કટાક્ષ : વ્યક્તિમાં કે સમષ્ટિમાં રહેલાં દુર્ગુણો, મૂર્ખાઈ, દુરાચાર કે નબળાઈઓને હાંસી (ridicule), ઉપહાસ (derision), વિડંબના (burlesque) કે વક્રોક્તિ (irony) રૂપે બહુધા તેમાં સુધારો લાવવાની ભાવનાથી તેની નિંદા કે ઠપકા માટે પ્રયોજાતું સાહિત્ય-સ્વરૂપ. તેના માટે અંગ્રેજી પર્યાય છે SATIRE અને તેનું મૂળ છે લૅટિન શબ્દ SATIRA, જે SATURAનું પાછળથી ઉદભવેલું રૂપ છે. SATURAનો અર્થ થાય MEDLEY એટલે કે પચરંગી વૈવિધ્યપૂર્ણ મનોરંજન. કોઈ અમુક તબક્કે SATYR (ગ્રીક શબ્દ SATUROS) અને SATURA વચ્ચે કંઈક ગૂંચવાડો ઊભો થયો, તેથી SATURAને બદલે SATYRA લખાવા માંડ્યું અને અંગ્રેજીમાં SATYRE લખાતું થયું. એલિઝાબેથન યુગના લેખકો આ વ્યુત્પત્તિથી ગેરમાર્ગે દોરવાયા જણાય છે. આથી આ લેખકવર્ગ એમ માની બેઠો કે SATYRE (એટલે તેમને અભિપ્રેત હતું SATIRE) ગ્રીક SATYR (સેટર) નાટક પરથી ઊતરી આવેલું સ્વરૂપ છે. સૅટર બકરા જેવાં પગ-કાન-શિંગડાં-પૂંછ ધરાવતું માનવપશુ છે અને તે ગ્રીકોનો વિચક્ષણ વનદેવતા હોવાનો ઉલ્લેખ છે. તે અત્યંત ઉદ્ધત, બેજવાબદાર અને અવિવેકી તરીકે પંકાયેલું છે. આથી સૅટર નાટકો પણ નિર્દય, કઠોર, અશિષ્ટ અને અસભ્ય હોવાં જોઈએ, એવો આ યુગના લેખકો વિશે ભ્રમ પોષાયો. છેવટે 1605માં શિષ્ટ સાહિત્યના વિદ્વાન ઇઝાક કેસોબૉને પ્રમાણભૂત રીતે સ્પષ્ટતા કરી કે SATYR પરથી SATIRE શબ્દની વ્યુત્પત્તિ સદંતર ખોટી છે.
કટાક્ષવાણીના પ્રયોગનું પગેરું છેક બાઇબલમાં શોધી કાઢવામાં આવ્યું છે. ‘No doubt ye are the people, and wisdom will die with you.’ – આ અને આ પ્રકારના 29 સંદર્ભો ‘ઓલ્ડ ટેસ્ટામેન્ટ’માં ઉપલબ્ધ છે. પરંતુ એક સાહિત્યપ્રકાર તરીકે તેના ઉદભવ વિશે પણ વિભિન્ન મત છે. કટાક્ષશૈલીનો આવિષ્કાર રોમમાં થયો છે. એવી ઘોષણા રૂપે રોમના અલંકારશાસ્ત્રી ક્વિન્ટિલિયનના શબ્દો નોંધપાત્ર છે : ‘Satura tota nostra est’ (Satire is wholly ours). જોકે આમાં ક્વિન્ટિલિયનને અભિપ્રેત છે તે તો લ્યુસિલિયસે પહેલરૂપે વિવિધ વિષયો પર પ્રયોજેલાં અને હેક્ઝામિટરમાં રચેલાં કાવ્યો. આ વિષયના બે ગ્રીક વિદ્વાનો જુલિયસ સ્કૅગિલર અને હેસિયસ સેટાયરનો ઉદભવ ગ્રીસમાં થયાનું માને છે, જ્યારે રિગલશિયસ અને કેસોબૉનના મતે ગ્રીસે આ કાવ્યસ્વરૂપ રોમનો પાસેથી મેળવ્યું હતું. ટૂંકમાં SATURA એ રોમમાં પ્રગટેલો અને સ્થિર થયેલો કાવ્યપ્રકાર છે.
રોમનોની કટાક્ષકાવ્યરચનાઓની સંખ્યા જોકે ઝાઝી નથી, પણ એમાં જે લક્ષણવિશેષ વણાયેલ છે, તેનું જ પછીના કટાક્ષકારોએ બહુધા આલંબન લીધું છે. પણ આજે સેટાયરનો ઉલ્લેખ કરવામાં સ્વરૂપની કોઈ ખાસિયતની અપેક્ષા હોતી નથી. હવે તો એટલું જ અભિપ્રેત રહ્યું છે કે સેટાયર કે કટાક્ષભાવ એટલે ઉપહાસ, મશ્કરી, ઠેકડી કે શિષ્ટતાપૂર્વકની નિંદા.
ઍરિસ્ટોટલના મતે ગ્રીસની ઓલ્ડ કૉમેડીનો વિકાસ ધાર્મિક ક્રિયાકાંડ સાથે સંકળાયેલી ઠેકડી અને નિંદા નિમિત્તે થયો હતો. એમાં લિંગપૂજાનાં ગીતો ગાતું ગાયકવૃંદ કોઈ વ્યક્તિવિશેષને નિશાન બનાવી સેટાયરભર્યાં કટાક્ષયુક્ત ઉચ્ચારણો પ્રયોજી કાઢતું. આ ‘આયેમ્બિક’ કટાક્ષ-ઉચ્ચારણોની મેલી વિદ્યા જેવો પ્રભાવ હતો, કારણ કે તેથી અનિષ્ટ તત્વોનું નિવારણ થતું અને લિંગની સમર્થ પ્રજનનશક્તિ સક્રિય બની શકતી એમ કહેવાતું. આ આદિ સેટાયર અને મેલી વિદ્યા વચ્ચેના આ પ્રારંભિક અનુબંધનો નોંધપાત્ર ઇતિહાસ છે. આમ પ્રારંભે સેટાયરમાં પ્રતિપક્ષને પરાસ્ત કરનારા કોઈ વેધક શસ્ત્ર જેવી તાકાત આરોપાયેલી જણાય છે.
