નાયકર, રામસ્વામી (. 17 સપ્ટેમ્બર 1879, ઈરોડે; . 24 ડિસેમ્બર 1973, વલાર) : દક્ષિણ ભારતના સમાજસુધારક અને દ્રવિડ આંદોલનના અગ્રણી નેતા. જન્મ કન્નડ નાયકર કોમના સમૃદ્ધ કુટુંબમાં થયો હતો. તેમનાં માતા-પિતા ચિન્નથાઈ અમ્મલ અને વેન્કટપ્પા નાયકર રૂઢિચુસ્ત હિંદુ હતાં. તે રામસ્વામીનો ઉછેર રૂઢિચુસ્ત પ્રણાલી મુજબ કરવા માગતાં હતાં; પરંતુ તેમાં તેમને સફળતા ન મળી. રામસ્વામીએ સ્થાનિક શાળામાં ત્રણ વર્ષ અભ્યાસ કર્યો; પરંતુ તેમના શિક્ષકે તેમને ભણવા માટે યોગ્ય ન હોવાનું જણાવ્યું. તેથી તેમના પિતાએ તેમને વ્યવસાયમાં સામેલ કર્યા.

યુવાન વયમાં જ રામસ્વામીએ ગરીબ, કચડાયેલા અને દલિત લોકોમાં રસ દાખવ્યો. તેમણે તેમનાં દુ:ખનાં કારણો શોધવા માટે હિંદુ ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો. તેમની તર્કબુદ્ધિ મુજબ આ ધર્મશાસ્ત્રોની જુદી જુદી કૃતિઓમાં વિસંગતતા અને પરસ્પરવિરોધી વિધાનો જણાતાં હિંદુ ધર્મમાંથી તેમની શ્રદ્ધા ઊઠી ગઈ.

ઈરોડેમાં તેમણે સામાજિક સમાનતા અને અસ્પૃશ્યતાનાબૂદીનું આંદોલન શરૂ કર્યું. તેઓ ઈરોડેની મ્યુનિસિપલ કાઉન્સિલમાં ચૂંટાયા અને તેના પ્રમુખ તરીકે તેમણે સુધારાપ્રવૃત્તિને વેગ આપ્યો. રામસ્વામી પી. વરદરાજુલુ નાયડુ અને વી. ઓ. ચિદમ્બરમ્ પિલ્લાઈની અસર હેઠળ સ્વાતંત્ર્ય-આંદોલનમાં અને સી. રાજગોપાલાચારીના કહેવાથી તેઓ કૉંગ્રેસમાં જોડાયા. કૉંગ્રેસમાં જોડાવાનું તેમના માટે બીજું કારણ એ હતું કે દેશની સ્વતંત્રતા ઉપરાંત સમાજનવરચના, દારૂબંધી, અસ્પૃશ્યતાનિવારણ વગેરે કૉંગ્રેસના રચનાત્મક કાર્યક્રમોમાં તેમને ખાસ રસ હતો. તેમણે કૉંગ્રેસને નાણાકીય સહાય પણ કરી. 1920માં તેઓ અસહકારના આંદોલનમાં જોડાયા અને કેદની સજા ભોગવી. 1922 માં તેઓ મદ્રાસ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ચૂંટાયા. પરંતુ બ્રાહ્મણોના વર્ચસવાળા જૂથે તેમની સામે અવિશ્વાસનો ઠરાવ પસાર કર્યો. તે માટેનું કારણ એ હતું કે તેમણે ત્રાવણકોર રાજ્યમાં હરિજનો પર મૂકવામાં આવેલા અંકુશો સામે થયેલા વૈકોમના સત્યાગ્રહમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો. ઉપરાંત તેમણે તિરુનેલ્વેલીના સરમાદેવીમાં કૉંગ્રેસ સંચાલિત ગુરુકુલમાં બ્રાહ્મણેતર કોમના લોકો પ્રત્યે દાખવવામાં આવતા ભેદભાવનો વિરોધ કર્યો હતો. તેમણે વહીવટી તંત્ર અને ધારાસભામાં પછાત જાતિઓ માટે અલગ બેઠકોની માગણી કરી. આમ તેઓ બ્રાહ્મણોના વિરોધી બન્યા અને કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું.

