કટાવ :  સફેદ અથવા રંગીન વસ્ત્ર પર અન્ય રંગના વસ્ત્રનાં ફૂલ, પાંદ, પશુ, પંખી, માનવીય કે ભૌમિતિક આકૃતિઓ કોતરેલ ટુકડા કલાત્મક રીતે ગોઠવીને ટાંકવા તે.

‘કટાવ’ શબ્દ પ્રાકૃત कट्टिय (કાપીને, છેદ પાડીને) ઉપરથી ઊતરી આવ્યો છે. ‘કટાવ’ની પરંપરા પ્રાચીન છે. બૌદ્ધ સંઘના શ્રમણો ‘ચીવર’ (વસ્ત્ર) એટલે કે જનપદોમાંથી માગી લાવેલા વસ્ત્રના ફાળા, ટુકડાને સીવી-જોડીને સળંગ કફની બનાવી, તેને ગેરુઆ રંગે રંગીને ધારણ કરતા. આમ કટાવ શ્રમણની કંથામાંથી ‘જોડેલું’ શરૂ થયું ગણાય છે.

કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ‘संधात्य’ એ ટુકડા જોડી, સાંધીને ભેગું કરેલું વસ્ત્ર એમ ઉલ્લેખ છે.

લઘુચિત્રોની અપભ્રંશ શૈલીમાં કટાવ દર્શિત થાય છે. મુઘલ અને રાજપૂત ચિત્રોમાં કંથાધારી બાવા, સાધુ, ફકીરની ગોદડી અને તંબૂની કનાત તથા ચંદણીઓમાં કટાવની કરામત જોવા મળે છે.

હાલ ઉપલબ્ધ કટાવની કારીગરી વિશેષત: ઓગણીસમી-વીસમી સદીની છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં લૌકિક પરંપરાએ કોતરેલા આ કટાવથી દેશી તેમજ પરદેશીઓ પ્રભાવિત થયા છે. હેન્રી માતીસ, પોલ ક્લી કે રવીન્દ્રનાથ ઠાકુરનાં ચિત્રોમાં કટાવપ્રકારનો અણસાર જોઈ શકાય છે.

ગ્રામજીવનમાં વસવાયા, ઉજળિયાત અને કાંટિયાવરણમાં દીકરીના કરિયાવર અને ઘરની શોભા માટે કટાવની કારીગરી શરૂ થઈ છે. ભરતકામ ખેડવાયા કાંટિયાવરણ અને લોકવરણનું પ્રદાન ગણાય તો કટાવકામ દરજી અને મોચીની ધંધાકીય વિશેષતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં લગ્ન અને આણા પ્રસંગે દરજી કન્યા માટે જે રંગીન કપડાં સીવે, તેમાંથી ત્રિકોણ, તાલી, પટ્ટીઓ અને કટકાકાપલાં વધે, તેને દરજી-દરજણ ભેગાં કરીને સમયાવકાશે કાપી, કોરીને કટાવના નમૂના બનાવે છે; જેવા કે ચાકળા, તોરણ, ટરપરિયા, ઘ્રાણિયા ઉપરાંત વપરાશી ઉપસ્કરોમાં ગાદલી, ખોયાં, ખલેચી, કોથળી વગેરે.

કટાવ દરજી અને મોચી કોમનો ધંધાકીય વ્યવસાય હતો, પણ ઉજળિયાત સ્ત્રીઓ – સોની મહાજન, જૈન, વૈષ્ણવ વાણિયા, લોહાણા, ભાટિયા, બ્રાહ્મણ વગેરેમાં બાઈઓ નવરાશની વેળાએ તો ક્યારેક વ્યાપાર અર્થે કટાવ કરતી હતી. ઉજળિયાતમાં થતું કટાવકામ વિશેષત: ‘કાપેલું-કોરેલું’ અને ‘જોડેલું’ હતું; તેમાં ચાકળા, ઉલેચ, તોરણ, ચંદણી, ગાદલીઓ વિશેષ થતાં. ઉજળિયાત આર્થિક રીતે સધ્ધર હોવાથી તેઓ સળંગ નવા કપડામાંથી કટાવ કોરતાં, જેથી તેમનું કટાવકામ મોટું, સ્વચ્છ અને સુંદર લાગતું તો દરજીનું કટાવ નાના કટકા-કાપલામાંથી સર્જાયું હોવાથી તેમાં લૌકિક કરકસર છતાં ખંત અને આંતરસૂઝ જોવા મળે.

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ત્રણ પ્રકારે થયેલું કટાવ જોઈ શકાય છે.