સેટાયરના ઇતિહાસનો પ્રારંભ થાય છે પ્રાચીન ગ્રીક કવિઓથી. ઈ. પૂ. સાતમી સદીમાં થયેલા આર્કિલૉકસ ‘પ્રથમ ગ્રીક સેટાયરકાર’ લેખાય છે. તેમણે આવી મારકશક્તિ ધરાવતાં કાવ્યો લખ્યાં છે. એ કટાક્ષકાવ્યોની પંક્તિઓ એવી કટુ વેધકતાભરી હતી કે તેમના ભાવિ સસરા લિકેમ્બસ તથા તેની પુત્રીથી એ સહન ન થતાં એ બંનેએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરેલી. જોકે છઠ્ઠી સદીમાં એવો જ બીજો ક્રૂર કટાક્ષકાર થયો તે હિપોનેકસ. આ કવિના બેડોળપણાની હાંસીજનક પ્રતિમા બનાવનારા બે શિલ્પકારો કવિનાં નિષ્ઠુર તથા નિર્દય કાવ્યવચનોથી હતપ્રભ બનીને આત્મહત્યા કરવા પ્રેરાયા હતા. આવા પ્રસંગો દરેક ભાષાસંસ્કૃતિમાં નોંધાયા છે. પ્રાચીન અરબી કવિઓનું મુખ્ય કાર્ય આદિવાસી શત્રુ રાજાઓ વિરુદ્ધ આવી મારક કવિતા રચવાનું જ હતું. આવી લક્ષ્યવેધી અને ઘાતક કવિતા રચનાર કવિ યુદ્ધમાં સેનાના મોખરે રહેતો અને ભાલા-બરછી ચલાવતો હોય એ રીતે શબ્દશસ્ત્ર ચલાવતો. કટાક્ષબાણથી ભલભલા શત્રુઓના મર્મસ્થાનને વીંધી તેમને નૈતિક-સામાજિક રીતે ખતમ કરી નાખવાના તથા કટાક્ષોક્તિના દુષ્પ્રભાવથી ત્રાસીને કેટલાક લોકોએ દેશ છોડી દીધાના દાખલા પણ નોંધાયા છે. કટાક્ષની પ્રથાના કારણે કાપાકાપી, બળવા અને યુદ્ધો થયાનું પણ નોંધાયું છે. કટાક્ષ વડે વ્યક્તિના મનમાં ભય જન્માવવાની આ પ્રવૃત્તિનો ક્યારેક રચનાત્મક ઉપયોગ પણ કરાયો છે. ધાર્મિક કર કે લાગો નહિ ભરનાર સામે વ્યવસાયી કટાક્ષકારની આવી શક્તિ કામે લગાડવાથી વેરાની સત્વરે વસૂલાત થતી અને આવી ‘સેવા’ બદલ તેને પુરસ્કાર અપાતો. પરંતુ કટાક્ષ વડે મેલી વિદ્યા જેવી જીવલેણ અસર જન્માવવાની કે ભય તથા આતંકનો નિષેધાત્મક પ્રભાવ પ્રગટાવવાની આ પરંપરા આદિમ પ્રકારની તથા પ્રાકૃત સ્વરૂપની છે. આ પ્રથાનું તથા આવી રચનાઓનું સાહિત્યપ્રકાર પૂરતું કોઈ વિશેષ મહત્વ નથી.
સાહિત્યપ્રકાર તરીકે સેટાયર કે કટાક્ષલક્ષી રચનાઓ સાહિત્યના ઇતિહાસમાં માનભર્યું સ્થાન ધરાવે છે. અંગ્રેજી ભાષાના સમર્થ કોશકાર સૅમ્યુઅલ જ્હૉન્સને સેટાયરને ‘a poem in which wickedness or folly is censured’ તરીકે ઓળખાવી છે. ડ્રાયડન તથા ડીફોએ ‘દુર્ગુણોની સુધારણા’ને સેટાયરનો સાચો ઉદ્દેશ ગણાવ્યો છે. આ ઉપરાંત નામાંકિત કટાક્ષકાર સ્વિફ્ટની વ્યાખ્યા બહુ જાણીતી છે. તેમના મતે ‘સેટાયર એક એવો અરીસો છે જેમાં દરેક વ્યક્તિ પોતાના સિવાય અન્યનો જ ચહેરો નિહાળે છે અને એટલા જ કારણે એનાથી બહુ ઓછા લોકોની લાગણી દુભાતી હોય છે.’
ટૂંકમાં, કટાક્ષકાર કે સેટાયરિસ્ટ સમાજમાં પ્રવર્તતાં આદર્શો, સ્થાપિત ધોરણો તથા સત્ય અને સચ્ચાઈનો તેમજ નીતિ તથા સુરુચિનાં અનુકરણીય મૂલ્યોનો સ્વનિયુક્ત રખેવાળ બની રહે છે. સભ્યતા તથા સંસ્કારિતાનાં સમાજસ્વીકૃત ધોરણોમાંથી પ્રસંગોપાત્ત વ્યક્તિગત કે સામૂહિક રીતે જે કોઈ ચૂક કે ચ્યુતિ થાય તે પ્રત્યે તિરસ્કાર, ઉપહાસ કે હાંસી વ્યક્ત કરવાનો તેનો ધર્મ બની રહે છે. એટલે કે કટાક્ષ કે સેટાયર એક પ્રકારનાં વિરોધ અસંમતિ તથા નારાજગીનો જ આવિષ્કાર છે – ક્રોધ અને આક્રોશની સંસ્કારી તથા સુરુચિપૂર્ણ અભિવ્યક્તિ છે. ઇયાન જૅકના કથન મુજબ ‘કટાક્ષ પ્રતિકારની ભાવનામાંથી જન્મે છે, એટલું જ કે એ પ્રતિકાર કલા સ્વરૂપે પ્રગટે છે.’
