કઝિંજ કાલમ્ (1957) : મલયાળમ લેખક, કેરળના પત્રકાર અને નેતા કે. પી. કેશવ મેનન(1886-1978)ની આત્મકથા. કઝિંજ કાલમ્ એટલે ભૂતકાળ. એમાં એમના જીવનનાં 70 વર્ષ સુધીની કહાણી છે. મલબારના મધ્યમવર્ગના કુટુંબમાં જન્મેલા મેનને કેરળ અને ચેન્નાઈમાં શિક્ષણ લઈ વિલાયત જઈ બૅરિસ્ટરની પદવી મેળવી. અભિમાન કે બડાશ વિના લેખકે તેમના જીવનનાં અનેક ક્ષેત્રો અને દેશોને લગતી ઘટનાઓ સત્યનિષ્ઠા સાથે આલેખી છે. બાળપણથી શરૂ કરીને કેરળ રાજ્યની સ્થાપના સુધી અનેક મહત્વનાં રાજકીય અને સામાજિક આંદોલનો વગેરેનાં સંસ્મરણો આ આત્મકથામાં છે. મલબાર લહળા-મોપલા આંદોલન, ‘માતૃભૂમિ’ સામયિકની સ્થાપના, વાયકોમ સત્યાગ્રહ, બીજું વિશ્વયુદ્ધ, આઝાદ હિંદ ફોજની સ્થાપના વગેરે મહત્ત્વની રાષ્ટ્રીય-રાજકીય ઘટનાઓનું એમાં તાશ અને સ્વાનુભવરંગી ચિત્રણ છે. આઝાદ હિંદ ફોજની સેવામાં તેમને જેલનો કડવો અનુભવ થયો હતો. સરળ ભાષા અને અકૃત્રિમ શૈલીમાં લખાયેલી આ આત્મકથા મલયાળમ ભાષાની મહત્વની કૃતિ ગણાય છે. આ કૃતિ બદલ તેમને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીના એવૉર્ડથી સન્માનિત કરાયા હતા. કેશવ મેનનને કેરળના જાહેર જીવનના ભીષ્મ પિતામહનું બિરુદ મળ્યું હતું.

કૃષ્ણવદન જેટલી