(1) કાપેલું-કોરેલું : લાલ, લીલા, ભૂરા અને પીળા તેમજ કેસરી રંગના સમચોરસ કે લંબ ફાળાને બેવડી, ચોવડી કે આઠ ગડીથી સંકેલી, તેના પર જેવી ભાત કોરવી હોય તેના ખસરા દોરી દરજી-દરજણ તેને કાતરથી કોતરીને જ્યારે ખોલે છે, ત્યારે તે ફાળામાં બેવડી, ચોવડી કે આઠગણી સરખી ભાત કોતરાઈ જાય છે. જો કાતરથી ન કપાય તો સુથાર પાસે ફરસીથી કપાવાય છે.

આ કાપેલા ભાતિક ફાળાઓને સફેદ પોતના કપડા પર રંગની સમતુલા મુજબ ગોઠવીને, કાપેલા આકારની કોરને અંદર વાળતા જઈને, ઝીણા બખિયા ભરીને કટાવનો નમૂનો તૈયાર કરાય છે. એમાં ચારે બાજુ એક, બે કે ત્રણ થરા કાંગરા, ચોકડા વગેરે મુકાય છે. અતલસ પર કટાવ કસબ કોરીને કપડાં પણ દરજી સીવે છે.

ઉપરના પ્રકારનું કટાવ દરજી, મહાજન અને ખોજા, મેમણ ઉજળિયાત સ્ત્રીઓ પણ કરે છે. ‘કાપેલા-કોરેલા’ કટાવની શોભન ભાતોમાં મોર, ઢેલ, હંસ, સૂડો, હાથી, ઘોડો, શ્રીનાથજી, કલ્પવૃક્ષ વગેરેના આકારો હોય છે. તો ઇસ્લામી કટાવમાં ‘કૅલિગ્રાફી’ જેવા આકારોનો ભાસ થાય છે.

(2) ચોડેલું : કપડું વેતરતાં રંગીન કૂથ જેવા નાના નાના કટકા વધે તેમાંથી દરજી-દરજણ લિંબોળી, પાન, કળી, દાણો જેવા આકારો કોરી કાઢીને લાલ મધરાશી કે ધોળા કાપડ પર કાપેલા આકારોને કોઠાસૂઝ પ્રમાણે ગોઠવે છે; જેમાં ઝાડ, ફૂલવેલ, સૂરજગલ અને પંખીના પણ આકારો હોય છે.

આ ‘ચોડેલા’ કટાવમાં મોચી કારીગરોની આગવા પ્રકારની સર્જનાત્મક રચના હોય છે. તેમણે કાઠી, ગરાસિયા ઠાકોરો અને શેઠશાહુકાર માટે બનાવેલ કટાવમાં લોકપરંપરાના પ્રકારની પોતાની સર્જનશક્તિથી ચંદણી, ઉલેચ, ઘ્રાણિયા, બેસણ (વેષ્ટન) વગેરે બનાવી તેના લાલ, સફેદ કે નીલા પોત ઉપર હાથીની સવારી, રૂપાંદે-વેરાવળજીના વિવાહ, બાવન જાતના ઘોડા, મોર, પોપટ, સિંહ, ગાય, ફૂલવેલ, કલ્પવૃક્ષ, બાજઠ, અલંકારો વગેરેને રઢિયાળા ભાતિક રૂપે ચોડી દે છે.

(3) જોડેલું (સંધાત્ય) : જોડેલા કટાવમાં પ્રાકૃતિક કે માનવીય આકૃતિ હોતી નથી. પણ ભૌમિતિક આકારો ચોરસ, પતંગાકાર, લંબચોરસ, સળંગ પાટા વગેરે હોય છે. ગ્રામીણ બાઈઓ કે શહેરી સ્ત્રીઓ આર્થિક સગવડ પ્રમાણે નવા કે ઊતરેલા કપડાને કાપીને ઘ્રાણિયા, ઉલેચ, ગાદલી, કાંધી વગેરે ઘર માટે તેમજ એક ગૃહઉદ્યોગ તરીકે બનાવતી; તેમની પાસેથી વેચાતા લઈને દરજણો વ્યાપાર કરતી હતી.

મુસ્લિમોમાં આકારનો નિષેધ હોવાથી જત, મુંધવા ખોજા, મેમણ બાઈઓએ જોડેલા કટાવની રજાઈ, ધડકી, ઉલેચ વગેરે વિવિધ તરાહની રચનાઓ સર્જે છે.

ફરી આજે કટાવની ફૅશન શરૂ થઈ છે. સાડી, કુરતાં, બગલથેલા, બાલોશિયાં પર કટાવ મુકાય છે.

ખોડીદાસ પરમાર