નાયક, વાડીલાલ શિવરામ

January, 1998

નાયક, વાડીલાલ શિવરામ (. 1882, વડનગર; . 30 નવેમ્બર 1947, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી સંગીતશાસ્ત્રવિદ. નાટક, અભિનય અને સંગીતની ભૂમિકાવાળી ભોજક જ્ઞાતિમાં જન્મ. પિતા શિવરામ નાયક સારંગીવાદક હતા. નવી શરૂ થયેલી મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં શિવરામ નાયક 1889માં જોડાયા અને સાથે પુત્ર વાડીલાલને મુંબઈ લઈ ગયા. એક વાર પિતાએ સાંભળેલી કોઈ બંદિશ ગાવાનું કહેતાં બાળક વાડીલાલે ઉસ્તાદ રહેમતઅલીખાનની આબેહૂબ નકલ કરીને ગાયું. આથી પિતાએ વાડીલાલ માટે સંગીતની વ્યવસ્થિત તાલીમ માટે વિચાર્યું. મૂળ મુરાદાબાદના ઉસ્તાદ નઝીરખાન પાસે મુંબઈમાં તેમની આશરે ચાર વર્ષ તાલીમ ચાલી અને તે પછી વાડીલાલ 1898માં નાટકમંડળીમાં પાછા જોડાઈ ગયા.

વાડીલાલ શિવરામ નાયક

નાટકમંડળીમાં તેમનું મુખ્ય કામ નાટકનાં ગીતોની તરજો બાંધવાનું હતું. આને લગતી સઘળી પ્રવૃત્તિઓનો ક્રમ ઘણી વાર એવો રહેતો કે વાડીલાલ તરજ બાંધે અને કવિ મૂળશંકર મૂલાણી તેને અનુરૂપ કાવ્ય રચે. મૂલાણીનાં બધાં નાટકોનાં ગીતોની તરજો વાડીલાલની રહેતી; પરંતુ આ તરજોમાં શાસ્ત્રીય રાગોની ક્રમે ક્રમે મેળવેલી તેમની ઊંડી સમજ, લોકઢાળો અને લોકગીતો સાથેનો તેમનો ગાઢ પરિચય – આ સઘળાંનો સુંદર સુમેળ સાંભળવા મળતો. સંગીતકાર તરીકેના તેમના વ્યાવસાયિક જીવનમાં વાડીલાલે કુલ 42 નાટકોનાં ગીતોની તરજો બાંધી હતી. આ કાર્ય મહદંશે મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં થયું. થોડાક સમય પછી મુંબઈ ગુજરાતી નાટકમંડળી બંધ થતાં તેમણે થોડો સમય લક્ષ્મીકાંત નાટક સમાજ તથા સુબોધ નાટક મંડળીમાં 1932 સુધી કામ કર્યું હતું.

નાટકમંડળીમાં કામ કરતાં કરતાં વાડીલાલે શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં અજોડ ગણાય તેવી સિદ્ધિ પ્રાપ્ત કરી. શાસ્ત્રીય સંગીતની વધુ વ્યવસ્થિત અને ગહન તાલીમ માટે તેઓ 1903માં ઉત્તર હિંદુસ્તાની સંગીતપદ્ધતિના પ્રકાંડ પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે પાસે ગયા. આ માટે સંસ્કૃત ભાષાનું જ્ઞાન અનિવાર્ય હોઈ એક બાજુ મુંબઈની દેવકરણ નાનજી સંસ્કૃત પાઠશાળામાં તેમણે સંસ્કૃતનું શિક્ષણ લેવું શરૂ કર્યું તો બીજી બાજુ પંડિત ભાતખંડે પાસેથી બંદિશો, રાગો, રાગવ્યવસ્થા અને સંગીતશાસ્ત્રની તાલીમ શરૂ કરી. આ તાલીમ વર્ષો સુધી વિસ્તૃત અને ઘનિષ્ઠ પ્રકારની રહી. આ બધાંના પરિણામે રાગો, બંદિશો, ગાયનની પ્રક્રિયા, ઉસ્તાદી ગાયનની ખાસિયતો, ઘરાણાવ્યવસ્થા  આ સર્વે ઉપરનાં વાડીલાલનાં અવલોકનો તલસ્પર્શી, હૃદયંગમ અને પ્રતીતિકારક રહ્યાં. એમની ગાયેલી કોઈ પણ બંદિશમાં સંગીતનો ઇતિહાસ જ જાણે સાંભળવા મળતો!

1932માં વાડીલાલે નાટકમંડળી છોડી. શરૂઆતમાં વાંસદા સંસ્થાનમાં સંગીતના અધ્યાપન અર્થે રહ્યા, પણ 1935–36માં અમદાવાદમાં સ્થિર થયા. અહીં શેઠ અંબાલાલ સારાભાઈનાં પુત્રી ગીતાબહેનને તથા હવેલી સંગીતક્ષેત્રના જાણીતા ગાયક કલાકાર ચંપકલાલ નાયકને સંગીતની તાલીમ આપી.

નાટકસંગીતના ક્ષેત્ર ઉપરાંત ઉત્તર હિંદુસ્તાની સંગીતપદ્ધતિનાં  ક્રમિક પુસ્તકો ભાગ 1થી 6 માટે બંદિશોનાં સ્વરાંકનો, રાગોના આલાપ, સંગીતવિષયના દરેક પુસ્તકની પ્રસ્તાવના, ગોઠવણી, છાપકામ વગેરેમાં વાડીલાલે પંડિત ભાતખંડે સાથે રહીને અનન્ય સેવા બજાવી. તેમની સંગીતક્ષેત્રની ઉપર્યુક્ત સેવાઓની  કદર કરી તેમને મેરીઝ મ્યુઝિકલ કૉલેજે ‘સંગીતાચાર્ય’ની પદવી આપી.

હૃષીકેશ પાઠક