નાસદીય સૂક્ત

January, 1998

નાસદીય સૂક્ત : જગતસાહિત્યના પ્રાચીનતમ સંસ્કૃત ગ્રંથ ઋગ્વેદના 10મા મંડળના 129મા સૂક્તને ‘નાસદીય સૂક્ત’ એવા નામથી ઓળખવામાં આવે છે, કારણ કે તેનો આરંભ ‘નાસદ્’ એ શબ્દથી થાય છે. આ સૂક્ત ત્રિષ્ટુપ્ છંદમાં રચાયેલી સાત ઋચાઓ કે મંત્રોનું બનેલું છે. તેમાં પરમાત્મા કે પ્રજાપતિ દેવ છે. તેના પ્રથમ મંત્રમાં સૃષ્ટિસર્જન પહેલાં શું હતું અને સૃષ્ટિ શેમાંથી ઉત્પન્ન થઈ એવી શંકા કરવામાં આવી છે, સૃષ્ટિના મૂળ તત્વને જાણવાની ઇચ્છા વ્યક્ત થઈ છે. એ પછી એના વિશે ભાતભાતની સંભાવનાઓ તેના દ્રષ્ટા ઋષિએ વ્યક્ત કરી છે. અંતિમ મંત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે દેવોના પણ દેવ એવા કોઈક પરમાત્મા આ સૃષ્ટિના મૂળ તત્ત્વને જાણતા હશે કે કદાચ તે ના પણ જાણતા હોય. સંક્ષેપમાં, ઋષિએ અજ્ઞેયવાદનો ઉત્તર અંતે આપ્યો છે.

સૃષ્ટિના સર્જન કે સૃષ્ટિના મૂળ તત્વ વિશે વિચારણા કરતું હોવાથી આ નાસદીય સૂક્ત ઋગ્વેદના પુરુષસૂક્ત (10/90) અને હિરણ્યગર્ભસૂક્ત (10/121) જેવાં તત્વજ્ઞાનવિષયક સૂક્તોની યાદ આપે છે.

ઉપનિષદો ભારતીય તત્વજ્ઞાનના ગ્રંથો છે તેથી તેમને વેદનો જ્ઞાનકાંડ કહે છે. વેદને અંતે તે આવતા હોવાથી વેદાંત પણ કહેવાય છે. સંહિતાઓ અને બ્રાહ્મણગ્રંથો કર્મકાંડના ગ્રંથો છે. તેમાં જ્ઞાનકાંડની ચર્ચા કરતાં તત્વજ્ઞાનવિષયક ત્રણ-ચાર સૂક્તોમાં નાસદીય સૂક્ત ખૂબ અગત્યનું છે. તત્વજ્ઞાનના માયાવાદ, સદસદવાદ, રજોવાદ, વ્યોમવાદ, અપરવાદ, આવરણવાદ, અંભોવાદ, અમૃતમૃતવાદ, અહોરાત્રવાદ, દૈવવાદ, સંશયવાદ, અજ્ઞેયવાદ વગેરે સિદ્ધાન્તો આ સૂક્તમાં જોવાનો યત્ન પ્રાચીન સાયણાચાર્યથી આરંભી આધુનિક વિદ્વાનોએ કર્યો છે. પરિણામે તત્વજ્ઞાનનું પ્રારંભિક સ્વરૂપ બતાવતું આ સૂક્ત વિદ્વાનો અને તત્વજ્ઞાનીઓનું માનીતું છે.

પ્ર. ઉ. શાસ્ત્રી