નિયમનવ્યાપ (span of control) : ધંધાકીય એકમમાં કર્મચારીઓ, સાધનો, પદ્ધતિઓ અને કાર્યપરિણામો ઉપર અસરકારક નિયમન રાખવા માટે નિશ્ચિત કરેલા માળખાનું કાર્યક્ષેત્ર. ધંધાકીય એકમમાં ઉત્પાદનનું કાર્યદક્ષ આયોજન કરવું હોય તો (1) કર્મચારીઓની સંખ્યા અને લાયકાત, (2) સાધનોની ઉત્પાદકતા અને ઉપયોગિતા, (3) પદ્ધતિઓ અને કાર્યવિધિઓની અસરકારકતા, તથા (4) વાસ્તવિક કાર્યપરિણામોની ગુણવત્તા અંગે વિચારણા કરીને નિયમનનાં ધોરણો પ્રસ્થાપિત કરવામાં આવે છે. નિયમનનો હેતુ સંચાલનની ક્ષતિઓ અને નબળાઈઓ તરફ અંગુલિનિર્દેશ કરીને તેમને સુધારવાનો અને તેમનું પુનરાવર્તન ન થાય તે જોવાનો છે. આમ નિયમનનો વ્યાપ (1) માનવસાધનલક્ષી, (2) અન્યસાધનલક્ષી, (3) પદ્ધતિ અને કાર્યવિધિલક્ષી અને (4) કાર્યપરિણામલક્ષી  એમ ચાર પ્રકારનો હોય છે.

માનવસાધનલક્ષી નિયમન : માનવતત્વની વિશિષ્ટ આવડત ધંધાકીય એકમની અસ્કામત છે. એકમમાં કામ કરતી તમામ વ્યક્તિઓ પોતપોતાની શક્તિઓનું ગુરુતમ યોગદાન આપે છે કે કેમ તેની ચકાસણી માટેના અહેવાલો, તેમના તરફથી મળતાં રચનાત્મક સૂચનો અને કામદાર કે કર્મચારીદીઠ ઉત્પાદનના આંકડાઓનું વિશ્લેષણ કરવાથી માનવસાધનોનું માપન થઈ શકે છે. આ માપન મુશ્કેલ હોવા છતાં પૂર્વગ્રહ વગર અને પરલક્ષી ધોરણે કરવામાં આવે તો તેના વિવિધ લાભ મળી શકે છે. આવું માપન સમગ્ર એકમના પ્રત્યેક વિભાગની નિષ્ઠા અને પ્રતિબદ્ધતા વિશે માહિતી પૂરી પાડે છે; ઉત્પાદનક્ષમતાની ઊણપો દૂર કરવામાં કેટલો સમય લાગશે તેનો અંદાજ આપી શકે છે. માનવસંગઠનમાં સુધારાવધારા કરવાથી મળવા-પાત્ર લાભ અંગે નિર્ણય લેવામાં ઉપયોગી નીવડે છે અને સમસ્યા વિશે સભાનતા કેળવીને તથા સચોટ નિદાન કરીને મજૂર સંબંધો વિકસાવવામાં મદદરૂપ થઈ શકે છે. વળી માનવસાધનનું મૂલ્યમાપન ગ્રાહકોમાં પેઢીની છાપનો અંદાજ અને એકમના કર્મચારીઓમાં સંઘભાવનાનો અંદાજ આપી શકે છે.

