કટાક્ષચિત્ર

કટાક્ષચિત્ર : કટાક્ષ કે ઉપહાસ દર્શાવતું ચિત્ર. આદિમાનવની પાસે ભાષા કે લિપિ પણ નહોતી ત્યારે ચિત્ર હતું અને એના દ્વારા તે પોતાના વિચારો વ્યક્ત કરતો. જાપાન અને ચીનની ચિત્રલિપિ પણ દર્શાવે છે કે ભાષા કે લિપિની પહેલાં માણસ ચિત્ર દ્વારા પોતાના ભાવો કે વિચારો પ્રગટ કરતો હશે. કદાચ બધી જ લિપિઓનાં મૂળ ચિત્રમાં જ હશે. પોતે જોયેલાં અવનવાં પશુઓ કે પંખીઓ તે બીજાની આગળ ચીતરીને બતાવતો. સત્તર હજાર વર્ષ પહેલાં ફ્રાસી ગુફામાં અને ઉત્ખનનશાસ્ત્રી શ્રીધર વિષ્ણુ વાકણકરના કહેવા પ્રમાણે ગુજરાતમાં એ પહેલાં દોરાયેલાં ચમારડીનાં ગુફાચિત્રો એ સિદ્ધ કરે છે.

પાંચથી છ હજાર વર્ષ પહેલાં રચાયેલી પિરામિડોની શબપેટીઓ પર દોરાયેલાં ચિત્રો અને ચિત્રકથાઓ બતાવે છે કે ત્યારે માણસે ચિત્ર દ્વારા પોતાના વિચારો જ નહિ પણ પોતાના ભાવો, લાગણીઓ, વાર્તાઓ અને મજાકો ચિત્ર દ્વારા રજૂ કરવાની કળામાં પ્રગતિ કરી હતી.

એક શબપેટી પર દોરેલા ચિત્રમાં એક ટેબલની સામસામેની ખુરશી પર એક સિંહ અને એક હરણ માનવીની જેમ બેસીને શેતરંજ ખેલે છે એમાં પંચતંત્ર જેવી કોઈ કથા છે. બીજા એક ચિત્રમાં કુસ્તીના એક દાવનો ગતિક્રમ દસેક ચિત્રણમાં દર્શાવ્યો છે. આજના ‘ઍનિમેશન’ ચિત્રને તે મળતું આવે છે. કુસ્તીના દાવમાં બે પહેલવાનો સામસામે ગોઠવાયા છે, ત્યાંથી માંડીને એક પહેલવાન બીજાને પછાડે છે ત્યાં સુધીનો ક્રમ છે.

બેથી સવાબે હજાર વર્ષ પહેલાં દોરાયેલાં અજંટાનાં ચિત્રોમાંયે મજાક, મશ્કરી કે રમૂજ માટે આલેખાયેલાં અને કંડારાયેલાં બાહુક પાત્રો દર્શાવે છે કે ભારતીયોમાં ચિત્ર કે શિલ્પ દ્વારા આનંદ મેળવવાની પ્રવૃત્તિ થયેલી.

રાષ્ટ્રપિતા ગાંધીજીનું કટાક્ષચિત્ર
(રેખાંકન : આર. કે. લક્ષ્મણ)

પ્રાચીન કાળનાં નાટકોમાં વિદૂષકનું પાત્ર ઉમેરાયું એના ઘણા સમય પહેલાં માણસ ભાષા દ્વારા હાસ્ય નિપજાવતો હતો. ચિત્રમાં તો એનો ઉપયોગ થતો જ હતો.

ચિત્ર દ્વારા કટાક્ષનો ઇતિહાસમાં નોંધાયેલો પહેલવહેલો પ્રયોગ તે પ્રૉટેસ્ટન્ટ ધર્મના સ્થાપક માર્ટિન લ્યૂથર દ્વારા રોમન કૅથલિક ધર્મના વડા પોપનો ચિત્ર દ્વારા ઉપહાસ. તેનાથી સત્તરમી સદીના યુરોપના ખ્રિસ્તી સમાજમાં સનસનાટી વ્યાપી ગઈ હતી.

આ ચિત્રમાં માર્ટિન લ્યૂથરે પોપને ઊંધા માથે ભડભડતી નરકની ખીણમાં પડતા બતાવેલા, તેનાથી પોપની આભા તૂટી ગઈ.

