નાશિકના ઘાટ : પેશવાઈ સ્થાપત્ય તથા સંસ્કૃતિના લાક્ષણિક નમૂનારૂપ ઐતિહાસિક ઘાટ. ભારતનાં પ્રમુખ પાંચ તીર્થોમાં મહત્વનું સ્થાન ભોગવતું નાશિક પશ્ચિમ કાશી તરીકે જાણીતું છે. ઈ. સ. 1747માં પેશવાઓએ નાશિક મુઘલો પાસેથી પાછું મેળવ્યું તે પછી નાશિકની મહત્તા ઘણી વધી. તે સમય દરમિયાન મરાઠાઓએ નાશિકમાં ઘણાં મંદિરો બાંધ્યાં અને ગોદાવરીના પૂર્વ કાંઠા પર ધાર્મિક સંસ્થાઓનો પણ ખૂબ જ વિસ્તાર થયો. કુલ નાનાંમોટાં મળીને લગભગ 200 સ્થાનો આ વિસ્તારમાં પ્રસરેલાં છે, જેમાં કાળા રામનું મંદિર સ્થાપત્યની દૃષ્ટિએ ઘણું જ અગત્યનું છે. તેનો 1782માં સરદાર રંગરાવ ઓઢેકરે જીર્ણોદ્ધાર કરેલો. આ મંદિરમાં મેષ અને તુલાના સંમિલન સમયે સૂર્યકિરણો સીધાં રામની પ્રતિમાના મુખ પર પડે તેવું આયોજન થયાનું મનાય છે. આ મંદિરના દ્વાર પર વસઈના કિલ્લામાંથી પ્રાપ્ત થયેલો બે મીટરના ઘેરાવાવાળો અને 2 ટન વજનનો ઘાતુનો ઘંટ અત્યંત પ્રસિદ્ધ છે. તેનો ઘંટારવ 4 કિમી. સુધી સાંભળી શકાય છે. નદીના ઘાટ પર સુંદર-નારાયણનું મંદિર, કપાલેશ્વર મંદિર, બાલાજી, ગોરારામ, નીલકંઠેશ્વર, મુરલીધર, તલમાંડેશ્વર, ભદ્રકાલી વગેરે મંદિરો આવેલાં છે. ઉપરાંત ઘાટના કિનારે સૂર્યનારાયણથી માંડી મુક્તેશ્વર મઠ સુધી અનેક પવિત્ર કુંડો આવેલા છે. આમાં લક્ષ્મણકુંડ, ધનુષ્યકુંડ, રામકુંડ, સીતાકુંડ, અહલ્યાકુંડ, સારંગપાણિકુંડ, મારુતિકુંડ અને નીલકંઠેશ્વર અને ગોરારામ મંદિરની સામે સૌથી વિશાળ દશાશ્વમેધકુંડ આવેલા છે. આ કુંડમાં સ્નાન કરવાનું ઘણું માહાત્મ્ય છે. આથી નાશિકના ઘાટ પર વર્ષ દરમિયાન શ્રદ્ધાળુઓનો ભારે ધસારો રહે છે. ગોવર્ધનગંગાપુરથી નાશિક સુધી ગોદાવરી પર 11 તીર્થો આવેલાં છે. ઘાટની નજીકના વિસ્તારોમાં ઐતિહાસિક વાડા અને ગઢીનું સ્થાપત્ય પણ પેશવાકાલીન સમાજની સંસ્કૃતિનાં સચોટ દૃષ્ટાંત પૂરાં પાડે છે.
રવીન્દ્ર વસાવડા