે. પેન્સિલ પર નિયંત્રણ મેળવે છે. લીટી પર કાતરથી કાપો મૂકે છે (પૂરેપૂરો બરાબર નહિ) તથા ડાબોડી-જમોડીપણું અથવા હસ્તપ્રભાવિતા (hand dominance) વધુ સ્પષ્ટ થાય છે.
બે ત્રિકોણોથી એક ચોરસ બનાવે છે. ચોકઠાંની મદદથી પગથિયાં બનાવે છે. સમરૂપતા અને સમાન કદ સમજે છે. પદાર્થના 2 ગુણો (દા.ત., રંગ અને આકાર) પ્રમાણે તેમને વર્ગીકૃત કરે છે. જુદી જુદી વસ્તુઓ કે પદાર્થોમાંથી એક જ ગુણ ધરાવતી વસ્તુઓ અલગ પાડી શકે છે; દા.ત., ફક્ત પ્રાણીઓ અલગ પાડવાં. (તેને વર્ગીકરણનું કૌશલ્ય કહે છે.) નાનામાં નાનું, ટૂંકામાં ટૂંકું વગેરે સમજી શકે છે અને ઊંચાઈ કે જાડાઈને આધારે ક્રમબદ્ધ શ્રેણી બનાવી શકે છે નાનામાં નાનાથી મોટામાં મોટું. કોઈ શ્રેણીમાં વસ્તુનું સ્થાન પહેલું, બીજું, વચલું, છેલ્લું વગેરે દર્શાવી શકે છે. 20 સુધી આંક બોલે છે, કેટલાંક 100 સુધીના આંક બોલે છે. 1થી 10ના આંકડા ઓળખે છે. તેવી રીતે પ્રકાશ, અંધારું, વહેલું વગેરે શબ્દો સમજી શકે છે. સમય અને દૈનિક કાર્યનો સંબંધ જાણે છે. કેટલાંક બાળકો ‘કલાક’ પ્રમાણે સમય દર્શાવે છે; દા.ત., પાંચ વાગ્યા. તારીખિયું (calendar) શેને માટે છે તે સમજે છે. રોકડ નાણાં ઓળખે છે, ગણી શકે છે અને બચાવે છે (સંગ્રહે છે). ઘણાં બાળકો કક્કો જાણે છે અને તેનાં લિપ્યંકનો (ઉચ્ચારણનું લિપિસ્વરૂપ) ઓળખે છે. તેથી ‘ક’ આકારને ‘ક’ ઉચ્ચારથી દર્શાવે છે. તે અર્ધું શું છે તે સમજે છે. એક આખી વસ્તુમાં 2 અર્ધા છે તે ગણી કાઢે છે. શું, શા માટે, ક્યાં, ક્યારેવાળા જિજ્ઞાસાસૂચક અનેક પ્રશ્નો પૂછે છે. નવું શીખવા માટે ઉત્સુક હોય છે.
તેનું શબ્દભંડોળ 1500નું થયેલું હોય છે. પુસ્તકમાંનાં ચિત્રો પરથી કોઈ જાણીતી વાર્તા કહી શકે છે. વસ્તુના ઉપયોગને સાદી ભાષામાં દર્શાવે છે. 4થી 8 રંગોને ઓળખે છે. મજાક અને ટુચકા સમજે છે અને ટુચકા તથા ઉખાણાં (સાદાં) બનાવે છે. 5થી 7 શબ્દોનું વાક્ય બનાવે છે. રમતમિત્રો બનાવે છે. તેમને ‘ખાસ દોસ્ત’ પણ હોઈ શકે.
આ ઉંમરે બાળક કલ્પના કરે છે, ધારે છે તથા ક્યારેક સ્વપ્નલોકમાં વિચરે છે, બીજાંઓ સાથે સહકારથી વર્તે છે તેમજ અનુસરે છે અથવા નેતૃત્વ કરે છે. જો તેનામાં ડર કે સ્વદોષભાવ (guilt feeling) હોય તો તે ડરે છે, જૂથને વળગેલો રહે છે, પુખ્તવયની વ્યક્તિ પર આધારિત રહે છે અને તેનાં રમતકૌશલ્ય અને કલ્પનાક્ષમતા સીમિત રહે છે.
