સોડિયમ સલ્ફાઇડ : પીળા, પીળા-લાલ અથવા ઈંટ જેવા લાલ રંગનો ઘન પદાર્થ. રાસાયણિક સૂત્ર : Na2S (અસ્ફટિકમય) (anhydrous) અને Na2S·9H2O (જલયોજિત) (hydrated). સોડિયમ સલ્ફેટ(salt cake, Na2SO4)ને બારીક વાટેલા કોક (કાર્બન) સાથે ઊંચા તાપમાને ગરમ કરવાથી સોડિયમ સલ્ફેટનું અપચયન (reduction) થઈ તે સોડિયમ સલ્ફાઇડમાં ફેરવાય છે અને કાર્બન મૉનોક્સાઇડ (CO) વાયુ મુક્ત કરે છે. પ્રવાહક (flux) તરીકે ઘણી વાર મીઠું (salt) પણ ઉમેરવામાં આવે છે. કાર્બન મૉનોક્સાઇડ અથવા હાઇડ્રોજન વડે પણ ઉપચયન થઈ શકે છે :
Na2SO4 + 4C → Na2S + CO
પ્રાપ્ત થયેલ ઘટ્ટ પ્રવાહીને પાંચથી છ કલાક રાખી મૂક્યા બાદ તેને પાણી ભરેલી ગાળણ-ટાંકી(filtration tank)માં લઈ જવામાં આવે છે. ટાંકીમાં વલોણા (stirrers) રાખેલાં હોઈ દ્રાવણ ગોળ ફરતું રહે છે. સોડિયમ સલ્ફાઇડ પાણીમાં દ્રાવ્ય હોવાથી તે પાણીમાં ઓગળી જાય છે, જ્યારે ઘન અશુદ્ધિઓ અદ્રાવ્ય પદાર્થ રૂપે બાકી રહે છે. દ્રાવણને ગાળી, સંકેન્દ્રિત કરી, લોખંડના છીછરા પાત્રમાં સ્ફટિકીકરણ માટે ઠરવા દેવામાં આવે છે. પરિણામે સોડિયમ સલ્ફાઇડ નોનાહાઇડ્રેટ(Na2SO4·9H2O)ના સ્ફટિકો પ્રાપ્ત થાય છે. સ્ફટિકજળની વિવિધતા ધરાવતાં અન્ય સ્વરૂપો પણ મળે છે.
હવામાં ખુલ્લો રાખતાં જળયુક્ત સ્ફટિક પોતાનું સ્ફટિકજળ ગુમાવે છે. નિર્જળ (anhydrous) સોડિયમ સલ્ફાઇડની સા. ઘ. 1.856 (14° સે.) અને ગ.બિં. 1180° સે. છે; જ્યારે નોનાહાઇડ્રેટની સા. ઘ. 1.427 (16° સે.) છે અને તે 920° સે. તાપમાને વિઘટન પામે છે. સોડિયમ સલ્ફાઇડ ભેજદ્રાવ્ય (deliquescent) હોઈ પાણીમાં ઓગળે છે. તે આલ્કોહૉલમાં થોડો દ્રાવ્ય જ્યારે ઈથરમાં અદ્રાવ્ય હોય છે. તે ઝડપથી ઉપચયન પામતો પદાર્થ છે. જ્વલનશીલ હોવાથી તે આગ અને વિસ્ફોટનું જોખમ ઊભું કરે છે. ત્વચા અને પેશીઓ માટે તે પ્રબળ રીતે દાહક (corrosive) છે.
સોડિયમ સલ્ફાઇડનું જલીય દ્રાવણમાં જલવિભાજન (hydrolyses) થતું હોવાથી આવું દ્રાવણ આલ્કલીય (આલ્કલાઇન, alkaline) હોય છે.
Na2S + H2O ⇌ NaOH + NaHS
ઍસિડ સાથે તે વિષાળુ (toxic) હાઇડ્રોજન સલ્ફાઇડ મુક્ત કરે છે.
ઉપયોગ : સોડિયમ સલ્ફાઇડનો ઉપયોગ કાર્બનિક સંયોજનો બનાવવામાં, સલ્ફર રંગકોના ઉત્પાદનમાં, વિસ્કોસ રેયૉન બનાવતી વખતે ગંધકને દૂર કરવા, ચર્મ-ઉદ્યોગમાં ચામડા ઉપરના વાળ દૂર કરવામાં, કાગળનો માવો બનાવવામાં, સોનાના અયસ્કોના જલધાતુકર્મ(hydrometallurgy)માં, ઉત્પ્લવન (floatation) અગાઉ લેડ અને કૉપરના ઉપચયિત અયસ્કોના સલ્ફાઇડીકરણમાં, ફોટોગ્રાફી અને વૈશ્લેષિક રસાયણમાં પ્રક્રિયક તરીકે તેમજ નિરેખણ (engraving) અને અશ્મમુદ્રણ(lithography)માં થાય છે.
ચિત્રા સુરેન્દ્ર દેસાઈ