નારાયણપાલ : ઈ. સ.ની 9મી સદીમાં થયેલ બંગાળના પાલ વંશનો રાજા. ઈ. સ.ની 8મી સદીમાં બંગાળમાં પાલ વંશનું રાજ્ય સ્થપાયું હતું. તેની સ્થાપના ગોપાલ નામના રાજાએ કરી હતી. એ પોતે બૌદ્ધ-ધર્મી હતો અને એના વંશજો પણ બૌદ્ધ ધર્મ પાળતા હતા. એણે લગભગ ઈ. સ. 750થી 770 સુધી રાજ્ય કર્યું. એના પછી એના પુત્ર ધર્મપાલે 770થી 810 સુધી અને ધર્મપાલ પછી એના પુત્ર દેવપાલે 810થી 850 સુધી દક્ષિણના રાષ્ટ્રકૂટો સાથે તથા પશ્ચિમના પ્રતિહારો સાથે લડાઈઓ કરીને બિહાર તથા બંગાળમાં મોટું સામ્રાજ્ય જમાવ્યું હતું. દેવપાલ પછી ધર્મપાલના નાના ભાઈ વાક્પાલનો પુત્ર વિગ્રહપાલ સત્તા પર આવ્યો. તેણે ત્રણચાર વર્ષ રાજ્ય કરીને રાજગાદીનો ત્યાગ કરી સાધુજીવન સ્વીકાર્યું. એના પછી એનો પુત્ર નારાયણપાલ રાજા બન્યો, જેણે લગભગ 54 વર્ષ રાજ્ય કર્યું. તે શાંત અને ધાર્મિક સ્વભાવનો હોવા છતાં શૂરવીર હતો.
ઈ. સ. 860 પછી થોડા સમયમાં રાષ્ટ્રકૂટોએ નારાયણપાલ પર હુમલો કરી તેને હરાવ્યો. આ તકનો લાભ લઈને પ્રતિહાર રાજાઓ ભોજ તથા મહેન્દ્રપાલે દક્ષિણ બિહાર (મગધ) અને ઉત્તર બંગાળ જીતી લીધાં. આસામના રાજા હર્જરે અને ઓરિસાના શૈલોદભવોએ પણ પોતાને સ્વતંત્ર જાહેર કર્યા. આમ, નારાયણપાલે પોતાના સામ્રાજ્યનો મોટો ભાગ ગુમાવ્યો; પરંતુ આ સમયે રાષ્ટ્રકૂટોએ પ્રતિહારોના પ્રદેશ પર આક્રમણ કરતાં પ્રતિહારોને એ તરફ પોતાની શક્તિ કેન્દ્રિત કરવી પડી. તેનો લાભ લઈને નારાયણપાલે તેના શાસનના 54મા વર્ષ પહેલાં એટલે કે ઈ. સ. 908 પહેલાં પ્રતિહારો પાસેથી ઉત્તર બંગાળ અને દક્ષિણ બિહાર જીતી લીધાં. રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ 2જાના પુત્ર જગતતુંગની પુત્રીનાં લગ્ન નારાયણપાલના પુત્ર રાજ્યપાલ સાથે કરવામાં આવ્યાં. નારાયણપાલ 908માં મૃત્યુ પામ્યો; પરંતુ એ પહેલાં એણે બંગાળ અને બિહાર ફરીથી જીતી લીધાં. આમ, નારાયણપાલે એક વાર પોતાનું સામ્રાજ્ય ગુમાવીને ફરીથી પાછું મેળવ્યું હતું. તેના અવસાન પછી તેનો પુત્ર રાજ્યપાલ રાજા બન્યો હતો.
મુગટલાલ પોપટલાલ બાવીસી