નિયંત્રક અને નિયંત્રિત કંપની

January, 1998

નિયંત્રક અને નિયંત્રિત કંપની : અન્ય કંપની પર અંકુશ ધરાવતી  અને અન્ય કંપનીના અંકુશ નીચે રહેતી કંપની. અન્ય કંપનીની શૅરમૂડીના 50 % કરતાં વધારે હિસ્સાની માલિકી ધરાવતી હોય, અન્ય કંપનીમાં 50 % કરતાં વધારે મતાધિકાર ધરાવતી હોય, અથવા અન્ય કંપનીના સ્થાપનાપત્ર (memorandum of association) અને સ્થાપનાનિયમો(articles of association)ના આધારે તે કંપનીના ડિરેક્ટરોની બહુમતીને નીમવાની કે દૂર કરવાની સત્તા ધરાવતી હોય તેવી કંપની નિયંત્રક કંપની (holding parent company) કહેવાય છે. તેથી ઊલટું, જે કંપની ઉપર અન્ય કંપની અંકુશ ધરાવે તેને નિયંત્રિત કંપની (subsidiary company) કહેવાય છે. અન્ય કંપની ઉપર અંકુશ ધરાવવા સિવાય પોતાની જાતે બીજો ધંધો કે કાર્ય કરતી ન હોય તો તે કંપનીને માત્ર નિયંત્રક કંપની કહેવાય છે; પરંતુ જો તે અન્ય કંપની ઉપર અંકુશ ધરાવવા ઉપરાંત પોતાનો સ્વતંત્ર ધંધો કરતી હોય તો તે મિશ્રનિયંત્રક કંપની કહેવાય છે. કેટલીક વાર નિયંત્રક અને નિયંત્રિત કંપનીઓનો પિરામિડ બનતો હોય છે. જે કંપની પિરામિડની ટોચ ઉપર આવેલી હોય તેને પ્રાથમિક નિયંત્રક કંપની અથવા આખરી નિયંત્રક કંપની કહેવાય છે. જે કંપનીને પોતાની પેટાકંપની હોય અને તે પોતે પણ અન્ય કંપનીની પેટાકંપની હોય ત્યારે તેને વચગાળાની નિયંત્રક કંપની કહેવાય છે. જે કંપની પિરામિડના પાયામાં રહેલી હોય તે માત્ર પેટાકંપની કહેવાય છે અને નિયંત્રક કંપનીની સાંકળનો આવી પેટાકંપની આગળ અંત આવે છે.

નિયંત્રક કંપની પોતાના વાર્ષિક હિસાબો તથા સરવૈયું તૈયાર કરે ત્યારે તેણે પોતાના અહેવાલ સાથે નિયંત્રિત કંપનીના વાર્ષિક હિસાબો, સરવૈયું, નફાનુકસાન, સંચાલક મંડળનો અહેવાલ, ઑડિટર્સનો અહેવાલ અને નિયંત્રિત કંપનીમાં નિયંત્રક કંપનીના હિતની વિગતો જણાવવી પડે છે. જો આ વિગત મળી શકી ન હોય તો તે બાબતની સ્પષ્ટતા કરતું નિવેદન નિયંત્રક કંપનીએ તેના વાર્ષિક અહેવાલમાં સામેલ કરવું પડે છે. તેથી ઊલટું, નિયંત્રિત કંપનીએ પણ પોતાના વાર્ષિક અહેવાલમાં પોતાની અંતિમ નિયંત્રક કંપની કોણ છે અને કયા દેશમાં તે નોંધાયેલી છે તે અંગેની વિગતો જણાવવી પડે છે.

ધંધાકીય એકત્રીકરણના વિવિધ પ્રકારમાંથી એક પ્રકારમાં વસ્તુના ઉત્પાદનની જુદી જુદી પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા જુદા જુદા એકમોનું એકત્રીકરણ કરવામાં આવે છે; દા. ત., એક એકમ રૂમાંથી સૂતર કાંતતો હોય, બીજો એકમ સૂતરમાંથી કાપડ વણતો હોય અને ત્રીજો એકમ કાપડનું રંગકામ કરતો હોય તેના બદલે રંગીન સુતરાઉ કાપડનું ઉત્પાદન કરવા માટે સાદા કાપડનું ઉત્પાદન કરતી કંપની સૂતર કાંતતી કંપની અને રંગકામ કરતી કંપની એમ બંને કંપનીઓને આખેઆખી ખરીદી લેવાના બદલે તેમના 51 % શૅર ખરીદીને તેમના ઉપર અંકુશ મેળવી લે તો તે નિયંત્રક કંપની અને અન્ય બે નિયંત્રિત કંપનીઓનાં સ્વરૂપો અસ્તિત્વમાં આવે છે. આમ નિયંત્રક કંપની ધંધાકીય એકત્રીકરણનું આંશિક સ્વરૂપ છે અને ધંધાના એકત્રીકરણના વ્યાવહારિક લાભ મેળવવા માટેનું અગત્યનું સાધન છે. અન્ય કંપનીની બધી મિલકત ખરીદીને તેના ઉપર અંકુશ મેળવવો તેના કરતાં નિયંત્રક કંપનીના સ્વરૂપમાં અંકુશ મેળવવાની પદ્ધતિ સાદી અને ઓછી ખર્ચાળ છે. વળી ઉપલબ્ધ મૂડીભંડોળમાંથી વધારે કંપનીઓ ઉપર નિયંત્રણ મેળવી શકાય છે. આ પદ્ધતિમાં નિયંત્રણ હેઠળ લેવાયેલી મૂળ કંપની પોતાનાં આગવાં નામ અને ઓળખાણ ગુમાવતી ન હોવાથી તેની સ્થાનિક ધંધાકીય શાખનો લાભ પણ નિયંત્રક કંપનીને મળે છે. પ્રજાના વિરોધને લીધે સરકારો ધંધાકીય સંયોજનવિરોધી નીતિ અપનાવીને ઇજારાશાહી તોડવાના કાયદા કરે છે, ત્યારે ધંધાદારી લોકો વિવિધ કંપનીઓનું એકત્રીકરણ કરવાના બદલે અને પોતાના ધંધાકીય સંબંધો છુપાવવાના હેતુથી નિયંત્રક કંપનીઓ ઊભી કરે છે. એ રીતે નિયંત્રક કંપની ધંધાકીય જગતમાં લોકપ્રિય થતી હોય છે.

રોહિત ગાંધી