અચ્યુતાનંદ દાસ (15મી-16મી શતાબ્દી) : પંચસખામાંના સૌથી નાના, ભવિષ્યદર્શન કરાવતા પ્રસિદ્ધ પુસ્તક ‘માળિકા’ના ઊડિયા લેખક. 1955માં ઉડિસા (આજનું ‘ઓડિસા’ રાજ્ય)માં બહુ મોટાં પૂર આવ્યાં હતાં. ‘માળિકા’માં આ પૂરની આગાહી કરતી પંક્તિઓ છે. સમાજસેવક તરીકે પણ અચ્યુતાનંદ ખ્યાતિ પામ્યા હતા. કૈબર્ત અને ગોપાળ જાતિના લોકોને મંત્ર તથા શાસ્ત્ર શીખવાનો નિષેધ હતો. પરંતુ ઉચ્ચ કુળમાં જન્મેલા અચ્યુતાનંદ એ જાતિની વચ્ચે રહ્યા તથા કૈબર્ત જાતિની આધ્યાત્મિક ઉન્નતિ માટે ‘કૈબર્તગીતા’ અને ગોપાળ જાતિને સામાજિક શિક્ષણ આપવા માટે ‘ગોપળક ઓગાળ પર્યાય’ લખ્યાં. ઊડિયા સાહિત્યમાં આ પ્રકારની કૃતિઓ આજે પણ વિરલ છે. ઓડિસાની સાધારણ જનતા માટે પણ અચ્યુતાનંદ કંઈ ને કંઈ લખતા રહ્યા હતા. એક વિદ્વાનના મત પ્રમાણે એમણે ‘એક લાખ ગ્રંથ’ લખ્યા હતા ! ( ગ્રંથનો અર્થ અહીં શ્લોક કે પદ માનવામાં આવે છે ! ) ‘ગુરુભક્તિ ગીતા’, ‘અણાકાર સંહિતા’, ‘છેંતાળીસ પરબ’ વગેરે અચ્યુતાનંદની અન્ય કૃતિઓ છે. તેમનો ગ્રંથ ‘હરિવંશ’ મૂળ પુસ્તકનો અનુવાદ નથી. એમાં મૌલિક કલ્પનાને મોકળું મેદાન આપવામાં આવ્યું છે.
વર્ષા દાસ