સોપાન-શિરા (Ladder-vein/Lode)

January, 2009

સોપાન-શિરા (Ladder-vein/Lode) : ખનિજીય કે ધાતુખનિજીય જમાવટનો બખોલ-પૂરણી પ્રકાર. ખનિજ કે ધાતુખનિજ શિરાઓ જ્યારે સીડીનાં સોપાનો સ્વરૂપે મળે ત્યારે તેમને સોપાન-શિરા કહે છે. પ્રાદેશિક ખડકોમાં પ્રવેશેલાં ડાઇક જેવાં અંતર્ભેદનો જ્યારે ઠરીને ઘનીભવન પામતાં હોય છે ત્યારે ડાઇકની દીવાલોની લંબ દિશામાં તડો, ફાટો કે સાંધાઓ વિકસે છે. જો ડાઇક ઊભી સ્થિતિમાં હોય તો પ્રાદેશિક ખડકમાં વિકસતી ફાટો તેનાથી આડી કે ક્ષિતિજ-સમાંતર હોય છે. ફાટો કે સાંધાઓની આ ખાલી જગાઓ કાલાંતરે ખનિજીય દ્રાવણોના અવક્ષેપનથી ભરાઈ જાય તો આખીય ડાઇકમાં ઉપરથી નીચે તરફ પ્રાદેશિક ખડકબંધારણથી જુદું તરી આવતું સાંધાપૂરણીનું સોપાનશ્રેણી-દૃશ્ય રચાય છે. પૂરણીમાંનું ખનિજદ્રવ્ય આર્થિક દૃષ્ટિએ ઉપયોગી હોય અને સોપાનો નજીક નજીક હોય તો આખીય ડાઇકનું ખનનકાર્ય કરવું પડે છે.

સોપાન-શિરા : ડાઇકમાં ક્વાર્ટ્ઝ સોપાન તરીકે. (અ) રેખાચિત્ર, (આ) કુદરતી

સોપાન-શિરાઓ સામાન્ય રીતે તો ઓછા પ્રમાણમાં જોવા મળે છે. વિક્ટોરિયા(ઑસ્ટ્રેલિયા)ના અને કૅલિફૉર્નિયાના સુવર્ણનિક્ષેપો, ન્યૂ સાઉથ વેલ્સની મોલિબ્ડિનાઇટ-શિરાઓ તેમજ નૉર્વેની તાંબાની સોપાન-શિરાઓ તેનાં જાણીતાં ઉદાહરણો છે.

ગિરીશભાઈ પંડ્યા