કટક : ઓડિસા રાજ્યનો કંઠારપ્રદેશીય જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21o 01’થી 21o 10′ ઉ. અ. અને 84o 58’થી 87o 03′ પૂ. રે. વચ્ચેનો 3932 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ઉત્તર તરફ અંગુલ, ધેનકાનલ અને જાજપુર જિલ્લાઓથી, પૂર્વ તરફ કેન્દ્રપાડા અને જગતસિંગપુર જિલ્લાઓથી, દક્ષિણ તરફ પુરી, ખુર્દ અને નયાગઢ જિલ્લાઓથી તથા પશ્ચિમ તરફ અંગુલ અને નયાગઢ જિલ્લાઓથી ઘેરાયેલો છે. જિલ્લામથક કટક જિલ્લાના પૂર્વ ભાગમાં આવેલું છે. કટક શહેર પરથી જિલ્લાનું નામ અપાયેલું છે.
ભૂપૃષ્ઠ : જિલ્લાનો મોટોભાગ ત્રિકોણપ્રદેશીય ફળદ્રૂપ મેદાની વિસ્તારથી બનેલો છે. અહીં કાંપની તથા લેટરાઇટજન્ય પડખાઉ જમીનો આવેલી છે. ભૂપૃષ્ઠનો ઘણોખરો ભાગ વિવિધ પ્રકારના અગ્નિકૃત ખડકોથી બનેલો છે. કટકની આજુબાજુનો વિસ્તાર જળકૃત ખડકો(અથગઢ રેતીખડક)નું બંધારણ ધરાવે છે. ભૂપૃષ્ઠના ખડકો કાંપ અને પડખાઉ જમીનોથી ઢંકાયેલા છે. મહાનદી અને બ્રાહ્મણી નદીની આજુબાજુનો વિસ્તાર અર્વાચીન ત્રિકોણપ્રદેશથી રચાયેલો છે. ઉત્તર તરફ આવેલો અહીંનો આશરે 1000 ચોકિમી. જેટલો વિસ્તાર અર્ધહરિત અયનવૃત્તીય જંગલોથી છવાયેલો છે.
જળપરિવાહ : આ જિલ્લાની મુખ્ય નદીઓમાં મહાનદી અને બ્રાહ્મણી નદીનો સમાવેશ થાય છે. આ બંને નદીઓને જે સહાયક નદીઓ મળે છે તે સમતળ પ્રાદેશિક ભૂપૃષ્ઠને કારણે ફંટાય છે અને ફરી ભેગી મળે છે. ઉનાળામાં આ નદીઓનાં જળ ઓછાં થઈ જવાથી ક્યારેક તેમના પટ શુષ્ક બની રહે છે, પરંતુ વર્ષાઋતુ દરમિયાન પૂર આવવાથી તેમની આજુબાજુનો વિસ્તાર પાણીથી છવાઈ જાય છે, ઊભા પાક ડૂબી જાય છે અને ખેતરોમાં રેતીનું આવરણ છવાઈ જાય છે; જોકે મહાનદી પર હિરાકુડ બંધ બંધાયો છે તેથી આ પરિસ્થિતિ પર નિયંત્રણ લાવી શકાયું છે.
ખનિજસંપત્તિ : આ જિલ્લામાંથી ઇમારતી પથ્થરો, ક્રોમાઇટ, કાચરેતી, લોહઅયસ્ક વિશેષ પ્રમાણમાં મળે છે, જ્યારે ગૌણ પ્રમાણમાં મળતાં ખનિજોમાં મૅગ્નેટાઇટ, ગેરુ અને સોપસ્ટોનનો સમાવેશ થાય છે.
ખેતી–પશુપાલન : આ જિલ્લાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. અહીંના મુખ્ય પાકોમાં ડાંગર, ઘઉં, રાગી, મકાઈ, કળથી, મગ, ચણા, ચોળા, શેરડી, મગફળી, તલ વગેરેનો સમાવેશ થાય છે. જિલ્લામાં વિશાળ જમીનો ધરાવતી વાડીઓ તેમજ બાગાયતી વાડીઓ આવેલી છે. કૂવા અને તળાવોનાં પાણીથી ખેતી થાય છે. હિરાકુડ બંધ બંધાયા પછી નહેરોનાં પાણી ઉપલબ્ધ થયાં છે.
જિલ્લામાં ગાય-ભેંસનું પ્રમાણ વિશેષ છે. તેમને માટે પશુદવાખાનાં, ચિકિત્સાલયો તથા કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રોની સગવડ છે. મરઘાં-બતકાંનો ઉછેર પણ થાય છે.
ઉદ્યોગ–વેપાર : આ જિલ્લામાં એકસોથી વધુ જુદા જુદા પ્રકારના ઉદ્યોગો કાર્યરત છે. તેમાં લોહ અને પોલાદ પ્રક્રમણના ઉદ્યોગો, કાષ્ઠ-ઇજનેરીના ઉદ્યોગો, રાસાયણિક ઉદ્યોગો, ઔષધીય ઉદ્યોગો, કાપડ-ઉદ્યોગો, મુદ્રણકામ તથા તેને સંબંધિત ઉદ્યોગો, વીજ-રાસાયણિક ઉદ્યોગો, સિરેમિક અને માટીકામના એકમો, ચર્મકામ અને પગરખાંના એકમો, સાઇકલ બનાવવાના ઉદ્યોગો, બિનલોહધાતુના ઉદ્યોગો, ઉપભોક્તા ચીજવસ્તુઓના એકમો તથા યાંત્રિક સમારકામના ઉદ્યોગોનો સમાવેશ થાય છે.
