નાયર એમ. ટી. વાસુદેવન્

January, 1998

નાયર, એમ. ટી. વાસુદેવન્ (. 15 જુલાઈ 1933, કૂડલ્લૂર, જિ. પાલક્કાડ, દક્ષિણ મલબાર–કેરળ) : મલયાળમ ભાષાના વાર્તાકાર, નવલકથાકાર અને પત્રકાર. 1995માં ભારતનો સર્વશ્રેષ્ઠ સાહિત્યિક જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો. કૉલેજના છેલ્લા વર્ષમાં ભણતા હતા ત્યારે પ્રગટ થયેલો એમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘રક્તમ્ પુરન્ટા, મંતરિકળ’(લોહીથી રંગાયેલી રેતી)ને કેરળ સાહિત્ય એકૅડેમીનો પુરસ્કાર મળેલો. તેમનો જન્મ નીચલા મધ્યમવર્ગના ખેડૂતકુટુંબમાં થયેલો. એમના ગામની પ્રાકૃતિક સુંદરતા એમનાં લખાણોને પ્રેરણાદાયી બનેલી. ગામ ખૂબ જ ગરીબ. તેમાં દુકાળ, વાવાઝોડાં જેવી કુદરતી આફતો તથા ભૂખમરો, જીવનની આવશ્યક ચીજોનો અભાવ વગેરેનો દુ:ખદ અનુભવ એમને થયો. એમને પ્રાથમિક  શાળામાં પણ આશરે ત્રણેક કિમી. (બે માઈલ) પગે ચાલીને જવું પડતું. માધ્યમિક શાળામાં આવતાં છાત્રાલયમાં રહેવાનું થયું. એ સમયમાં જાણીતા કવિ અક્કિન્થમનો પરિચય થયો. એમની પાસેથી વિવિધ પ્રકારનાં પુસ્તકો લઈને એમણે વાંચવા માંડ્યાં. મૅટ્રિક પાસ થઈ પાલઘાટની વિક્ટોરિયા કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. કૉલેજના અભ્યાસકાળ દરમિયાન એમણે કવિતા લખવા માંડેલી. કૉલેજના છેલ્લા વર્ષમાં હતા ત્યારે ‘ન્યૂયૉર્ક હેરલ્ડ ટ્રિબ્યૂને’ વિશ્વવાર્તા સ્પર્ધા યોજી હતી, તેમાં એમણે વાર્તા મોકલેલી તેને પ્રથમ ઇનામ મળેલું. આ રીતે એક કૉલેજના વિદ્યાર્થી તરીકે એમણે પોતાની આગવી સાહિત્યિક પ્રતિભાનો પરિચય કરાવેલો. એ વાર્તા હતી ‘વળરત્તુ મૃગડગળ’ (પાળેલું પશુ). કૉલેજના છેલ્લા વર્ષમાં હતા ત્યારે એમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘રક્તમ્ પુરન્ટા, મંતરિકળ’ 1953માં પ્રગટ થયો. એમ. એ. થઈ શરૂઆતમાં કૉલેજમાં અધ્યાપન કર્યું. પછી ‘માતૃભૂમિ’ સમાચારપત્રમાં જોડાયા. જેમાં પછીથી ‘માતૃભૂમિ’ જૂથનાં પ્રકાશનોના એ તંત્રી પણ બનેલા. આ સમયે એમને કેરળના ગ્રામવિસ્તારનો કપરો અનુભવ થઈ ચૂક્યો હતો. એટલે એને આધારે એમણે એમની પહેલી નવલકથા ‘નાલુકેટ્ટુ’ (પૂર્વજોનું ઘર) (1954) રચી, જેમાં વિશેષત: કેરળના નાયર સમુદાયમાં છેલ્લા શ્વાસ લેતા માતૃસત્તાક સમાજનું ચિત્રણ છે. એમાં અપમાન, આક્રોશ તથા વેરભાવનાનું પ્રભાવક નિરૂપણ છે. એ એમની પહેલી નવલકથાને કેરળ સાહિત્ય એકૅડેમીનું પારિતોષિક મળ્યું. એમની બીજી નવલકથા ‘અસુરવિત્તુ’ (અસુરબીજ) (1962) પહેલી નવલકથાના અનુસંધાનમાં છે. એ નવલકથામાં પ્રતિનાયક ગોવિંદકુટ્ટિ પોતાના પિતા, કુટુંબ અને સગાંવહાલાંને એક એક કરતાં છોડતો જાય છે, અને પરંપરિત ઢાંચાને તોડે છે. એ પોતાના વ્યક્તિત્વને ખોળવા પ્રયત્ન કરે છે, પણ એમાં નિષ્ફળ જાય છે.

