નિપત્ર (brac) : વિશિષ્ટ પ્રકારનાં પર્ણ. તેમની કક્ષમાં પુષ્પ કે પુષ્પવિન્યાસ ઉદભવે છે. કેટલીક વાર પુષ્પવિન્યાસ દંડ અથવા પુષ્પદંડ ઉપર પુષ્પ અને નિપત્રની વચ્ચે વધારાની નિપત્ર જેવી નાની અને પાતળી રચના ઉદભવે છે, જેને નિપત્રિકા (bracteate) કહે છે. પુષ્પ કે પુષ્પવિન્યાસ નિપત્ર ધરાવતાં હોય તો તે નિપત્રી (bracteate) અને નિપત્રરહિત હોય તો તેમને અનિપત્રી (ebracteate) કહે છે. નિપત્રો ઘણી વખત કદ, રંગ, કાલાવધિ અને સંખ્યામાં જુદી જુદી જાતનાં હોય છે. સામાન્ય રીતે નિપત્રો નાનાં અને રંગે લીલાં હોય છે. તે કલિકાવસ્થામાં રહેલા પુષ્પ કે પુષ્પવિન્યાસને ગરમી, વરસાદ, કીટકો કે પક્ષીઓથી રક્ષણ આપવાનું કાર્ય કરે છે. કેટલીક વનસ્પતિઓમાં તે જુદાં જુદાં કાર્યો કરવા માટે રૂપાંતર પામે છે. તેના કેટલાક પ્રકારો નીચે પ્રમાણે છે :

(1) પર્ણાભ (foliaceous) : ઘણાં પુષ્પોનાં નિપત્રો પર્ણ જેવાં મોટાં અને લીલાં હોઈ પલ્લવપર્ણોને મળતાં હોય છે. હરિતકણયુક્ત હોવાથી તે પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે; દા. ત., અરડૂસી, જાસૂદ, વીંછી કાંટો (acalypha indica), ગંધાતુ (Cleome-gyandra).

(2) દલાભ (petaloid) : અમુક વનસ્પતિનાં પુષ્પો બહુ જ નાનાં હોઈ અસ્પષ્ટ બને છે. આવાં પુષ્પોનાં નિપત્રો વિસ્તૃત અને ઘેરા ચળકતા રંગનાં બને છે. આવાં રંગીન અને આકર્ષક નિપત્રોને દલાભ કહે છે. તે પરાગનયન માટે કીટક આકર્ષવાનું વિશિષ્ટ કાર્ય કરે છે; દા. ત., બોગનવેલ, પીળી લટકણવેલ, લાલપત્તી (આ. 1).

પીળી લટકણવેલમાં નિપત્રો મોટાં અને ઉપરની સપાટીએ રંગીન જ્યારે નીચેની સપાટીએ લીલાં હોય છે. નીચલી સપાટીએ રંગીન શિરાઓ સ્પષ્ટ દેખાય છે. આમ, આ નિપત્રને પર્ણાભ તેમજ દલાભ ગણાવી શકાય.

લાલપત્તી(Euphorbia pulcherrima)માં નિપત્ર લાંબાં અને ઘેરા લાલ રંગનાં બને છે, જ્યારે euphorbia heterophyllaમાં નિપત્ર નીચેના થોડા ભાગમાં રંગીન બની આકર્ષક બને છે. બાકી રહેલો મોટો ભાગ લીલો રહી પ્રકાશસંશ્લેષણ કરે છે.

(3) પૃથુપર્ણ (spathy bract) : ઘણી વનસ્પતિઓમાં આખા પુષ્પવિન્યાસને વીંટળાતું અને રક્ષણ આપતું નિપત્ર મોટું અને લીલું અથવા તો રંગીન અને ચવટ હોય છે. શૂકી અથવા તો માંસલ શૂકી પુષ્પવિન્યાસ ધરાવતી વનસ્પતિમાં આવાં પૃથુપર્ણો ખાસ જોવા મળે છે; દા. ત., અળવીમાં આખા પુષ્પવિન્યાસને વીંટળાતું અને રક્ષણ આપતું એક રંગીન મોટું નિપત્ર હોય છે (આકૃતિ 2). કેળના પુષ્પવિન્યાસમાં 7થી 10 પુષ્પોનાં ગુચ્છો એક પછી એક લાલ અને મોટાં નિપત્રના કક્ષમાં આવે છે અને રક્ષણ પામે છે. (આકૃતિ 3)

મકાઈના માદા પુષ્પવિન્યાસની બહાર આવેલાં લીલાં કે પીળાશ પડતાં લીલાં નિપત્રો પણ પૃથુપર્ણો જ છે. આ ઉપરાંત નારિયેળી, સોપારી, ખજૂરી, તાડપામ, શિવજટા વગેરેમાં પણ મોટાં, લીલાં અને કાષ્ઠમય પૃથુપર્ણો તેમના પુષ્પવિન્યાસને ઘેરી પુષ્પોનું રક્ષણ કરે છે.

