સોડિયમ નાઇટ્રાઇટ : સોડિયમનો સફેદ અથવા આછો પીળાશ પડતો ક્ષાર. સૂત્ર NaNO2. સોડિયમ નાઇટ્રેટના લગભગ 500° સે. તાપમાને ઉષ્મીય વિભંજનથી તે ઉત્પન્ન થાય છે :
આ ઉપરાંત નાઇટ્રિક ઑક્સાઇડ(NO)ની સોડિયમ હાઇડ્રૉક્સાઇડ સાથેની પ્રક્રિયાથી પણ તે મળે છે :
4NO + 2NaOH → 2NaNO2 + N2O + H2O
વ્યાપારી ધોરણે તેનું ઉત્પાદન નાઇટ્રોજનના ઑક્સાઇડોના સોડિયમ કાર્બોનેટમાં અવશોષણ દ્વારા કરવામાં આવે છે.
Na2CO3 + NO + NO2 → 2NaNO2 + CO2
સોડિયમ નાઇટ્રાઇટ સફેદ અથવા આછો પીળાશ પડતો, ત્રિસમનતાક્ષ (rhombohadral) સ્ફટિકમય, ભેજશોષક (આર્દ્રતાગ્રાહી, hygroscopic) પદાર્થ છે. તે પાણીમાં ખૂબ દ્રાવ્ય, જ્યારે ઇથેનૉલ અને ઈથરમાં સહેજ દ્રાવ્ય છે. તેની સાપેક્ષ ઘનતા 2.17 અને ગ.બિં. 271° સે. છે. 320° સે.થી ઊંચા તાપમાને તે વિઘટન પામે છે, જ્યારે 537° સે. તાપમાને ગરમ કરતાં વિસ્ફોટ પામે છે. તે પ્રબળ ઉપચયનકર્તા છે.
હવાની ગેરહાજરીમાં તેને ગરમ કરવાથી તેનું વિષમપ્રમાણન (disproportionation) થાય છે :
5NaNO2 → 3NaNO3 + Na2O + N2
ઠંડા, મંદ હાઇડ્રૉક્લોરિક ઍસિડ સાથેની પ્રક્રિયાથી તે નાઇટ્રસ ઍસિડ ઉત્પન્ન કરે છે :
NaNO2 + HCl → HNO2 + NaCl
હવામાં ખુલ્લો રાખતાં તેનું ઉપચયન થાય છે.
ઉપયોગો : તેનો મહત્વનો ઉપયોગ કાર્બનિક સંયોજનોના ડાઇએઝોટીકરણ(diazotization)માં થાય છે. આ ઉપરાંત તે રબર-પ્રવેગકો(rubber accelerators)માં તથા રંગસ્થાપક (colour fixative) તરીકે અને સંસાધિત (cured) માંસ, માંસની નીપજો અને માછલીના પરિરક્ષણ(preservation)માં (100 ppmથી વધુ નહિ) વપરાય છે. ઔષધોના ઉત્પાદનમાં, ફોટોગ્રાફી અને રાસાયણિક વિશ્લેષણમાં પ્રક્રિયક તરીકે, એઝો-રંગકો (azo dyes) અને અન્ય કાર્બનાઇટ્રોજન (organonitrogen) સંયોજનોના ઉત્પાદનમાં, ધાત્વિક સંક્ષારણ-નિરોધક (corrosion inhibitor) તરીકે તેમજ સાયનાઇડ વિષાક્તન(poisoning)ના પ્રતિકારક (મારણ, antidote) તરીકે પણ તેનો ઉપયોગ થાય છે.
જ. દા. તલાટી