કટાક્ષલક્ષી રચનાઓના ઇતિહાસનો પ્રારંભ થયો પ્રાચીન ગ્રીક કવિઓ આર્કિલોક્સ (ઈ. પૂ. સાતમી સદી) તથા હિપોનેકસ(ઈ. પૂ. છઠ્ઠી સદી)ની ક્રૂર તથા મારક કવિતાથી. પણ ગ્રીસના મહાન કટાક્ષકાર હતા ઍરિસ્ટોફનીઝ (ઈ. પૂ. આશરે 448થી 380). તેમણે ઠેકડી, ઉપહાસ તથા નિંદા જેવી પ્રયુક્તિઓનો તેમનાં અતિખ્યાત નાટકોમાં ઉત્કૃષ્ટ ઉપયોગ કર્યો.
રોમમાં કટાક્ષરચનાઓનો પ્રારંભ થયો લ્યુસિલિયસ(ઈ. પૂ. 180થી 102)ની સેટાયરયુક્ત રચનાઓથી. પરંતુ એમાં ચિરસ્થાયી પ્રદાન કર્યું હૉરેસ તથા જુવેનાલે. સેટાયરના તાત્ત્વિક રીતે જુદા જુદા બે મહત્ત્વના પ્રકારોનું આ આદ્ય કટાક્ષકારોએ પોતપોતાની શૈલી વડે સબળ સર્જન કર્યું અને ભાવિના કટાક્ષકારો માટે દિશા ચીંધી આપી. હૉરેસ માનવોનાં વાણી-વર્તનના સહિષ્ણુ, સંસ્કારી તથા પ્રસન્નચિત્ત દ્રષ્ટા છે, જ્યારે જુવેનાલ કઠોર, માનવદ્વેષી અને ઉગ્રચિત્ત અવલોકનકાર છે. એ લાક્ષણિકતાઓ બીજી રીતે સ્પષ્ટ કરવી હોય તો કહી શકાય કે પોપના ‘મોરલ એસેઝ’ હૉરેસની પરંપરાની અને ‘ડન્સિઆડ’ જુવેનાલની શૈલીની કૃતિ છે.
યુરોપિયન સાહિત્યમાં ઈસુની પહેલીથી બારમી સદી સુધી કટાક્ષ-સાહિત્ય નહિવત્ જોવા મળે છે, પણ મધ્યકાલીન સાહિત્ય તથા તે પછીના કાળમાં તે ઠીકઠીક ખેડાયું જણાય છે. ફ્રાન્સના Livre des Manieres તથા fabliaux જેવા સાહિત્યપ્રકારોમાં તથા ‘રેયનાર્ડ ધ ફૉકસ’ તથા ‘ટીલ યૂલેન્સપીગેલ’ જેવી રચનાઓમાં કટાક્ષનો આવિષ્કાર સ્પષ્ટ બને છે. ચૉસરની ‘કૅન્ટરબરી ટેલ્સ’ (ચૌદમી સદીનો ઉત્તરાર્ધ) તથા લૅન્ગલૅન્ડની ‘પિયર્સ પ્લાઉમૅન’ જેવી રચનાઓમાં તથા ગોલિયાર્ડિક કાવ્યો જેવી રચનાઓમાં તેનું પ્રમાણ સવિશેષ રહે છે. ત્યારબાદ ‘સેટાયર બર્લેસ્ક’ જેવા પ્રકારમાં તથા બ્રાંટના ‘નેરેનશીફ’ (1494), ઇરેસ્મસના ‘મોરિયા એન્કોમિયમ’ (1509) અને સર થૉમસ મૂરના ‘યુટોપિયા’ (1519) જેવી કૃતિઓમાં કટાક્ષની ભરચકતા દેખીતી તરી આવે છે. ડનબાર તથા સ્કેલટનની રચનાઓમાં કટાક્ષશૈલીનું સાતત્ય પ્રશંસનીય છે, પણ એ કટાક્ષ કંઈક કઠોર, આક્રમક અને નિંદાત્મક શૈલીનો જણાય છે.
ત્યારબાદ રોમની પ્રશિષ્ટ કટાક્ષકૃતિઓનાં રૂપાંતર પણ મળવા લાગે છે. થૉમસ ડ્રાન્ટના ‘મેડિસિનેબલ મૉરલ’(1566)માં કટાક્ષસ્વામી હૉરેસના બે ગ્રંથોના અને પછીના વર્ષે ‘આર્ટ ઑવ્ પોએટ્રી’માં હૉરેસની બીજી કૃતિઓના અનુવાદ સુલભ થાય છે. અત્યાર સુધી કટાક્ષનું ખેડાણ પ્રસંગોપાત્ત થતું હતું, પણ સોળમી સદીના ઉત્તરાર્ધ અને સત્તરમી સદીના પૂર્વાર્ધથી કટાક્ષલક્ષી શૈલી તથા રચનાઓનું સવિશેષ અને સાતત્યપૂર્ણ વલણ જોવા મળે છે. અંગ્રેજી સાહિત્યમાં થૉમસ લૉજની કટાક્ષિકાઓના સંગ્રહ ‘એ ફિગ ફૉર મોમ્સ’(1595)માં હૉરેસ જેવી શૈલીની રચનાઓ છે. ડન, માર્સટન તથા હૉલની કટાક્ષકૃતિઓ વિશેષ ઉગ્ર અને કડવાશભરી છે, એ રીતે એમાં જુવેનાલની શૈલીની પરંપરા જળવાઈ છે. બેન જૉન્સનની કટાક્ષલક્ષી કૉમેડી આ જ ગાળાની રચનાઓ છે.
