સોડિયમ સલ્ફેટ અથવા ગ્લોબર લવણ(Glauber Salt)

January, 2009

સોડિયમ સલ્ફેટ અથવા ગ્લોબર લવણ(Glauber Salt) : સોડિયમ આયન (Na+) અને સલ્ફેટ મૂલક(SO42–)નો બનેલો અકાર્બનિક પદાર્થ. સંજ્ઞા Na2SO4. તે એક સફેદ સ્ફટિકમય સંયોજન છે, જે નિર્જલ સોડિયમ સલ્ફેટ તરીકે જાણીતો છે. તે ગંધવિહીન, સ્વાદે કડવો લવણીય પદાર્થ છે. ઘનતા 2.67; ગ.બિં. 888° સેં. તે પાણીમાં તથા ગ્લિસેરોલમાં દ્રાવ્ય પરંતુ આલ્કોહૉલમાં અદ્રાવ્ય છે. જલીય દ્રાવણ તટસ્થ હોય છે. તે બિનજ્વલનશીલ પદાર્થ છે. તેનું પાણીમાંથી સ્ફટિકીકરણ કરવાથી જલયોજિત (hydrated) સંયોજન (Na2SO4, 10H2O) મળે છે; જે સામાન્યપણે ગ્લોબર લવણ તરીકે જાણીતું છે. તે મોટા પારદર્શક સ્ફટિકો કે નાના સોયાકાર સ્ફટિકો કે પાઉડર રૂપે પણ મળે છે. તેની ઘનતા 1.464 (સ્ફટિકો) અને ગ.બિં. 33° સે. છે. હવામાં રાખવાથી અથવા 100° સે. તાપમાને તે પાણીના અણુઓ ગુમાવી નિર્જલ સોડિયમ સલ્ફેટમાં ફેરવાય છે.

કુદરતમાં સોડિયમ સલ્ફેટ ખનિજ-નિક્ષેપો (deposits) તરીકે મળે છે. તેનાં ખનિજો મિરાબિલાઇટ (mirabilite; Na2SO4, 10H2O), થ્રિનાર્ડાઇટ (threnardite; Na2SO4) અને ગ્લોબેરાઇટ (Glauberite; Na2SO4, CaSO4) વગેરે કુદરતમાં મળી આવે છે.

કૃત્રિમ રીતે એટલે કે ઔદ્યોગિક રીતે તે મૅગ્નેશિયમ સલ્ફેટની સોડિયમ ક્લોરાઇડ (NaCl) સાથે (દ્રાવણમાં) પ્રક્રિયા કરીને બનાવી શકાય છે. આ ઉપરાંત મીઠા પર સાંદ્ર સલ્ફ્યુરિક ઍસિડની પ્રક્રિયા દ્વારા મેળવી શકાય છે.

2NaCl + H2SO4 → Na2SO4 + 2HCl.

આ પ્રક્રિયા આલ્કલીના ઉત્પાદન માટેની ‘લ બ્લૅન્ક પ્રવિધિ’માં વપરાય છે. આથી Na2SO4ને સૉલ્ટ કૅક (salt cake) તરીકે પણ ઓળખવામાં આવે છે.

ઉપયોગો : તે કાગળ [બનાવવાની ક્રાફ્ટ પેપર પ્રવિધિ], પૂંઠાં, કાચ વગેરેની બનાવટમાં વપરાય છે. સંશ્લેષિત પ્રક્ષાલકોમાં પૂરક તરીકે તેમજ કાપડ-ઉદ્યોગમાં, સિરામિક ગ્લેઝ (ceramic glaze), રંગકો, ચર્મઉદ્યોગ વગેરેમાં પણ તે ઉપયોગમાં આવે છે. આ ઉપરાંત તે ઔષધોમાં, હિમકારી મિશ્રણ(freezing mix)માં, પ્રયોગશાળામાં પ્રક્રિયક રૂપે, ખાદ્ય-યોગજ (food additive) અને સૌર ઉષ્મા-સંગ્રાહક (solar heat storage) તરીકે ઉપયોગમાં લેવાય છે.

પ્ર. બે. પટેલ