નિયોડિમિયમ : આવર્તક કોષ્ટકના 3જા (અગાઉ IIIA) સમૂહમાં આવેલ લૅન્થેનાઈડ શ્રેણીમાંનું દુર્લભ મૃદાધાતુતત્વ. સંજ્ઞા Nd, પરમાણુક્રમાંક 60 તથા પરમાણુભાર 144.24. સામાન્ય રીતે તેને મોનેઝાઇટ, બેસ્ટ્નેસાઇટ, એલેનાઇટ જેવાં ખનિજોમાંથી મેળવવામાં આવે છે. ખનિજોનું ભંજન કરવા સલ્ફયુરિક ઍસિડ સાથે ગરમ કરવામાં આવે છે. 1885માં વેલ્સબાખે આ તત્વ શોધેલું. તેણે કહેવાતા ડિડિમિયમ(didymium) તત્વ(ખરેખર મિશ્રણ)ને વધુ ઝીણવટથી તપાસતાં તેમાંથી પ્રેસિયોડિમિયમ સાથે નિયોડિમિયમ પણ મળી આવ્યાં.

નિયોડિમિયમ નરમ, ટિપાઉ (malleable), પીળાશ પડતા રંગની ધાતુ છે. તેની ઘનતા 7.007 (25° સે.), ગ.બિં. 1021° સે. અને ઉ.બિં. 3068° સે. છે. તેના સાત કુદરતી સમસ્થાનિકો પૈકી 144Nd નિર્બળ વિકિરણોત્સર્ગી (α – ઉત્સર્જક) છે અને તેનો અર્ધજીવનકાળ 5 × 1015 વર્ષ છે. સામાન્ય તાપમાને ધાતુ હવામાં ધીરે-ધીરે ઉપચયન પામે છે. ઠંડા પાણીની પણ તેના ઉપર ધીમી અસર થાય છે. આથી તેને ખનિજ તેલ અથવા નિષ્ક્રિય વાયુમાં રાખવામાં આવે છે.

મંદ ઍસિડમાં તે દ્રાવ્ય છે. 200°થી 400° સે. તાપમાને તે હવામાં સળગી ઊઠે છે. તેનો ઑક્સાઇડ, Nd2O3, આછા વાદળી રંગનો પાઉડર છે. ઍસિડમાં ઓગાળતાં રાતા-જાંબલી રંગનું દ્રાવણ મળે છે.

નિયોડિમિયમનો ઉપયોગ Nd લવણો બનાવવામાં, ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગમાં, મિશ્રધાતુઓ બનાવવામાં વગેરેમાં થાય છે. મિશમૅટલ નામની મિશ્રધાતુ 18 % Nd ધરાવે છે અને તે લોખંડ અને પોલાદ બનાવવામાં વાયુ અપમાર્જક (scavenger) તરીકે વપરાય છે. Nd લવણો સિરેમિક ઉદ્યોગમાં કાચને રંગ આપવા તથા ગ્લેઝ કરવા માટે વપરાય છે. નિયોડિયમ ઉમેરેલા કાચનાં ગૉગલ્સ, ગ્લાસબ્લોઅર્સ દ્વારા વપરાતાં હોય છે. લેઝરના ઉત્પાદનમાં હવે નિયોડિમિયમ વપરાય છે.

આંખો અને છોલાયેલી ચામડી માટે તે પ્રકોપક (irritant) છે.

જગદીશ જ. ત્રિવેદી