એમ. ટી. વાસુદેવન્ નાયર

સ્ત્રી અને પુરુષના એકાકીપણાને વાચા આપતી નવલકથા ‘કાલમ્’ (1969) એમની એક યશસ્વિની કૃતિ છે. એ ચેતનાપ્રવાહ-શૈલીમાં લખાઈ છે અને નાયિકા અથથી ઇતિ સુધી આત્મનિરીક્ષણ કરતી રહે છે. એ કૃતિને 1977માં સાહિત્ય એકૅડેમીનો વર્ષના શ્રેષ્ઠ મલયાળમ પુસ્તક તરીકે ઍવૉર્ડ મળ્યો હતો. એમની નવીનતમ નવલકથા ‘રંટામૂષમ્’(નવો વળાંક) (1984)ને વયસાર અને બીજા અનેક પુરસ્કારો મળ્યા. એ એમની પહેલાંની નવલકથાઓ કરતાં ભિન્ન પ્રકારની છે. તેમાં મહાભારતમાંથી કથાનક લીધું છે અને પૌરાણિક પાત્રોને માનવીય રૂપ આપ્યું છે. એમાં ભીમ, હિડિંબા અને ઘટોત્કચ ઉપેક્ષિત પાત્રો તરીકે રજૂ થયાં છે. એમણે 9 નવલકથાઓ લખી છે.

એમના 18 વાર્તાસંગ્રહો પ્રગટ થયા છે. એમની વાર્તાઓમાં ઉત્તરોત્તર વિષયવસ્તુ તથા શૈલીના વિવિધ પ્રયોગો થયેલા દેખાય છે. ટૂંકી વાર્તામાં ‘ઇરુત્તીન્દે આત્માવુ’ (1957), ‘કુન્તીદાતી’ (1959) તથા ‘વાનપ્રસ્થમ્’ (1992) તેમજ ‘કતિકાન્તે કલા’ (1984) એ નિબંધસંગ્રહ મુખ્ય છે. એમણે ‘ગોપુરનટચિલ’ (મંદિરના દ્વાર પર) જેવાં નાટકો પણ લખ્યાં છે. તેને નાટ્ય એકૅડેમીનો ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. એમણે નિબંધો અને વિવેચનાત્મક લેખો લખીને સંગૃહીત કર્યા છે. પ્રવાસકથાના એમના બે સંગ્રહો છે. એમણે બાળસાહિત્ય પણ આપ્યું છે. એમણે સ્મૃતિકથા લખી છે. એ ઉપરાંત એમણે સિનેમાની પટકથાઓ પણ લખી છે, જે પૈકી ‘નિર્માલ્યમ્’ ફિલ્મના પટકથાલેખન માટે એમને પુરસ્કૃત કરવામાં આવ્યા છે. નૅશનલ ફિલ્મ ઍવૉર્ડ(1946)ના એ ચૅરમૅન હતા.

વાસુદેવન્ કેરળ સાહિત્ય અકાદમીના પ્રમુખ, કેન્દ્રીય સાહિત્ય અકાદમીના મલયાળમ માટેના સલાહકાર બૉર્ડના સભ્ય (1993–97) રહેલા.

તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (1970), કેરળ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (1959, ’78, ’81), ભારતીય જ્ઞાનપીઠ ઍવૉર્ડ (1995) જેવાં સન્માન મળ્યાં છે. તેમણે યુરોપ, યુ.કે., યુ.એસ., ચીન, જાપાન તથા રશિયાનો પ્રવાસ કર્યો છે. કાલિકટ યુનિવર્સિટીએ 1996માં ડી. લિટ્ની માનાર્હ પદવી એનાયત કરી હતી. 1996માં મહાત્મા ગાંધી યુનિવર્સિટીએ પણ એેમને ડૉક્ટરેટની ઉપાધિ આપી હતી. 2005માં ભારત સરકાર દ્વારા એમને ‘પદ્મભૂષણ’નો ખિતાબ મળ્યો હતો.

ચન્દ્રકાન્ત મહેતા