અન્ય સાધનલક્ષી નિયમન : ધંધાકીય એકમમાં સ્થળની પસંદગી, સ્થિર અને કાર્યશીલ મૂડીરોકાણના નિર્ણયો, ભંગારનું મૂલ્ય, યંત્રોનો વૈકલ્પિક ઉપયોગ, ગોદામોની જરૂરિયાત, કાચી માલસામગ્રીનો યથાયોગ્ય જથ્થો, જરૂરી સેવાઓની સમયસર પ્રાપ્તિ અને જાળવણી, કાચા અને તૈયાર માલના બગાડ, ગેરઉપયોગ કે ચોરીની રુકાવટ, બગાડ થયેલા કાચા માલમાંથી ફરીથી નવું ઉત્પાદન, ગુણવત્તામાં પરિવર્તન, બળતણની વપરાશમાં કરકસર, જાનમાલની સલામતી, પ્રદૂષણનું ન્યૂનતમ પ્રમાણ, ધોરણોને અનુરૂપ ઉત્પાદન, ઉત્પાદિત માલની વાજબી અને નફાકારક વેચાણકિંમત, લેણદાર અને દેવાદાર સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો વગેરે સંચાલકીય કાર્યો માનવેતર સાધનલક્ષી નિયમન વડે સફળતાપૂર્વક હાંસલ કરી શકાય છે.

પદ્ધતિ અને કાર્યવિધિલક્ષી નિયમન : ધંધાકીય એકમની પદ્ધતિ અને કાર્યવિધિ કર્મચારીઓને માનસિક થાક ન લાગે તેવી તથા સમય, શ્રમ અને સાધનોનો ઓછામાં ઓછો વ્યય થાય તેવી રખાય છે. કાર્યવિધિ લાંબી હોય તો કાગળકામ વધે છે, ઘરેડમાં વિચારવાની ટેવ પાડે છે અને વિલંબને ઉત્તેજન આપે છે. કાર્યો બેવડાતાં હોય અને કાર્યો વચ્ચે ઘર્ષણ સર્જાતું હોય તેવી પદ્ધતિ અને કાર્યવિધિ હોય તો તે અટકાવવાના પ્રયત્ન કરવા પડે છે. વળી તેમની પાછળ થતા ખર્ચ અને તેની ઉપયોગિતાનું વિશ્લેષણ કરીને તેમનામાં જરૂરી ફેરફાર કરવા પડે છે. જે પદ્ધતિઓ અને કાર્યવિધિઓ અપનાવવી હોય તેમને અસરકારક બનાવવા લેખિત સૂચનાઓ તૈયાર કરીને કર્મચારીઓને તેમના વિશે તાલીમ આપવામાં આવે છે.

કાર્યપરિણામલક્ષી નિયમન : કાર્યપરિણામનું માપન વ્યક્તિ, જૂથ, પેટા-વિભાગ, વિભાગ અને સમગ્ર એકમના સંદર્ભમાં થઈ શકે છે. વ્યક્તિ જૂથની વિરુદ્ધ વર્તન ન કરે, જૂથ પેટાવિભાગના ઉદ્દેશોની વિરુદ્ધમાં ન વર્તે, પેટાવિભાગ વિભાગીય હેતુ વિરુદ્ધની કામગીરી ન કરે અને બધા વિભાગો સમગ્ર એકમના હિતમાં પરસ્પર પૂરક કામગીરી કરે તેવી વ્યવસ્થા કરવા માટે કાર્યપરિણામલક્ષી નિયમન જરૂરી બને છે. આ માટે વિવિધ પદ્ધતિઓ પ્રચલિત છે. તેમાં (1) અંદાજપત્ર, (2) અહેવાલો, (3) વળતરના દરનું વિશ્લેષણ, (4) એકમનું સ્વઅન્વેષણ અને સંચાલકીય અન્વેષણ (management audit), (5) ઉત્પાદનની પડતર અને વેચાણ-કિંમત પર આધારિત આલેખ (graph) ઉપરથી ખોળવામાં આવતું સમતૂટ બિંદુ (break-even point), (6) માલસામગ્રીસંગ્રહ, તૈયાર માલનો સંગ્રહ, ઉત્પાદનમાં થતો બગાડ, કાર્યશીલ મૂડીનું સંચાલન વગેરે વ્યૂહાત્મક કેન્દ્રોનું વિશ્લેષણ અને (7) કાર્યક્રમ-મૂલ્યાંકન અને પુનરવલોકન-પદ્ધતિ (Programme Evaluation and Review Technique – PERT) મુખ્ય છે.

જયન્તિલાલ પો. જાની

બંસીધર શુક્લ