અચ્છન મહારાજ (જ. 1893, લમુહા, જિ. સુલતાનપુર; અ. 1946, લખનૌ) : સુપ્રસિદ્ધ કથક નૃત્યકાર. સુપ્રસિદ્ધ કથક નૃત્યકાર બિરજુ મહારાજના પિતા. એમણે કથક નૃત્યની તાલીમ એમના પ્રસિદ્ધ નૃત્યકાર કાકા મહારાજ બિન્દાદીન પાસેથી લીધેલી. બિન્દાદીનને સંતાન ન હોવાથી એમણે ભત્રીજા અચ્છનને પોતાનો નૃત્યકલાનો વારસો આપ્યો. અચ્છન મહારાજે કાકાનો કલાવારસો જાળવી રાખ્યો; એટલું જ નહિ, પણ પોતાની કલાથી એને અદકો યશ અપાવ્યો. અચ્છન મહારાજ વીસમી સદીના કથક નૃત્યના શ્રેષ્ઠ કલાકાર મનાયા છે.

તેઓ મુખભંગિ, નેત્રસંચાલન તથા હાથની મુદ્રાઓ દ્વારા વિભિન્ન ભાવ પ્રદર્શિત કરી દર્શકોને નૃત્યકલાના સૌંદર્યનો અનુભવ કરાવતા; ઘૂંઘરુંઓના ઝણકથી તબલાના જુદા જુદા બોલ પ્રદર્શિત કરતા. સામાન્યત: કથક નર્તક તીન તાલ, દાદરા તથા કહરવાનો પ્રયોગ કરે છે; પણ અચ્છન મહારાજ તો ધમાર, આડાચૌતાલ, સૂલ, બ્રહ્મ, ઝપ વગેરે તાલો પર પણ કલાકો સુધી નૃત્ય કરતા હતા.

એમણે એમના અંતિમ દિવસોમાં નૃત્યકલા પર એક ગ્રંથ પણ લખેલો, પણ એની હસ્તપ્રત ચોરાઈ ગયેલી એટલે એ ગ્રંથ પ્રગટ થઈ શક્યો નથી.

કૃષ્ણલીલાવિષયક નૃત્યોમાં એમની કલા પૂરી ખીલતી. બંસરીવાદન, ગોપીઓની વ્યાકુળતા, માખણચોરી, કોઈ ગોપી દર્પણની સાથે શણગાર સજતી હોય ત્યારે પાછળથી આવેલા કૃષ્ણને દર્પણમાં જોતાં ગોપીનું ચોંકવું, એ ઉપરાંત વાત્સલ્ય, શાંત, રૌદ્ર તથા વીરરસના ભાવો પણ સુચારુ રીતે દર્શાવતા.

એમણે બાળપણથી જ એમના પુત્ર બિરજુ મહારાજને તૈયાર કરવા માંડેલા. બિરજુ મહારાજે નૃત્યમાં આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા મેળવી છે, તે એમના પિતાની તાલીમને આભારી છે.

કૃષ્ણવદન જેટલી