(8) પાંચમે વર્ષે તે 17.3થી 20.5 કિગ્રા.નું વજન અને 106.7થી 116.8 સેમી.ની ઊંચાઈ ધરાવે છે. તેને 90થી 100 ધબકારા/મિનિટ થાય છે. શ્વસનદર 20થી 30/મિનિટ હોય છે. પુખ્તવય જેવડું માથું થાય છે. તેના દુધિયા દાંત પડવા માંડે છે. શરીરનાં અંગોનો ઘાટ પુખ્તવય જેવો થવા માંડે છે. રોજ 1800 કૅલેરીની જરૂર રહે છે. દૃષ્ટિની તીક્ષ્ણતા 20/20 થાય છે. દ્વિનેત્રી દૃષ્ટિ પૂર્ણ વિકસિત બને છે. નજરથી ગતિમાન પદાર્થને સતત નીરખે છે અને તેને અનુસરે છે. તે પેનસિલ વડે અક્ષરો અને આંકડાને ઘૂંટે છે.
પાછલા પગે ચાલે છે. એકાંતરે પગલે પગથિયું ચડીને વગર મદદે સીડી ચડે-ઊતરે છે. ગુલાંટિયું ખાઈ શકે છે. કેટલાંક સાદી ચોપડી વાંચી શકે છે; દા.ત., કક્કો. જોકે પાના પર થોડાક જ શબ્દો અને ખૂબ ચિત્રો હોવાં જોઈએ. વસ્તુ કેવી રીતે મોટી થાય છે કે કામ કરે તેની વાતો – વાર્તાઓ ગમે છે. શબ્દરમતમાં મજા પડે છે. ક્યારેક ગાંડીઘેલી વાતો કરે છે. વધુ મોટું, વધુ, સમાન, ઓછું, સૌથી વધુ વગેરે સમજે છે. તે વધુ કે સૌથી મોટાં મકાનોવાળું ચિત્ર શોધી શકે છે. 20થી વધુ આંક આવડે છે. દૈનિક ક્રમ સમજે છે. ચિત્રમાં ખૂટતી વસ્તુ શોધી શકે છે. 7મી વિભક્તિના પ્રત્યયો – માં, અંદર, ઉપર, નીચે સમજે છે. તેવી રીતે 6ઠ્ઠી વિભક્તિસૂચક સર્વનામો તેનું, તેણીનું, તેઓનું વગેરે સમજે છે. સંયુક્ત કે સંકુલ વાક્યોનું અનુકથન કરી શકે છે. બુદ્ધિગમ્ય રીતે બોલે છે. ભૂતકાળ વાપરે છે. ગેરહાજર વસ્તુ, વ્યક્તિ કે પ્રસંગનો ઉલ્લેખ કરે છે. સાંભળનાર વ્યક્તિ પ્રમાણે બોલવાની ઢબ બદલે છે. માતા સાથે કે નાના બાળક સાથે જુદી જુદી રીતે વાત કરે છે. નામ, અટક, ભાઈ-બહેનોનાં નામ અને ક્યારેક પોતાનો ટેલિફોન નંબર કહે છે. થાક લાગે કે ભૂખ લાગે અથવા ઠંડી પડે તો શું કરશે તેવા પ્રશ્નોના યોગ્ય જવાબ આપે છે.
સામાજિક રીતે તે મૈત્રીપૂર્ણ તથા ઉત્સાહી હોય છે. વાતવાતમાં મનોદશા (mood) બદલાય છે. કાલ્પનિક મિત્રો હોય છે, જેમની સાથે તે વાતો કરે છે તથા લાગણી દર્શાવે છે. વાર્તા બનાવીને પોતાની જાતને મોટી બતાવવા પ્રયત્ન કરે છે. સહકાર્યમાં ભાગ લે છે. સફળતામાં ગૌરવ મેળવે છે. પુખ્તવયની વ્યક્તિની વારંવાર સહમતી મેળવે છે. પાત્રભજવણી (role playing) તથા માનસકલ્પિત ક્રિયાઓ (make believe activities) કરે છે. બોલચાલમાં આક્રમકતા દર્શાવે છે. તેથી શારીરિક આક્રમકતાને બદલે ધમકી આપે છે. પોતાનાં માતાપિતા કે ગામનું નામ બોલે છે. જન્મતારીખ કહે છે. ‘કરત’, ‘કરી શકત’ જેવા શબ્દપ્રયોગો કરે છે. ક્રિયાપદનાં અનિયમિત રૂપોનો ઉપયોગ કરે છે.
