નિનવેહ (Nineveh) : હાલના ઇરાકમાં આવેલું એસિરિયા(એસિરિયન સામ્રાજ્ય)નું પ્રાચીન પાટનગર. બાઇબલના જૂના કરારમાં આ નગરનો ઉલ્લેખ છે. ઇરાકમાં આવેલા બગદાદની ઉત્તરે આશરે 370 કિમી. અંતરે ટાઇગ્રિસ નદીને પૂર્વ કાંઠે આજના મોસુલ શહેરની સામે તે વસેલું હતું. ભૌગોલિક સ્થાન : આશરે 36° 15´ ઉ. અ. અને 43° 0´ પૂ. રે.. આ સ્થળની ઉપલબ્ધ માહિતી અનુસાર તેના પ્રાગૈતિહાસિક અસ્તિત્વની તવારીખ ઈ. સ. પૂ. ઓછામાં ઓછાં 6000 વર્ષના કાળગાળામાં લઈ જાય છે. ઉત્તર મેસોપોટેમિયાના ફળદ્રૂપ મેદાનમાંથી વહેતી ટાઇગ્રિસ નદી પર તે મહત્વનું નગર હતું અને મોકાનું સ્થાન ધરાવતું હતું. તત્કાલીન રાજકર્તાઓએ ત્યાં થોડો થોડો વખત રાજ્ય ભોગવેલું. ઈ. સ. પૂ. ત્રીજી સહસ્રાબ્દી દરમિયાન તે એગેડ (Agade) અને ઉર(Ur)નાં સામ્રાજ્યોને તાબે હતું. ત્યારપછી બીજી સહસ્રાબ્દી દરમિયાન તે મિટાન્ની (Mitanni) અને કસાઇટ (Kassite) સામ્રાજ્ય હેઠળ હતું. ઈ. સ. બીજી સહસ્રાબ્દીના ઉત્તરાર્ધ કાળ દરમિયાન એસિરિયન સત્તાનો ઉદય થયો હતો. ઈ. સ. પૂ. 1800થી તે એસિરિયાની રાજધાની હતું. આ પ્રાચીન નગરનો ખરો ઇતિહાસ એસિરિયન કાળ સાથે શરૂ થાય છે. ઈ. સ. પૂ. 1700માં બૅબિલોનના રાજા હૅમ્મુરબીએ અહીંના એક મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. ઈ. સ. પૂ. 1276–1257 દરમિયાન શલમનીશ પહેલાએ આ જ મંદિરને ફરી વાર બંધાવ્યું હતું. તેણે નિનેવેહમાં રાજ્ય પણ કરેલું, જોકે તેણે પોતાનું નવું પાટનગર દર-શરૂકીન ખાતે બાંધેલું.

આશરે 500 વર્ષના ગાળા બાદ સારગોનનો અનુગામી સેનાચરીબ (ઈ. સ. પૂ. 705–681) પાછો નિનેવેહના પાટનગર ખાતે આવેલો. તેણે નિનેવેહને ‘મારું શાહી નગર (My Royal City)’ કહ્યું છે. તેણે આ નગરની પુનર્રચના કરી હતી અને પોતાને માટે ભવ્ય મહેલ બંધાવેલો. આ નગરને ફરતો 12 કિમી.થી વધુ લાંબો કોટ પણ બંધાવેલો. આ કોટને 15 મોટા દરવાજા હતા. ઉત્તર તરફના નેરગલ (Nergal) દરવાજાના પ્રવેશદ્વાર પર બે વિશાળકાય વૃષભનાં શિલ્પ હતાં (જેનો આજે જીર્ણોદ્વાર કરાવેલો જોવા મળે છે). આ કોટ નગરની અંદરના લગભગ 700 હેક્ટર વિસ્તારને આવરી લેતો હતો.

તેણે નહેરો દ્વારા શહેરને તથા બગીચાઓને પાણી પૂરું પાડવાની યોજના કરેલી. બગીચાઓમાં અલભ્ય છોડ તથા પ્રાણી-સંગ્રહાલય હતાં. તેણે મંદિરોનો પુનરુદ્ધાર કરેલો અને કેટલાક ભવ્ય રાજપ્રાસાદો પણ તૈયાર કરાવેલા. તેણે તૈયાર કરાવેલી નહેરનો એક ભાગ હજી આજે પણ આ નગરથી 40 કિમી. દૂર આવેલા જૅરવાન (Jarwan) ખાતે જોવા મળે છે.