રામસ્વામી નાયકર

1925માં તેમણે કચડાયેલી કોમોનાં હિતોની સુરક્ષા માટે ‘સેલ્ફ રિસ્પેક્ટ મૂવમૅન્ટ’ – સ્વમાન આંદોલન  શરૂ કર્યું. 1931માં તેમણે સોવિયેત રશિયા તથા યુરોપના બીજા દેશોની મુલાકાત લીધી. તે પછી તેઓ એવા નિર્ણય પર આવ્યા કે દેશના ભૂખે મરતા કરોડો લોકોની મુશ્કેલીઓને હલ કરવાનો ઉપાય ધર્મ કે અધ્યાત્મવાદમાં નથી, બલકે ભૌતિકવાદી અભિગમમાં છે. 1933 માં તેમણે લોકોને બ્રિટિશ રાજ સામે વિદ્રોહ કરવા ઉશ્કેર્યા, તેથી તેમને જેલની સજા થઈ.

1934 પછી તેમણે રાજકીય સ્વતંત્રતા આંદોલન કરતાં સામાજિક ક્રાંતિ માટેની પ્રવૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેઓ હિંદુવાદ અને સમાજમાં બ્રાહ્મણોના વર્ચસના વિરોધી બન્યા. 1937માં તેમણે સૌપ્રથમ હિંદીભાષાવિરોધી આંદોલન શરૂ કર્યું અને તે માટે સી. રાજગોપાલાચારીની સરકારે તેમને જેલમાં પૂર્યા. તેઓ જેલમાં હતા તે દરમિયાન તેમને જસ્ટિસ પાર્ટીના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા. 1944માં તેમણે જસ્ટિસ પાર્ટીને દ્રવિડ કળગમ(દ્રાવિડી સમવાયતંત્ર)માં પુનર્ગઠિત કરી. દ્રવિડ કળગમ પક્ષે સાર્વભૌમ અને જ્ઞાતિવિહીન દ્રવિડનડુ સ્થાપવાનું એલાન કર્યું, પરંતુ 1949માં દ્રવિડ કળગમ પક્ષના ઘણા સભ્યો અન્નાદુરાઈના નેતૃત્વ હેઠળ મદ્રાસ વિધાનસભામાં ચૂંટણી લડવાના હેતુથી છૂટા પડ્યા. તેમ છતાં તેમનો પ્રભાવ ચાલુ રહ્યો. તેમણે રાજગોપાલાચારીની સરકારની જ્ઞાતિ-આધારિત વ્યવસાયી શિક્ષણ યોજનાનો વિરોધ કર્યો અને તેના પરિણામે 1953માં કામરાજ પ્રધાનમંડળની રચના કરવામાં આવી. 1967ની ચૂંટણીમાં દ્રવિડ મુનેત્ર કળગમ પક્ષને વિજય પ્રાપ્ત થયો. તેને તેમણે પોતાના જીવનકાર્યની સફળતા તરીકે ગણાવ્યો.

જાન્યુઆરી, 1971માં નાયકરે વહેમોની નાબૂદી માટે અધિવેશન બોલાવ્યું. તેમાં તેમણે ધર્મ, જ્ઞાતિ કે ભાષાના ભેદભાવ પર આધારિત નીતિને નાબૂદ કરવાનો અનુરોધ કર્યો. તેમણે હિંદુ દેવોને આપવામાં આવતા ‘રક્ષણ’ને નાબૂદ કરવા અને ધાર્મિક રીતરિવાજની ટીકા કરવાના અધિકારની માગણી કરી. તેમણે ધર્મને વહેમ તરીકે જ ગણાવ્યો. બૌદ્ધિક અભિગમનો પ્રચાર કરવા માટે તેમણે આખા દેશનો પ્રવાસ ખેડ્યો હતો. તે માટે ઘણાં નાટકો યોજ્યાં અને ઘણાં ચોપાનિયાં પ્રકાશિત કર્યાં. તેમનાં મહત્વનાં સામયિકોમાં ‘કુદિવરસુ’ (લોકોની સરકાર), ‘પુરત્ચી’ (વિદ્રોહ), ‘પુકુથરિયુ’ (વિવેક) અને ‘વિદુથલાઈ’(મુક્તિ)નો સમાવેશ થતો હતો. તેમણે રૂઢિચુસ્ત લોકોને આઘાત પમાડવા માટે દેવ-દેવીઓની મૂર્તિઓને ખુલ્લી રીતે અપમાનિત કરી કે ખંડિત કરી. તેમનો હેતુ તો સમાજમાં સમાનતા લાવીને લોકોને દરેક પ્રકારના શોષણમાંથી મુક્ત કરવાનો હતો, પરંતુ તે માટે તેમણે અપનાવેલી પદ્ધતિ વિવાદાસ્પદ હતી. દક્ષિણ ભારતમાં લોકો તેમને ‘થન્થાઈ’ (પિતા) અને ‘પેરિયાર’ (મહાત્મા) તરીકે માન આપતા હતા.

ર. લ. રાવળ