સત્તરમી સદીના મધ્યભાગથી કટાક્ષ-કવિઓનું માનીતું ઉપાદાન બની રહે છે ‘હિરોઇક કપલેટ’. સર જ્હૉન ડેનહામ તથા એડમંડ વેલરે આ ‘કપલેટ’ને વિકસાવ્યું અને મારવેલ, ડ્રાયડન તથા પોપે એમાં પરિપૂર્ણતા પ્રયોજી. હકીકતમાં અંગ્રેજી સેટાયરના મહાન યુગનો પ્રારંભ ડ્રાયડનથી થયો હોવાનું મનાય છે. તેમની સૌથી નોંધપાત્ર કટાક્ષરચનાઓમાં ‘અબસાલોમ ઍન્ડ એચિટોફેલ’ (1681), ‘ધ મૅડલ’ (1682), ‘મૅક ફ્લૅકનૉ’ (1682), તથા ‘ધ હિંદ ઍન્ડ ધ પૅન્થર’(1687)નો સમાવેશ થાય છે. પરસિયસ તથા જુવેનાલની કૃતિઓના ડ્રાયડને કરેલા અનુવાદ પણ ખૂબ પ્રશંસનીય રચનાઓ લેખાય છે. આ અનુવાદમાં જોડેલી ‘ડિસ્કૉર્સ કન્સર્નિંગ ધી ઓરિજિન ઍન્ડ પ્રોગ્રેસ ઑવ્ સેટાયર’ નામની પ્રસ્તાવના મહત્વની અને માહિતીપૂર્ણ વિવેચના બની રહી છે. આ ઑગસ્ટન યુગમાં બીજા ઘણા સાહિત્યકારોએ સેટાયરનો સાહિત્યપ્રકાર ખેડવાનું ચાલુ રાખ્યું. આમાં સૅમ્યુઅલ બટલરે ઉપહાસરૂપ વીરકાવ્ય (mock heroic poem) તરીકે રચેલી કૃતિ ‘હ્યુડિબ્રાસ’ (1663, 1664, 1678) ગણનાપત્ર છે. આ ગાળામાં ફ્રાન્સમાં મોલિયરની કટાક્ષલક્ષી કૉમેડી જેવી વિશિષ્ટ રચનાઓ ઉપરાઉપરી લખાવા માંડે છે. આજે આ રચનાઓ પ્રશિષ્ટ કૃતિઓ તરીકે વિશ્વભરમાં પ્રતિષ્ઠા પામી છે. આ સમયનાં સૌથી સુંદર કટાક્ષલક્ષી સર્જનો બૉઇલોની કવિતામાં સાંપડે છે.
યુરોપિયન સાહિત્યમાં સત્તરમી સદીનો આખરી દશકો અને અઢારમી સદીનાં પ્રારંભક વર્ષો સેટાયરનો સુવર્ણયુગ લેખાય છે. આ માટે એક કારણ એવું અપાય છે કે આ યુગની સંસ્કૃતિ અત્યંત સુવિકસિત હતી અને તેમાં કટાક્ષકારની પ્રતિભાને વિકસવાની તક તથા મોકળાશ હતી. એ કટાક્ષકારોએ દુરાચાર, નીતિની શિથિલતા તથા ભ્રષ્ટતાથી આ સભ્યતાનું રક્ષણ કરવાનો ઉદ્દેશ અને આપદધર્મ સ્વીકાર્યો જણાય છે. આ સંસ્કૃતિને નબળી પાડવા મથનારાં તત્વોની ઠેકડી ઉડાવી તેમને હાંસીપાત્ર બનાવી સભ્યતાને અકબંધ ટકાવવી એ આ કટાક્ષસર્જકોની મુખ્ય ચિંતા હતી. આમ પોપનાં કટાક્ષકાવ્યોમાં ભૌતિકવાદ, કનિષ્ઠ સાહિત્ય તથા તમામ પ્રકારના અતિરેક સામે વેધક કટાક્ષ વેર્યો છે. સ્વિફ્ટની રચનાઓમાં દંભ, અહંકાર, ક્રૂરતા તથા રાજકીય આંખમીંચામણાં અને બાંધછોડની આકરી ટીકા કરવામાં આવી છે; વૉલ્તેરે અતિવિશ્વાસ, ધાર્મિક ઢોંગધતિંગ તથા ભોળા આશાવાદની ઠેકડી ઉડાવી છે, જ્યારે ડૉ. જ્હૉન્સન મૂર્ખાઈ, મિથ્યાભિમાન, કૃત્રિમતા અને આડંબર ભરેલા દુન્યવી વ્યવહાર સામે કંઈક ગમગીનીપૂર્વક મોરચો માંડતા જણાય છે.
સત્તરમી સદીમાં શું ગદ્યમાં કે શું પદ્યમાં, અભિવ્યક્તિના પ્રકાર તરીકે કટાક્ષવાણી – સેટાયર – પર વિશેષ પસંદગી ઊતરતી જણાય છે. આમાંથી કટાક્ષ માટે સૌથી સાનુકૂળ અને સચોટ પ્રકાર કયો એ વિશેનો વિવાદ પણ વણઊકલ્યો રહ્યો છે. એટલું ખરું કે ગદ્ય તથા પદ્યમાં કટાક્ષ માટે સરખી જ ક્ષમતા રહેલી છે. પરંતુ કટાક્ષલેખકોએ ગદ્યમાં લખવાનું વિશેષ પસંદ કર્યું છે. કદાચ એટલા માટે કે કવિતામાં કટાક્ષની ધારી પ્રભાવકતા પ્રગટાવવાનું કપરું છે.
