સોડિયમ થાયૉસલ્ફેટ

January, 2009

સોડિયમ થાયૉસલ્ફેટ : રંગવિહીન ભેજસ્રાવી (efflorescent) સ્ફટિકમય ઘન પદાર્થ. સૂત્ર : Na2S2O3·5H2O. સાપેક્ષ ઘનતા : 1.73. ગ.બિં. 42° સે. ભેજવાળી હવામાં તે પ્રસ્વેદ્ય (deliquescent) છે, જ્યારે શુષ્ક હવામાં 33° સે. તાપમાને તે ભેજસ્રાવી હોઈ સ્ફટિકજળ ગુમાવે છે. તે પાણીમાં તથા ટર્પેન્ટાઇન તેલમાં દ્રાવ્ય છે જ્યારે ઇથેનોલમાં અદ્રાવ્ય છે.

ઊકળતા સોડિયમ હાઇડ્રૉક્સાઇડમાં સલ્ફરનું નિલંબન (suspension) ધરાવતા દ્રાવણ સાથે સલ્ફર ડાયૉક્સાઇડની પ્રક્રિયા દ્વારા તે મેળવી શકાય છે. વિકલ્પે સોડિયમ સલ્ફાઇટના દ્રાવણને ચૂર્ણિત (powdered) સલ્ફર સાથે ગરમ કરવાથી પણ તે બનાવી શકાય છે.

Na2SO3 + S → Na2S2O3

મળતા દ્રાવણને સંકેન્દ્રિત કરી સ્ફટિકીકરણ કરવાથી Na2S2O3·5H2Oના સ્ફટિકો મળે છે. ભેજસ્રાવ ન થાય માટે સ્ફટિકોને તુરત જ હવાચુસ્ત પાત્રોમાં કે થેલીઓમાં ભરી દેવામાં આવે છે.

અન્ય એક રીતમાં સોડિયમ સલ્ફાઇડ(Na2S)નો ઉપયોગ કરવામાં આવે છે. સોડિયમ સલ્ફાઇડ અને સોડિયમ કાર્બોનેટના (દરેકના 10 %થી વધુ સાંદ્ર નહિ તેવા) દ્રાવણમાં સલ્ફર ડાયૉક્સાઇડ પસાર કરવાથી પણ સોડિયમ થાયૉસલ્ફેટનું દ્રાવણ મળે છે, જેમાંથી સંકેન્દ્રીકરણ અને સ્ફટિકીકરણ દ્વારા સોડિયમ થાયૉસલ્ફેટ મેળવી શકાય છે.

Na2CO3 + 2Na2S + 4SO2 → 3Na2S2O3 + CO2

હાલમાં સલ્ફર રંગકો (dyes) અને Na2Sના ઉત્પાદનની આડપેદાશ તરીકે મેળવાય છે.

સોડિયમ થાયૉસલ્ફેટનાં જલીય દ્રાવણોનું હવાની હાજરીમાં સહેલાઈથી ઉપચયન થઈ સોડિયમ ટેટ્રાથાયૉનેટ અને સોડિયમ સલ્ફેટ ઉત્પન્ન થાય છે. મંદ ઍસિડ સાથેની પ્રક્રિયાથી સલ્ફર અને સલ્ફર ડાયૉક્સાઇડ ઉત્પન્ન થાય છે.

સોડિયમ સલ્ફાઇટની માફક સોડિયમ થાયૉસલ્ફેટ પણ નરમ (mild) અપચયનકર્તા છે. આથી સેલ્યુલોઝ-નીપજોના વિરંજન (bleaching) બાદ તે પ્રતિક્લોર (antichlor) તરીકે વપરાય છે. ઊન, તેલ અને હાથીદાંતના વિરંજન માટે તે સલ્ફર ડાયૉક્સાઇડના સ્રોત તરીકે ઉપયોગમાં લેવાય છે. સોડિયમ થાયૉસલ્ફેટનો સૌથી વધુ (90 % જેટલો) ઉપયોગ ફોટોગ્રાફીમાં થાય છે, જેમાં હાઇપો (hypo) તરીકે ઓળખાતો આ પદાર્થ નેગેટિવ અને પ્રિન્ટ ઉપરથી બિનરૂપાંતરિત (unaltered) સિલ્વર-હેલોજન સંયોજનોને ઓગાળી દૂર કરવા માટે વપરાય છે. જોકે એમોનિયમ થાયૉસલ્ફેટના વપરાશથી તેનો ઉપયોગ ઘટ્યો છે. આ ઉપરાંત સિલ્વરના અયસ્કોમાંથી સિલ્વરના નિષ્કર્ષણ માટે, ક્રોમ ટેનિંગ(chrome tanning)માં, પાણીના વિક્લોરિનીકરણ (dechlorination) અને ગળી(indigo)ના અપચયન માટે પણ તે વપરાય છે. સાયનાઇડ વિષાક્તનમાં તેનો વિષઘ્ન (પ્રતિકારક, antidote) તરીકે ઉપયોગ થાય છે. રંજન(dyeing)ની પ્રક્રિયા દરમિયાન આથવણ(fermentation)ના પરિરક્ષક (preservative) તરીકે કામ આપે છે. વૈશ્લેષિક રસાયણમાં તે પ્રક્રિયક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ઉપચાયક માટેની સામાન્ય કસોટી દરમિયાન દ્રાવણમાં આયોડાઇડ આયનો (KI તરીકે) ઉમેરવામાં આવે છે. આથી ઉત્પન્ન થતા આયોડિનનું સોડિયમ થાયૉસલ્ફેટ વડે અનુમાપન કરવામાં આવે છે :

જ. દા. તલાટી