નાયર, એસ. ગુપ્તન્ (જ. 22 ઑગસ્ટ 1919, કિશનપુરમ્, જિ. ક્વિલોન, કેરળ; અ. 6 ફેબ્રુઆરી 2006, તિરુવન્તપુરમ) : મલયાળમ ભાષાના વિવેચક. તેમના નિબંધસંગ્રહ ‘તિરંજેદૂત પ્રબંધગલ’ને 1983ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો હતો. મલયાળમ ભાષામાં ઑનર્સ સાથે બી.એ.ની ડિગ્રી મેળવ્યા પછી તેમણે સંશોધનકાર્ય હાથ ધર્યું. પછી ત્રાવણકોર ખાતેની યુનિવર્સિટી કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. 1978માં કાલિકટ યુનિવર્સિટીમાંથી મલયાળમ ભાષાના પ્રાધ્યાપકપદેથી તેઓ નિવૃત્ત થયા અને કેરળ સાહિત્ય અકાદમીમાં જોડાયા. તેમણે પ્રગટ કરેલાં 12 પુસ્તકોમાં 5 અનુવાદનાં છે. સાહિત્યિક વિવેચનના તેમના પુસ્તક ‘ઇસમગલકપ્પુરમ્’ને 1967માં કેરળ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. સ્વામી વિવેકાનંદના સમગ્ર સાહિત્યની મલયાળમ આવૃત્તિના તેઓ સંપાદક હતા. તેમણે આધ્યાત્મિક સામયિક ‘સન્નિધાનમ્’ના તંત્રી તરીકે પણ સેવા આપી હતી.
વિવેચન માટેની વેધક સૂઝ, બાંધછોડ વિનાનો સમતોલ અભિપ્રાય અને પ્રાસાદિક ગદ્યરીતિના કારણે તેમનો પુરસ્કૃત નિબંધસંગ્રહ મલયાળમ સાહિત્યમાં ગણનાપાત્ર રહ્યો છે.
મહેશ ચોકસી