અઢારમી સદીના ઉત્તરાર્ધમાં, સાહિત્યના ઇતિહાસમાં બે મહાન કટાક્ષકારો સાંપડ્યા, તે સ્વિફ્ટ અને પોપ. સ્વિફ્ટે ગદ્યમાં અને પોપે પદ્યમાં સામર્થ્ય દાખવ્યું. સ્વિફ્ટની મુખ્ય કૃતિઓ તે આ : ‘એ ટેલ ઑવ્ એ ટબ’ (1704), ‘ધ બૅટલ ઑવ્ ધ બુક્સ’ (1704), ‘ગુલિવર્સ ટ્રાવેલ્સ’ (1726) તથા ‘એ મૉડેસ્ટ પ્રપોઝલ’ (1729); આ કૃતિઓ હજુ પણ રસપૂર્વક વંચાય છે. પોપની મુખ્ય કૃતિઓમાં ‘ધ રેપ ઑવ્ ધ લૉક’ (1714), ‘સેટાયર્સ, એપિસ્ટલ્સ ઍન્ડ મોરલ એસેઝ’ (1730) તથા ‘ધ ડન્સિયાડ’(1728, 1729, 1742 તથા 1743)નો સમાવેશ થાય છે. ઉત્તરોત્તર લેખકપ્રિય બનતી જતી કટાક્ષશૈલીનાં અન્ય ગણનાપાત્ર ઉદાહરણોમાં ફીલ્ડિંગના બર્લેસ્ક નાટક ‘ટૉમ થમ્બ’ (1730) તથા નવલકથા ‘શમેલા’ (1741) અને ‘જોનાથન વાઇલ્ડ’ (1743), જ્હૉન્સનના ઉમદા કાવ્યસંગ્રહ ‘લંડન’(1738)નો તથા ‘ધ વેનિટી ઑવ્ હ્યુમન વિશિઝ’ (1749); ચાર્લ્સ ચર્ચિલની ‘રોસિયાડ’ (1761) તથા ‘ધ પ્રૉફેસી ઑવ્ ફૅમિન’ (1763) જેવી કૃતિઓનો ઉલ્લેખ કરવાનો રહે. આ ગાળાના ફ્રાન્સના સૌથી મહાન કટાક્ષકાર તરીકે બેશક વૉલ્તેરનો ઉલ્લેખ અચૂક થાય છે.
અઢારમી સદીના અંતભાગમાં થયેલા અને ખાસ કરી રોમૅન્ટિક પ્રકૃતિના કવિઓએ કટાક્ષપ્રકારનું ખેડાણ પ્રસંગોપાત્ત જ કર્યું છે. ક્રૅબે વર્ણનકાવ્યો, શેલીએ ‘માસ્ક ઑવ્ ઍનાર્કી’ (1832) અને કીટ્સે અપૂર્ણ રહેલ ‘ધ કૅપ ઍન્ડ બેલ્સ’ (1848) જેવી કટાક્ષકૃતિઓ રચી. એ સૌમાં બાયરનને સેટાયરની સૌથી વિશેષ ફાવટ આવી હતી. ‘ડૉન વૉન’ (1819-24) તથા ‘ધ વિઝન ઑવ્ જજમેન્ટ’ એ તેમની નોંધપાત્ર કૃતિઓ છે. ઓગણીસમી સદીના કવિઓ પાસેથી પણ સાતત્યપૂર્વક નહિ, પણ આવી છૂટીછવાઈ કટાક્ષ-કવિતા સાંપડતી રહે છે. આમાં બુલવર લિટન, ટેનિસન, બ્રાઉનિંગ, કોવેન્ટ્રી પૅટમોર તથા આલ્ફ્રેડ ઑસ્ટિનનો સમાવેશ થાય છે. જોકે ઓગણીસમી સદી દરમિયાન કટાક્ષની અભિવ્યક્તિ માટે ગદ્ય વિશેષ પસંદગી પામ્યું છે.
આ ગદ્ય-કટાક્ષકારોમાં ઇંગ્લૅન્ડમાં થૅકરે તથા સૅમ્યુઅલ બટલરનો અને ફ્રાન્સમાં ફ્લોબેર તથા આનાતોલ ફ્રાન્સનાં નામો ઉલ્લેખનીય છે. થૅકરેને ‘બૅરી લિંડન’ (1844) તથા ‘વૅનિટી ફેર’(1847-48)માં મહત્વની સિદ્ધિ સાંપડી છે. બટલરની સૌથી પ્રખ્યાત કૃતિઓમાં ‘ઇરેવૉન’ (1872), ‘ઇરેવૉન રીવિઝિટેડ’ (1901) તથા ‘ધ વે ઑવ્ ઑલ ફ્લેશ’ની ગણના થાય છે.