મિત્રો બને છે, સહકારથી રમે છે, રમકડાં રમવા દેવાં કે રમતમાં દાવ આપવા જેવી ઉદારતા દર્શાવે છે. જોકે ક્યારેક અંચઈ પણ કરે છે. નાનાં કે પીડિત તરફ અનુકંપા દર્શાવે છે. માતાપિતા કે સંભાળ રાખનારની વિનંતી સ્વીકારે છે. સગવડ માંગે છે પણ તે આપવામાં તૈયારી ઓછી રાખે છે. લાગણીઓનાં ઝોકાં પર નિયંત્રણ મેળવે છે. બીજાને હસાવવામાં કે આનંદ આપવામાં રસ ધરાવે છે. પોતાની આવડત કે સફળતાને મોટી કરી બતાવે છે.
(9) 5 વર્ષ પૂરાં થયે ઊંચાઈ 105થી 117 સેમી. તથા વજન 17થી 22 કિગ્રા. થાય છે. વજનનો વધારો સ્નાયુની વૃદ્ધિ સૂચવે છે. હૃદયધબકાર દર અને શ્વસનદર પુખ્તવયની વ્યક્તિ જેટલો થાય છે. કાયમી દાંત ફૂટવા માંડે છે. દૃષ્ટિતીક્ષ્ણતા 20/20 રહે છે. તેને 1600થી 1700 કૅલેરી આહારની જરૂર રહે છે. સૂક્ષ્મ સંચલનક્ષમતા (fine motor skills) વિકસે છે. હલનચલન સુસ્પષ્ટ અને ધાર્યું હોય છે. ખૂબ દોડવું, કૂદવું, ચડવું કે ફેંકવું જેવી રમતો ગમે છે. સ્થિર (અચંચળ) રહેવું મુશ્કેલ લાગે છે. લાંબા સમય સુધી કામ કરવાની ધીરજ કેળવવી પડે છે. સમયખંડો અને વેગના તફાવતો સમજે છે. ઋતુઓ અને જે તે સમયને અનુકૂળ ક્રિયાઓ સમજે છે. સમસ્યાઉકેલમાં મજા પડે છે. ક્યારેક સુંદર વાચન કરે છે. દ્વિચક્રી (bicycle) ચલાવવી, તરવું, દડાને લાત મારવી જેવી ક્રિયાઓ શીખવી ગમે છે. ક્યારેક ‘ટ’ અને ‘ડ’, ‘ઠ’ અને ‘ઢ’ વચ્ચે ભૂલ કરે છે. ચિત્રને ઘૂંટી શકે છે. બૂટની દોરી બાંધી શકે છે. ડાબું કે જમણું ઓળખી શકે છે. જાદુ કે સ્વપ્નલોકની વાતોને સાચી માને છે. મૃત્યુ સમજે છે અને માતાપિતાના સંભવિત મૃત્યુથી ડરે છે.
ખૂબ વાતો કરે છે. ટુચકા અને જાડી મજાક કરે છે. ગાળપ્રયોગ કરે છે. આસપાસનું જાણવાની ઘણી ઇંતેજારી રહે છે. મોટી વ્યક્તિ જેવી વાતચીત કરે છે. પ્રશ્નો પૂછે છે. દરરોજ 5થી 10 શબ્દો શીખે છે. તેનું શબ્દભંડોળ 10,000થી 14,000નું થાય છે. વ્યાકરણશુદ્ધિ સારી રહે છે. શબ્દો વડે વિરોધ વ્યક્ત કરે છે. શારીરિક આક્રમકતા ઘટે છે. સમસ્યાઉકેલ માટેનાં પોતાનાં પગલાં (હંમેશાં બુદ્ધિયુક્ત ન પણ હોય) સમજે છે. બીજાને ગમતું કરવાનું, વખાણ કરવાનું, ખાતરી આપવાનું તથા તે પ્રમાણે પોતાને માટે પણ થાય તેવું ગમે છે. બીજાની નજરે જોઈ શકતું નથી. પોતાની ધારેલી નિષ્ફળતાથી હતાશ થઈ જાય છે. કાર્યમાંની નૈતિકતા સમજતું નથી. જીવનનાં મૂલ્યો બહારથી શીખે છે.
શિલીન નં. શુક્લ