આ પ્રાચીન નગરમાં બે ટિંબા હતા : મોટો અને મહત્વનો ટિંબો કુયુંજિક અને નાનો ટિંબો નેબી યૂનુસ તરીકે ઓળખાતો. મુખ્ય ટિંબાના નૈર્ઋત્ય ખૂણા પર સેનાચરીબનો રાજમહેલ હતો. ભવ્ય બાંધણીવાળા આ મહેલમાં 70થી 80 તો ખંડો હતા અને બધી મળીને 3,018 મીટર લંબાઈની થતી દીવાલો પર સુંદર નકશીકામ કરેલું હતું. સેનાચરીબના પુત્ર અને અનુગામી એસરહેડ્ડને (ઈ. સ. પૂ. 681–669) નાના ટિંબા પર મહેલ બાંધેલો; પરંતુ તેના રાજકાળનો ઘણો સમય તો બૅબિલોનનું નિર્માણ કરવામાં વીતેલો. તેના પુત્ર અને અનુગામી રાજા અસુર બનીપાલે (ઈ. સ. પૂ.  669–626) આ નગરની ભવ્યતાને તેમજ રાજ્યખજાનાને સમૃદ્ધિના શિખર પર લાવી મૂકેલાં. કુયુંજિક ખાતે અસુર બનીપાલે પણ રાજમહેલ બંધાવેલો. મહેલોની દીવાલો અને દરવાજા વિવિધ શિલ્પોથી અલંકૃત હતા. અસુર બનીપાલના મહેલની દીવાલો પર તેના રોજબરોજના જીવનનાં દૃશ્યો કંડારાયેલાં છે. અસુર બનીપાલે નિનેવેહ ખાતે સમૃદ્ધ પુસ્તકાલયની સ્થાપના કરી હતી. સારગોન બીજાના સમય સુધી નાબુના મંદિર ખાતે માત્ર એક જ પુસ્તકાલય અસ્તિત્વ ધરાવતું હતું. અસુર બનીપાલના સમયના નિષ્ણાતોએ તૈયાર કરેલું પુસ્તકાલય તેની વિશાળતા અને ખ્યાતિ માટે અજોડ ગણાય છે. એસિરિયા અને બૅબિલોનિયાના બધા જ ભાગોમાં નિષ્ણાતોને મોકલીને અસુર બનીપાલે ઐતિહાસિક, રાજકીય, વ્યાપારી, વૈજ્ઞાનિક અને ધાર્મિક દસ્તાવેજો માટીની તકતીઓ (clay tablets) પર તૈયાર કરાવેલા આ પુસ્તકાલયમાંથી મળેલી કેટલીક મૃદ્તક્તીઓ પર તો ત્યાં આવેલાં પૂરની માહિતી, મેસોપોટેમિયાનો ઇતિહાસ તેમજ પ્રાચીન બૅબિલોનિયા કેવી રીતે નિર્માણ પામેલું તેની હકીકતોની નોંધ પણ મળે છે. અહીંના તેના મહેલના રાજસિંહાસનવાળા ખંડનો થોડો પુનરુદ્ધાર પણ કરાયો છે. ક્યુનિફૉર્મ લિપિવાળી તકતીઓ મહેલમાંથી મળી આવી છે. કુયુંજિક ખાતે દેવી ઇશ્તાર અને નાબુનાં મંદિરો છે.

સેનાચરીબના અનુગામી એસિરિયન રાજાઓએ 3,000 વર્ષ પૂર્વેનાં બાંધકામોને સુધારાવધારા સાથે જાળવી રાખેલાં. આ બાંધકામો ઈ. સ. 200 સુધી તો જળવાઈ રહ્યાં હતાં. સુમેરિયન મહાકાવ્ય ‘ગિલ્ગમેશ’નો પાઠ (text) અને બૅબિલોનિયાના પ્રાચીન પ્રલયની કથા, સાહિત્યથી માંડીને શબ્દકોશ રચવાની કલા જેવા વિષયોને પણ મૃદ્તક્તીઓમાં સ્થાન મળેલું છે. પ્રાચીન મેસોપોટેમિયાનો આ સાંસ્કૃતિક ખજાનો એટલા માટે સમૃદ્ધ ગણાય કે તેમાં 20,000 જેટલી મૃદ્તક્તીઓ માહિતીસભર હતી. નેબી યૂનુસ ખાતે સેનાચરીબના અનુગામી એસરહેડ્ડનના શસ્ત્રાગારવાળા ભાગનું ઉત્ખનન થયું નથી. આ સ્થળ કુયુંજિકથી દક્ષિણે 1.6 કિમી. દૂર આવેલું છે. આજે તો આ ટિંબાના સ્થળ પર મકાનો બંધાયાં છે અને જોનાહની કબર ધરાવતી ખ્યાતનામ મસ્જિદ પણ છે.