વીસમી સદીમાં કટાક્ષનો આવિષ્કાર જવલ્લે જ જોવા મળે છે તેનાં મુખ્ય બે કારણો અપાય છે : એક એ કે આ સમયગાળામાં ભારોભાર અસ્થિરતા તથા હિંસક પરિવર્તન મોખરે રહ્યાં છે. બીજું એ કે હ્યુમર એટલી વ્યાપકતા તથા ઉગ્રતાથી ફાલે છે કે કટાક્ષકાર માટે પોતાનું અસ્તિત્વ દાખવવાનું તથા પોતાનો અવાજ વ્યક્ત કરવાનું સાવ દુષ્કર બની જાય છે. જે કાંઈ કટાક્ષ વ્યક્ત થાય છે તે કેવળ કૅરિકેચર તથા કાર્ટૂન પૂરતો સીમિત રહે છે. શબ્દમાંથી જન્મતા આસ્વાદ્ય કટાક્ષનું સાતત્ય હવે જાણે અસામાન્ય ઘટના બની રહે છે; કાવ્યગત કટાક્ષ તો સાવ દુર્લભ જણાય છે. ગદ્ય-કટાક્ષકારોમાં બેલૉક, ચેસ્ટરટન, વિન્ધામ લ્યુઇસ, ડબ્લ્યૂ. એચ. ઑડન તથા જુલિયન બૅલની જેવા લેખકોની વિવિધ નિમિત્તે છૂટીછવાઈ કટાક્ષકૃતિઓ ક્યારેક ક્યારેક મળતી રહે છે. કટાક્ષનું ગણનાપાત્ર ખેડાણ કરનાર એકમાત્ર કવિ તે રૉય કૅમ્પબેલ. કટાક્ષલક્ષી શૈલી તથા અભિગમપૂર્વક લખાયેલી કેટલીક નવલકથાઓમાં આલ્ડઝ હક્સલીની ‘ઍન્ટિક’ તથા ‘બ્રેવ ન્યૂ વર્લ્ડ’, એવલીન વાઘની ‘બ્લૅક મિશ્ચિફ’, ‘અ હૅન્ડફૂલ ઑવ્ ડસ્ટ’, ‘પુટ આઉટ મૉર ફ્લૅગ્ઝ’ તેમજ જ્યૉર્જ ઑરવેલની ‘ઍનિમલ ફાર્મ’ તથા ‘નાઇન્ટીન એઇટી-ફૉર’ વિશેષ ધ્યાનપાત્ર છે.
આમ અંગ્રેજીમાં સેટાયર તરીકે ઓળખાતી આ કટાક્ષલક્ષી શૈલી અનેકવિધ સાહિત્યિક પ્રયુક્તિઓ મારફત વ્યક્ત થતી આવી છે. એમાં પ્રાણીકથા, નાટ્યાત્મક પ્રસંગમાળા, કલ્પિત અનુભવો, વ્યક્તિલક્ષી રેખાચિત્ર, બોધક ટુચકા, કાલ્પનિક સાહસપ્રવાસ, તરંગકથા, ઉપદેશકથા, કહેવતો વગેરેનું અવલંબન લેવામાં આવે છે. વળી એની અર્થસાધકતા સિદ્ધ કરવા હાસ્ય-વિનોદની અનેક પ્રયુક્તિઓ એટલે કે ઉપહાસ, ઠેકડી, ઠઠ્ઠો, નિંદા, વક્રોક્તિ, વ્યંગ્યોક્તિ, મર્મવચનો, અતિશયોક્તિ, અલ્પોક્તિ વગેરે પ્રયોજવામાં આવે છે.
પરંતુ પ્રસંગોપાત્ત વિષાદ, વ્યગ્રતા કે વેદના નિમિત્તે પણ કટાક્ષ પ્રગટે છે. વસ્તુત: કટાક્ષના સમગ્ર આલેખન-પટમાં એક છેડે કૉમેડી તો બીજે છેડે ટ્રૅજેડીનાં ધ્રુવબિંદુઓ રહેલાં છે. કટાક્ષનિરૂપણના છેક પ્રારંભકાળથી જ આદ્ય કટાક્ષસ્વામીઓ હૉરેસ તથા જુવેનાલની શૈલીમાં આવો તાત્વિક તફાવત જોવાયો છે. આથી જ જ્હૉન ડ્રાયડને રોમન સેટાયરના બે પ્રકાર પાડ્યા છે – કૉમિકલ સેટાયર અને ટ્રૅજિકલ સેટાયર; હૉરસ પ્રથમ પ્રકારના અને જુવેનાલ બીજા પ્રકારના કટાક્ષનિરૂપણના પ્રતિનિધિ લેખાય છે. પોપનું ‘ડન્સિયાડ’, સ્વિફ્ટના ‘ગુલિવર્સ ટ્રાવેલ્સ’નો ચોથો ભાગ, માર્ક ટ્વેઇનની ‘ધ મિસ્ટિરિયસ સ્ટ્રેન્જર’ તથા ‘ટુ ધ પરસન સિટિંગ ઇન ડાર્કનેસ’ તથા જ્યૉર્જ ઑરવેલની ‘નાઇનટીન એઇટી-ફૉર’ જેવી રચનાઓમાં આવા વિષાદજન્ય કટાક્ષનો આવિષ્કાર છે.