આ વાત રોમમાં બની. ઇટાલિયન ભાષામાં આવાં મજાક-મશ્કરીભરેલાં ચિત્રોને ‘કૅરિકેચુરા’ કહેતા. આ ‘કૅરિકેચુરા’ ચિત્રો ફ્રાન્સ પહોંચ્યા; ફ્રેન્ચોએ એને ‘કૅરિકેચર’ નામ આપ્યું અને ત્યાંથી કૅરિકેચર ઇંગ્લૅન્ડ પહોંચ્યું અને એ ‘કાર્ટૂન’ બન્યું. અંગ્રેજીમાં કાર્ટૂન એટલે કાચું ચિત્ર (rough drawing) – ખસરો. આગળ જતાં કાર્ટૂન એટલે કટાક્ષચિત્ર એ અર્થ રૂઢ થયો. હવે કાર્ટૂન શબ્દ કેવળ રાજકીય કટાક્ષચિત્રો માટે જ વપરાય છે. અન્ય વિભાગો માટે અલગ શબ્દ વપરાય છે.

‘કોઈનું બૂરું જોવું નહિ, બૂરું સાંભળવું નહિ અને બૂરું બોલવું નહિ’
કટાક્ષચિત્ર દ્વારા શીખ

કટાક્ષચિત્રોના પ્રકારો : (1) કાર્ટૂન : રાજકીય બનાવનો નર્મ-મર્મ, વ્યંગ કે કટાક્ષ વડે ઉપહાસ કરતું ચિત્ર; (2) કૅરિકેચર : ઠઠ્ઠાચિત્ર. વ્યક્તિનાં ચહેરા-મહોરા અને લક્ષણો, આદતો, અવળચંડાઈઓ વ્યક્ત કરતું ચિત્ર; (3) પૉકેટ કાર્ટૂન : વર્તમાનપત્રની અંદર એક કૉલમનું, એક કે બે પાત્ર દ્વારા કે વિશિષ્ટ પાત્ર વિના પણ વ્યંગોક્તિ દ્વારા રજૂ થતું ચિત્ર જેમ કે ‘અમદાવાદી’, ‘You Said it’ વગેરે; (4) સ્ટ્રિપ કાર્ટૂન : ચિત્રપટ્ટી. એકથી વધુ બેત્રણ કે ચાર ચિત્રોમાં સંવાદો દ્વારા, અભિનય દ્વારા હાસ્ય નિષ્પન્ન કરતી ચિત્રપટ્ટી. આ ચિત્રપટ્ટીઓ 4 – 8 – 12 – 16 કે એથી વધુ ચિત્રોમાંયે તબક્કાવાર હોઈ શકે.

કૉમિક્સ : ચિત્રિત પાત્રો દ્વારા, ટચૂકડા સંવાદો સાથે ગમ્મત અને જ્ઞાન પીરસતી 24-32 કે એથી વધારે પાનાંની વાર્તાઓમાં ચિત્રો જ મુખ્ય અને ભાષા ગૌણ હોય છે.

ચિત્રકથા : અડધામાં રામ અને અડધામાં ગામ જેવી પાને-પાને રજૂ થતી વાર્તા અને એને અનુલક્ષીને દોરાતાં વાર્તાચિત્રો એ ચિત્રકથાનું માધ્યમ છે.

ઍનિમેટેડ કાર્ટૂન ફિલ્મ ચિત્ર : છેલ્લે આવે છે ચિત્રિત પાત્રો દ્વારા ઊપસતી, વિકસતી અને વિસ્તરતી ગતિશીલ ફિલ્મ ચિત્રણકથા. દા. ત., વૉલ્ટ ડિઝનીનાં ‘મિકી માઉસ’ કે ‘ડોનાલ્ડ ડક’. ડિઝનીએ આ ક્ષેત્રમાં અદભુત સિદ્ધિ હાંસલ કરી છે. એણે ‘સ્નોવ્હાઇટ ઍન્ડ સેવન ડવાફર્સ’, ‘સ્લીપિંગ બ્યૂટી’, ‘ફૅન્ટાસિયા’, ‘પિનોકિયો’ અને એવી ઘણી પૂર્ણ લંબાઈની ઍનિમેટેડ કાર્ટૂન ફિલ્મો આપી છે.

બંસીલાલ વર્મા