મધ્યકાલીન યુગ સુધી તો આ સ્થળ નિનેવેહ તરીકે જાણીતું હતું, પુરાતત્વીય ઉત્ખનન કરીને તેની યથાર્થતાની પરખ કરાવવામાં આવેલી છે. બગદાદમાં રહેતા મૂળ બ્રિટનના નિવાસી ક્લૉડિયસ જેમ્સ રીચે 1820માં મોસુલની મુલાકાત લીધેલી અને ત્યાંની માહિતી એકત્રિત કરેલી. તે પછી તેણે 1836માં પ્રકાશિત કરેલ ‘Narrative of a Residence in Koordistan’ પરથી પુરાતત્વવિદોમાં આ સ્થળ માટે ઘણો રસ જાગેલો. તેણે અસુર બનીપાલનું સમૃદ્ધ પુસ્તકાલય પણ શોધી કાઢ્યું હતું. 1843માં ફ્રેન્ચ પૉલ એમિલ બોત્તાએ નેબી યૂનુસ અને કુયુંજિક ખાતે ઉત્ખનનના કેટલાક પ્રયાસ કરી જોયેલા, જેને વિક્ટર પ્લેસે પછીથી ચકાસી જોયેલા. 1845–51 દરમિયાન અંગ્રેજ પુરાતત્વવિદ ઑસ્ટિન હેન્રી લાયાર્દે સેનાચરીબના મહેલનાં ખંડિયેરો શોધી કાઢ્યાં. 1852–53માં હોરમુઝ રસ્સામે કુયુંજિક ખાતે લાયાર્દનું કાર્ય ચાલુ રાખેલું અને અસુર બનીપાલના મહેલનું સ્થાન શોધી કાઢેલું. આ મહેલમાં અસુર બનીપાલની સિંહના શિકારવાળી આકૃતિઓ મળેલી. પ્રાણીઓનાં શિલ્પો અને ચિત્રો એટલાં તો ભવ્ય અને વાસ્તવિકતાભર્યાં હતાં કે તેની વિવિધતાથી જ તત્કાલીન એસિરિયન કલાની રજૂઆત થાય છે. હાલના ઇરાકના પુરાતત્ત્વખાતાએ પણ કેટલુંક પુનરુદ્ધારનું કામ કર્યું છે. અહીંથી મળેલા અવશેષો પ્રાચીન એસિરિયા-મેસોપોટેમિયાની સંસ્કૃતિ ઉપર સારો પ્રકાશ પાડે છે.

આ સ્થળેથી મળેલા અવશેષો પૈકી ઘણાખરા પૅરિસમાંના લુવ્રનનાં અને લંડનમાંનાં સંગ્રહસ્થાનોમાં રખાયેલા છે. તેમાં અસુર બનીપાલનું સિંહનો શિકાર કરતું શિલ્પ નોંધપાત્ર છે.

ઈ. સ. પૂ. 612માં બૅબિલોનિયનો, મીડ અને સિથિયનોના સંયુક્ત આક્રમણથી નિનેવેહનો નાશ થયો અને આ આક્રમણ તેની અવનતિનું કારણ બની રહ્યું. આમ એસિરિયાના સમૃદ્ધ સામ્રાજ્યનો અંત આવ્યો. આ શહેરનો નાશ થશે એવી આગાહી પ્રાચીન ગ્રંથો ઝેફેનિયાહ-(ii : 13×15)માં અને નહુમનાં જુદાં જુદાં લખાણોમાં વર્ણવેલી છે.

શિવપ્રસાદ રાજગોર