સંસ્કૃત સાહિત્યમાં કટાક્ષ : સંસ્કૃત સાહિત્યમાં કટાક્ષનું પ્રધાનપણે નિરૂપણ થતું હોય એવો કોઈ સાહિત્યપ્રકાર જોવા મળતો નથી. એનું એ કારણ અપાય છે કે લલિત સાહિત્યપ્રકારોમાં શૃંગાર કે વીર રસનું અને કેટલાકના મતે શાંત રસનું પણ પ્રધાનપણે નિરૂપણ હોય છે. અન્ય રસો મુખ્ય રસના અંગ તરીકે નિરૂપાય છે. અલબત્ત ભાણ અને પ્રહસન જેવા નાટ્યપ્રકારોમાં પ્રચુર માત્રામાં કટાક્ષાત્મક સંવાદો હોય છે, જોકે મુખ્યત્વે એ બંને હાસ્યરસપ્રધાન રૂપકો છે. નાટક-પ્રકરણ વગેરેમાં પણ ઉપહાસયુક્ત સંભાષણ હોય છે અને ક્યાંક ક્યાંક સુભાષિતોમાં પણ કટાક્ષ જોવા મળે છે. ‘અભિજ્ઞાનશાકુન્તલ’ નાટકમાં શકુન્તલા પ્રત્યે આકર્ષાયેલા દુષ્યન્તની મશ્કરી કરતાં વિદૂષક કહે છે, ‘ત્યારે તો તમે જલદી એ(શકુન્તલા)ને બચાવી લો. નહિ તો એ કોક ઇંગુદીના તેલથી ચીકણા માથાવાળા, ઘરડા રીંછ જેવા તપસ્વીના હાથે જશે.’ આમ કહેવામાં રાજાઓની વિલાસવૃત્તિ અને બહુવિવાહ પ્રત્યે સ્પષ્ટ કટાક્ષ છે. ‘મૃચ્છકટિક’ પ્રકરણમાં વિદૂષક મૈત્રેય કહે છે, ‘મને બે વાતનું હસવું આવે છે. એક તો સ્ત્રી સંસ્કૃત બોલતી હોય અને બીજું પુરુષ કાકલી સ્વરમાં ગાતો હોય.’ અહીં સંસ્કૃત બોલતી સ્ત્રી તરફ કટાક્ષ છે. ભાસનાં રૂપકોમાં પણ ક્વચિત્ કટાક્ષયુક્ત સંભાષણ મળે છે.
ગુજરાતી સાહિત્યમાં કટાક્ષ : ગુજરાતી સાહિત્યમાં કટાક્ષના વ્યવસ્થિત નિરૂપણ પૂરતું સૌપ્રથમ ઉલ્લેખનીય નામ છે અખાનું. અખાના છપ્પામાં કટાક્ષકવિતાની તીવ્ર વેધકતા તથા બુદ્ધિના અર્થસાધક ચમકારા પહેલી જ વાર આસ્વાદવા મળે છે. કટાક્ષકાર તરીકે અખાએ મુખ્યત્વે ધાર્મિક અંધશ્રદ્ધા, ધર્મગુરુઓના આડંબર, લોકમાનસની જડતા અને રૂઢિચુસ્તતા જેવી નબળાઈ તથા બૂરાઈને પોતાના સર્વવ્યાપી સામાજિક કટાક્ષનાં નિશાન બનાવ્યાં છે. સાંગોપાંગ કટાક્ષકવિતા લખનાર અખો આદ્ય કટાક્ષકાર ગણાય. એ પછી આખ્યાનકાર-કવિ પ્રેમાનંદમાં એવો સળંગસૂત્રી અને શબ્દવેધી કટાક્ષ નહિ, પણ છૂટોછવાયો અને હળવા વિનોદથી રંગાયેલો જોવા મળે છે. અખાના તાતા કટાક્ષ અને પ્રેમાનંદના ઉપહાસમાં શૈલી તથા નિરૂપણનો ખાસ્સો તાત્વિક તફાવત જણાઈ આવે છે. દલપતરામનાં હળવાં કટાક્ષલક્ષી કાવ્યોમાં ધારદાર કટાક્ષને મુકાબલે હાસ્યજનક તત્વ વિશેષ તરી આવે છે. આથી ઊલટું દલપતરામની કટાક્ષમૂલક કવિતામાં રૂઢિ-રિવાજો પર કરાયેલા આકરા પ્રહારોમાં કટાક્ષની અર્થસાધકતા સુપેરે સિદ્ધ થઈ છે.
દલપતરામે લખેલું મશ્કરી ભરેલું નાટક ‘મિથ્યાભિમાન’ (1871) પ્રધાનતયા પાત્ર-પ્રસંગ તથા સંવાદલક્ષી પ્રહસન તરીકેની માવજત પામ્યું છે, પરંતુ સૂત્રધાર સમા રંગલાના આખાબોલા પાત્રની તોફાની ટીખળખોર ઉક્તિઓ નિમિત્તે વ્યંગ્યાત્મક કટાક્ષ પણ વહેતો રહે છે; જ્યારે મોલિયરના ‘ડમ્બ વાઇફ’ પરથી કલ્પનાપ્રેરિત રૂપાંતર તરીકે નવલરામે રચેલું ‘ભટનું ભોપાળું’ (1867) કટાક્ષ પૂરતું નહિ પણ કેવળ પ્રહસન તરીકે જ યાદગાર બન્યું છે.
ગદ્ય વિશે કટાક્ષનું સૌપહેલું સફળ ખેડાણ કર્યું રમણભાઈ નીલકંઠે. ભદ્રંભદ્ર જેવા હાસ્યરસિક પાત્રને કેન્દ્રમાં રાખીને લખેલી નવલકથા ‘ભદ્રંભદ્ર’માં અત્યંત રૂઢિચુસ્ત મનોદશા ધરાવતા સનાતની વર્ગનો અને એવી વિચારસરણીનો ઉપહાસ ઉડાવવામાં તેમણે અર્થસાધક કટાક્ષ-નિરૂપણની સિદ્ધિ દાખવી છે. તેમના પછી કનૈયાલાલ મુનશીએ પણ વૈચારિક બંધિયારપણા તથા સામાજિક સંકુચિતતા સામે કટાક્ષનું શસ્ત્ર નમૂનેદાર સુઘડતાપૂર્વક પ્રયોજ્યું. ‘શામળશાનો વિવાહ’ જેવી ટૂંકી વાર્તા હોય કે ‘બ્રહ્મચર્યાશ્રમ’ જેવું નાટક હોય, ગદ્ય કટાક્ષકાર તરીકે મુનશીએ સારી ફાવટ દર્શાવી છે.