(1) લાલપત્તીનાં દલાભ નિપત્ર, (2) અળવીનું પૃથુપર્ણ, (3) કેળનું પૃથુપર્ણ, (4) કેલેન્ડ્યુલામાં પરિચક્ર, (5) ગાજરમાં પરિચક્ર અને નિપત્રિકા ચક્ર, (6) સૂર્યમુખીમાં શલ્કી નિપત્ર, (7) ફેગ્રેરિયામાં ઉપવજ્ર, (8) બિંદકમાં પ્યાલાકાર નિપત્રો, (9) મકાઈની નર શૂકિકા.

(4) પરિચક્રીય નિપત્ર (involucral-bract) : ઍસ્ટેરેસી કુળની સૂર્યમુખી અને કેલેન્ડ્યુલા (આ. 4) જેવી વનસ્પતિના સ્તબક પુષ્પવિન્યાસની પશ્ચ બાજુએ પર્ણાભ નિપત્રો એક કે તેથી વધુ ચક્રોમાં ગોઠવાયેલાં હોય છે. નિપત્રોનાં આવાં ચક્રને પરિચક્ર (involucre) કહે છે. કેટલીક વાર આ નિપત્રોનો તલસ્થ ભાગ જોડાઈને કપ જેવી રચના બનાવે છે. એપીયેસી કુળમાં પણ આવાં પરિચક્ર જોવા મળે છે. ગાજર-(આ. 5)માં સંયુક્ત છત્રક પ્રકારનો પુષ્પવિન્યાસ જોવા મળે છે અને પુષ્પવિન્યાસના તલસ્થ ભાગે પરિચક્ર જોવા મળે છે. પુષ્પવિન્યાસની દરેક શાખાના તલસ્થ ભાગે પણ નાનાં નિપત્રોનું ચક્ર આવેલું હોય છે. તેને નિપત્રિકાચક્ર (involucel) કહે છે.

(5) શલ્કી નિપત્ર (scaly bract) : સ્તબક પુષ્પવિન્યાસનું પ્રત્યેક પુષ્પક (floret) મોટે ભાગે પરિચક્રીય નિપત્રો કરતાં જુદાં પોતાનાં શલ્કી નિપત્રો ધરાવે છે. નિલંબ શૂકી અને સાયેથિયમ પુષ્પવિન્યાસમાં પુષ્પકોની વચ્ચે અંત:પ્રકીર્ણ (interspersed) શલ્કી નિપત્રો પણ જોવા મળે છે. સૂર્યમુખીનાં બિંબપુષ્પકો આવાં નિપત્રોના કક્ષમાં હોય છે (આ. 6). આ પ્રકારનાં નિપત્રો નાનાં, પાતળાં અને રંગે સફેદ કે અર્ધપારદર્શક હોય છે.

(6) ઉપવજ્ર (epicalyx) : માલ્વેસી કુળના કપાસ અને જાસૂદમાં વજ્રની નીચે લીલી વજ્રસદૃશ નિપત્રિકાઓ ભ્રમિ રૂપે ગોઠવાયેલી હોય છે. નિપત્રિકાઓના આ સમૂહને ઉપવજ્ર કહે છે. સ્ટ્રૉબેરી(fragaria)માં પણ વજ્રપત્રોની નીચે ઉપવજ્ર જોવા મળે છે (આકૃતિ 7).

(7) પ્યાલાકાર (cupule) : ક્યુપ્યુલીફેરીમાં ઓક અને તેના જેવાં જ ફળો ધરાવતા ભોજપત્ર (Betula) અને બિંદક (Corylus) જેવી વનસ્પતિઓ પુષ્પના તલસ્થ ભાગે કંઈક અંશે પરિચક્ર જેવાં સખત અને કાષ્ઠમય નિપત્રો અથવા નિપત્રિકાઓ ધરાવે છે. ફળ પરિપક્વ થાય ત્યારે આ નિપત્રો એકબીજાં સાથે જોડાઈને પ્યાલાકાર રચનાનું નિર્માણ કરે છે (આકૃતિ 8).

(8) તુષનિપત્રો (glumes) : આ નિપત્રો સૂકાં અને કડક હોય છે, તથા શલ્કી નિપત્રોને મળતાં આવે છે. મકાઈ અને ઘઉં જેવી તૃણાદિ (poaceae) કુળની વનસ્પતિનાં પુષ્પોનું તે બહારથી રક્ષણ કરે છે. તેના શૂકિકા (spikelet) પ્રકારના પુષ્પવિન્યાસના તલસ્થ ભાગે બે મોટાં શલ્કી નિપત્રો આવેલાં હોય છે. તેમને બાહ્ય તુષનિપત્રો (glumes) કહે છે. આ શૂકિકાનું પ્રત્યેક પુષ્પ પુષ્પીય તુષનિપત્ર કે અધ:તુષ નિપત્ર(lemma)ની કક્ષમાંથી ઉદભવે છે જે અગ્રભાગે શૂક (awn) ધરાવે છે. પુષ્પાક્ષ પર આવેલ નાની પારદર્શક નિપત્રિકાને ઊર્ધ્વ તુષનિપત્ર (palea) કહે છે (આકૃતિ 9).

મનીષા દેસાઈ