અછબડા (chicken pox) : બેથી છ વર્ષનાં બાળકોને ઝીણી ફોલ્લીઓ અને ફોલ્લા કરતો વિષાણુજન્ય (viral) ચેપી રોગ. તે જોતજોતામાં વાવડનું રૂપ ધારણ કરે છે.

હર્પિસ ઝોસ્ટર : પેટ પર હર્પિસ ઝોસ્ટરની ફોલ્લીઓ, ફોલ્લાઓ અને ભીંગડાનો પટ્ટા આકારનો સ્ફોટ

વેલરે 1953માં બતાવેલું કે આ જ રોગના વિષાણુથી હર્પિસ ઝોસ્ટર નામનો વ્યાધિ પણ થાય છે. તેથી તેને અછબડા-ઝોસ્ટર વિષાણુ કહે છે. દર્દીના શ્વસનમાર્ગમાં અને ફોલ્લાની રસીમાં રહેલા વિષાણુ ચેપ ફેલાવે છે.  શ્વાસમાર્ગે પ્રવેશીને આ વિષાણુ લોહી વાટે આખા શરીરમાં ફેલાય છે. તે ફક્ત માનવ પર આધારિત પરોપજીવી (parasite) છે.

વિષાણુના પ્રવેશ પછી પંદર દિવસે દર્દીને પૂર્વલક્ષણ (prodrome) રૂપે માથાનો દુખાવો, ભૂખનો અભાવ, તાવ વગેરેનો ઉપદ્રવ થાય છે. બે કે ત્રણ દિવસમાં ધડ પર ઝીણાં ડાઘા (વર્ણક સ્ફોટ) અને ફોલ્લીઓ (maculopapules) દેખાય છે. મોઢામાં, મોઢા પર અને હાથપગ પર પણ ફોલ્લીઓ થાય છે. પછી તેમાંથી ફોલ્લા (vesicles) ઊપસી આવે છે. ભીંગડાં (scabs) વળી જતાં તે ઊખડી જાય છે. ભીંગડાં વળવાની શરૂઆત ફોલ્લાની ટોચ પર મધ્યમાં થાય છે. ખણવામાં ન આવે કે બહારનો ચેપ ન લાગે તો ફોલ્લા પાકતા નથી અને ચાઠાં પડતાં નથી. અછબડામાં ચામડીનો વિકાર ત્રણથી ચાર દિવસમાં જુદી જુદી જગાએ કકડે કકડે થતો હોવાથી દર્દીના શરીર પર એક જ સમયે ફોલ્લી, ફોલ્લા અને ભીંગડાં જોવા મળે છે. પ્રયોગશાળાની નિદાનલક્ષી કસોટીઓ સામાન્ય રીતે સંશોધન માટે ઉપયોગી હોય છે. શીતળાના દર્દીમાં પણ ચાર પ્રકારે વર્ણક સ્ફોટ, ફોલ્લી, ફોલ્લા અને ભીંગડાં થાય છે. પરંતુ તે શરીરમાં ધડ કરતાં ચહેરા અને હાથપગ પર વધુ થાય છે; એક પ્રકારનો સ્ફોટ આમા શરીરે બધે હોય છે તથા તે રુઝાય ત્યારે ચામડીમાં ખાડા પડે તેવાં ક્ષતિચિહન (scars) રહી જાય છે. ધડ પર મુખ્યત્વે દેખાતા સ્ફોટને અભિકેન્દ્રી સ્ફોટ કહે છે અને તે અછબડાના દર્દીને થાય છે. ધડને બદલે ચહેરા કે હાથપગ પરના સ્ફોટને અપકેન્દ્રી સ્ફોટ કહે છે અને તે શીતળાના દર્દીમાં જોવા મળે છે.

નાનાં બાળકોમાં અછબડા ગંભીર સ્વરૂપ લેતા નથી. પરંતુ પુખ્ત વયે કે પ્રતિરક્ષા-ઊણપ (immunodeficiency) થઈ હોય ત્યારે તેનાથી ન્યુમોનિયા અથવા મસ્તિષ્કશોથ (encephalitis) કે યકૃતશોથ (hepatitis) જેવા ગંભીર રોગ થવાનો સંભવ રહે છે.

હર્પિસ ઝોસ્ટર પુખ્તવયે અછબડાના વિષાણુ વડે થતો સંવેદનચેતા(sensory nerve)ની ગંઠિકા(ganglion)નો ઉગ્ર અને ચેપી રોગ છે. વિષાણુ લોહી વાટે અથવા ચામડીમાંથી પ્રવેશીને સંવેદનચેતા વાટે ઉપર દર્શાવેલ ગંઠિકામાં પહોંચે છે. દર્દીની પ્રતિરક્ષાક્ષમતા ઘટે ત્યારે સંવેદનચેતાના ચામડીમાંના છેડાઓ પર, જે તે ચેતાના ચર્મપટ્ટા(dermatomes)માં ક્રમશ: પીડાકારક ફોલ્લીઓ, ફોલ્લાઓ અને ભીંગડાં દેખા દે છે. પંદરેક દિવસમાં તે આપમેળે શમે છે. ઉગ્ર પ્રતિરક્ષા-ઊણપવાળા(acute immunocompromised) દર્દીના શરીરમાં તે વ્યાપકપણે પ્રસરે છે અને જીવલેણ રૂપ ધારણ કરે છે. ચેતાપીડ(neuralgia)ને કારણે, ક્યારેક રોગ શમ્યા પછી પણ ઘણા મહિના સુધી દુખાવો રહી જાય છે. સારવાર અર્થે પીડાનાશકો અને પ્રતિજૈવ (antibiotic) ઔષધો અપાય છે. ચામડીના ફોલ્લા માટે એસાઇક્લોવીરનો મલમ મળે છે. શરીરમાં પ્રસરતા આવા જીવલેણ રોગ સામે એસાઇક્લોવીર તથા એડિનાઇન એરાબીનોસાઇડ ઔષધો પણ વપરાય છે. ક્યારેક આંખમાં પણ તકલીફ થાય છે. આ રોગના દર્દીને સારવાર માટે અલગ (isolated) રાખવામાં આવે છે અને પથારીમાં આરામ કરવા માટે સૂચવવામાં આવે છે. નખથી ખણવાથી ફોલ્લીઓ પાકી જાય છે. તરતના ચેપ લાગેલા બાળકમાં પ્રથમ ત્રણ દિવસમાં જો માનવપ્રતિરક્ષા-ગ્લોબ્યુલિન (human immune-globulin) અપાય તો તેનાથી રોગની ઉગ્રતા ઘટે છે. અછબડા સામેની રસી માટે સંશોધન ચાલી રહ્યું છે.

હરિત દેરાસરી