કટક તેના વિશિષ્ટ પ્રકારના હસ્તકૌશલ્ય માટે જાણીતું છે. આ પૈકી ચાંદીનું નકશીકામ, શિંગડામાંથી બનાવાતી ચીજો, પટચિત્રો, ધાતુપાત્રો, ભરતકામ, રેશમી અને સુતરાઉ કાપડનું હાથસાળકામ (patchwork) વિશેષ ઉલ્લેખનીય છે. આ જિલ્લામાંથી હાથસાળનું સુતરાઉ કાપડ, શાકભાજી, શણ, કઠોળ, કાગળ, ઢોળ ચડાવેલી પાઇપો, તમાકુની ગડાકુ અને શિંગડામાંથી બનાવેલી ચીજોની નિકાસ થાય છે; જ્યારે કપડાં, કરિયાણું, સ્ટેશનરી, ઘઉં અને તેની પેદાશો, વાંસ તથા ઇમારતી સામગ્રીની આયાત થાય છે.
પરિવહન : કોલકાતા-ચેન્નાઈ અને કટક-સંબલપુર રાષ્ટ્રીય ધોરી માર્ગો આ જિલ્લામાંથી પસાર થાય છે. કટક જિલ્લામથક રાજ્યનાં ઘણાં સ્થળો સાથે બસો મારફતે સંકળાયેલું છે. હાવડા અને ચેન્નાઈનો મુખ્ય રેલમાર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે. અહીંની નદીઓમાં વર્ષાઋતુ દરમિયાન પૂર આવતાં હોવાથી તથા ઉનાળામાં તેમાં પાણીની અછત રહેતી હોવાથી જળમાર્ગો વિકસી શકેલા નથી. મહાનદી, બ્રાહ્મણી અને વૈતરણી નદીમાં હોડીઓ મારફતે માત્ર ચીજવસ્તુઓની હેરફેર કરાય છે. મહાનદીના મુખ પરનું પારાદીપ બંદર સક્રિય છે.
કટક (શહેર) : કટક ઓડિસાનું સૌથી મોટું શહેર છે. તે 1949 સુધી ઓડિસા રાજ્યનું પાટનગર રહેલું. તે પછીથી પાટનગર ભુવનેશ્વર ખાતે ખેસવવામાં આવેલું છે. શહેર આશરે 60 ચોકિમી. વિસ્તારમાં પથરાયેલું છે. તે બંગાળની ખાડીથી પશ્ચિમે 93 કિમી.ને અંતરે આવેલું છે. અહીં 1876થી મ્યુનિસિપાલિટી દ્વારા વહીવટ ચાલે છે. તે મહાનદી અને તેની સહાયક નદી કથજોરી નદીથી રચાતા ત્રિકોણના શિરોભાગ પર વસેલું છે. તે દક્ષિણ-પૂર્વ વિભાગીય રેલવેનું મથક છે. અહીંથી હાવડા-ચેન્નાઈ રેલમાર્ગ પસાર થાય છે. કટક-ચેન્નાઈ રાષ્ટ્રીય ધોરી માર્ગ પણ કટકમાંથી પસાર થાય છે. આ શહેર રાજ્યના જુદા જુદા ભાગો સાથે પાકા માર્ગોથી સંકળાયેલું છે. બસ સેવા અહીં ઉપલબ્ધ છે. તે વેપાર માટેનું મહત્વનું કેન્દ્ર છે. આ શહેરમાંનાં જૂનાં જોવાલાયક સ્થળોમાં મુસ્લિમોના સમયનો લાલબાગ તથા બારાવતીનો ખંડિયેર હાલતમાં રહેલો કિલ્લો છે. અહીં ઘણાં મંદિરો હોવાથી તે મંદિરોના શહેર તરીકે ઓળખાય છે. તેની સ્થાપના 910માં થયેલી. તે 1266માં મુસ્લિમોના, 1751માં મરાઠાઓના અને 1803માં અંગ્રેજોના આધિપત્ય હેઠળ આવ્યું હતું. ભુવનેશ્વર ખાતે રાજધાની ફેરવાતાં હવે તેનું મહત્વ ઘટ્યું છે. પરંતુ ઓડિસા હાઈકોર્ટ અહીં આવેલી છે.
વળી આ જિલ્લાનાં જોવાલાયક અન્ય સ્થળોમાં બંકી, અથગઢ અને બારંગનો સમાવેશ થાય છે. અહીં વારતહેવારે ઉત્સવો અને મેળા ભરાય છે.
વસ્તી : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 26,18,708 જેટલી છે. અહીં સ્ત્રી-પુરુષોની સંખ્યા લગભગ સરખી છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે આશરે 70 % અને 30 % જેટલું છે. જિલ્લામાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તીઓનું પ્રમાણ વિશેષ છે; જ્યારે બૌદ્ધ, શીખ અને જૈનોનું પ્રમાણ ઓછું છે. અહીં હિન્દી, તેલુગુ અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. ઊડિયા અહીંની સ્થાનિક ભાષા છે. સાક્ષરતાનું પ્રમાણ 63 % જેટલું છે. રાજ્યના બીજા બધા જિલ્લાઓની તુલનામાં અહીં શિક્ષણસંસ્થાઓનું પ્રમાણ સારું છે. જિલ્લામાં લગભગ 34 જેટલી કૉલેજો આવેલી છે. આ જિલ્લામાંથી પાંચ જેટલાં દૈનિક સમાચારપત્રો તથા એક સામયિક (ઉડિયા ભાષામાં) બહાર પડે છે. દૂરદર્શન-કેન્દ્ર અને આકાશવાણી-મથક કટક ખાતે આવેલાં છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 3 ઉપવિભાગોમાં, 11 તાલુકાઓમાં અને 14 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 7 નગરો અને 1865 જેટલાં ગામો આવેલાં છે.
શિવપ્રસાદ રાજગોર
ગિરીશભાઈ પંડયા