કટાક્ષના નિરૂપણમાં ચન્દ્રવદન મહેતાએ પણ સફાઈદાર અને સચોટ કટાક્ષકલાની સબળ પ્રતીતિ કરાવી. ‘ધારાસભા’ તથા ‘દેડકાંની પાંચશેરી’ જેવી તેમની એકાંકી રચનાઓ નમૂનેદાર વ્યંગ્યલક્ષી કટાક્ષિકાઓ બની છે. ધનસુખલાલ મહેતા અને જ્યોતીન્દ્ર દવેના કલમ-સહયોગથી લખાયેલી નવલકથા ‘અમે બધાં’માં પરિહાસનું તત્વ વિશેષ ઊભરી આવે છે. રા. વિ. પાઠકના લેખોમાં સાંપ્રત પ્રસંગો અને સમકાલીન પાત્રો નિમિત્તે પ્રયોજાયેલી કટાક્ષમયતા સીમિત રહી છે, પરંતુ કટાક્ષશૈલીની સૌથી વેધક અને વૈવિધ્યલક્ષી પ્રભાવકતા જયંતિ દલાલની કૃતિઓમાં સિદ્ધ થઈ છે. ગુજરાતી સાહિત્યમાં ગદ્ય કટાક્ષકાર તરીકે તેમનું પ્રદાન ચિરસ્થાયી અને યશસ્વી બન્યું છે. દલાલના કટાક્ષોની ઉગ્રતા, તીવ્રતા અને કટુતાની સરખામણીમાં જ્યોતીન્દ્ર દવેના હાસ્યનિબંધોમાં કટાક્ષની મર્માળી, માર્મિક તથા નિર્દંશ અભિવ્યક્તિ લોકભોગ્યતા પામે છે. બીજા સફળ ગદ્યકાર ચુનીલાલ મડિયાની કટાક્ષરીતિમાં શાહુડીનાં પીંછાં જેવી વેધક તીક્ષ્ણતા પણ અનુભવાય છે.
કવિઓ પૈકી ‘કોયા ભગતની કડવી વાણી’ કહેનારા સુન્દરમ્ તથા વેણીભાઈ પુરોહિત અને નાથાલાલ દવે જેવા કવિઓની રચનાઓમાં પદ્યકટાક્ષની માર્મિકતા પણ વણાયેલી છે.
દૈનિકોની કટારો નિમિત્તે ‘નારદ’ અને વૈશંપાયનની વાણી ઉપરાંત લોકજીવનનાં વિવિધ ક્ષેત્રોની સાંપ્રત સમસ્યાઓ વિશે કલમ-કટાક્ષ વેરી રહેલા લેખકોમાં ચીનુભાઈ પટવા, બકુલ ત્રિપાઠી, મધુસૂદન પારેખ, વિનોદ ભટ્ટ, તારક મહેતા, રતિલાલ બોરીસાગર, અશોક દવે વગેરેનાં નામો ઉલ્લેખનીય છે.
હિન્દી ભાષામાં હાસ્ય-વ્યંગસાહિત્યની શરૂઆત ભારતેન્દુ યુગથી (1857-1900) થાય છે. ભારતેન્દુ તથા તેમના સાથી લેખકો પ્રતાપ નારાયણ મિશ્ર અને બાલમુકુન્દ ગુપ્તે તત્કાલીન સામાજિક, રાજકીય અને ધાર્મિક સમસ્યાઓ ઉપર તીવ્ર કટાક્ષ કરતા લેખો લખ્યા. ભારતેન્દુનો ‘લેવી પ્રાણ લેવી’ અંગ્રેજ સરકારની આર્થિક નીતિ પરનો કટાક્ષ છે. તો પ્રતાપ નારાયણ મિશ્રે ‘દાંત’ અને ‘નાક’ જેવા લેખો લખ્યા. બાલમુકુન્દ ગુપ્તેએ લૉર્ડ કર્ઝનને કાગળ લખ્યા ‘શિવશંભુકે ચિઠ્ઠે’. ભારતેન્દુ યુગ પછી લગભગ 1936માં ‘બેઢબ બનારસી’, કેશવચંદ્ર વર્મા, લક્ષ્મીકાંત વર્મા, રવીન્દ્રનાથ ત્યાગી, શરદ જોશી અને હરિશંકર પરસાઈએ આધુનિક યુગમાં થઈ રહેલા મૂલ્યહ્રાસ પર પ્રહારો કર્યા. પરસાઈએ ‘ભૂત કે પાંવ’, ‘ઠીઠુરતા હુઆ ગણતંત્ર’, ‘વિકલાંગ શ્રદ્ધા કા દોર’ જેવા ગ્રંથો દ્વારા રાજકીય કટાક્ષમાં સીમા-સ્તંભરૂપ કાર્ય કર્યું.
આધુનિક મરાઠી સાહિત્યમાં કટાક્ષ સાહિત્યના સર્જકોમાં ચિં. વિ. જોશી, રામ ગણેશ ગડકરી (‘સંપૂર્ણ બાળકરામ’); ના. ધોં. તામ્હણકર (‘ગોટ્યા’ – ત્રણ ભાગમાં 1943); આચાર્ય પ્રહ્લાદ કેશવ અત્રે (‘ઝેંડૂચી ફુલે’ – કવિતાસંગ્રહ, 1925, નાટકો ‘સાષ્ટાંગ નમસ્કાર’, ‘મી ઊભા આહે’, ‘મી મંત્રી આહે’); પુ. લ. દેશપાંડે (નાટક ‘તુઝે આહે તુજપાશી’ – 1957, ‘ખોગીર ભરતી’ – 1946, ‘નસતી ઉઠાઠેવ’ – 1952, ‘ગોળાબેરીજ’ – 1960, ‘ફસવણૂંક’ – 1968); રમેશ મંત્રી, વિ. આ. બુવા મોખરે છે.
વિનોદ જશવંતલાલ ભટ્ટ
મહેશ ચોકસી