નાન્કિંગ : ચીનનું જૂનું પાટનગર. પૂર્વ ચીની સમુદ્રથી પશ્ચિમે આશરે 320 કિમી. અંતરે મધ્ય-પૂર્વ ચીનના ભૂમિભાગમાં યાંગત્ઝે નદીના દક્ષિણ કાંઠે આવેલું ચીનનું મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર. કિઆન્ગશુ પ્રાંતનું પાટનગર અને મુખ્ય શહેર. ભૌગોલિક સ્થાન : 32° 03´ ઉ. અ. અને 118° 47 ´ પૂ. રે. તે નાન્ચિંગ કે નાન્જિંગ નામથી પણ ઓળખાય છે. ચીની ભાષામાં તેનો અર્થ ‘દક્ષિણનું પાટનગર’ એવો થાય છે. મૂળ શહેરનું ક્ષેત્રફળ તો માત્ર 31 ચોકિમી. હતું, પરંતુ પરાંઓ સહિત નગરપાલિકાનો કુલ વિસ્તાર હવે 6598 ચોકિમી. જેટલો થયો છે. શહેરનો કેટલોક ભાગ 32 કિમી. લંબાઈની દીવાલથી આરક્ષિત છે.

ભૂપૃષ્ઠ : આ શહેર 120થી 500 મીટર ઊંચાઈવાળી ટેકરીઓથી ઘેરાયેલું છે. શહેરની પશ્ચિમે યાંગત્ઝે નદી આવેલી છે. વચ્ચે વચ્ચે ઘણા ટાપુઓ ધરાવતું ક્સવાન્વુ (Xwanwu) સરોવર, મોચાઉ (Mochou) સરોવર તેમજ ઝિગીન (Zigin) પહાડ અહીં આવેલાં છે.

આબોહવા : અહીંની આબોહવા ગરમ અને ભેજવાળી રહે છે. ઉનાળા ગરમ અને શિયાળા ઠંડા હોય છે. મે માસનું તાપમાન 37° સે. જેટલું અને જાન્યુઆરીનું તાપમાન ઓછામાં ઓછું જાય ત્યારે 14° સે. થઈ જાય છે. સરેરાશ વાર્ષિક વરસાદ 970 મિમી. જેટલો પડે છે. વરસાદના દિવસો 124 જેટલા રહે છે. ભેજનું પ્રમાણ 74% રહે છે.

આર્થિક પ્રવૃત્તિઓ, ખેતી : સહકારી ધોરણે ચાલતાં મોટાભાગનાં ખેતરો શહેરની બહારના ભાગમાં આવેલાં છે. ત્યાં ડાંગર, કપાસ, ઘઉં, શાકભાજી તેમજ અમુક પ્રમાણમાં અન્ય પાકો ઉગાડાય છે.

ઉદ્યોગો : અહીં સેંકડોની સંખ્યામાં ઉત્પાદકીય એકમો આવેલા છે. યાંગત્ઝે નદી પર પુલનું બાંધકામ થયા પછી આ શહેર ઉદ્યોગવિકાસ માટેનું મુખ્ય કેન્દ્ર બની ગયેલું છે. શાંઘાઈ શહેરને સમકક્ષ વિદેશી વેપાર અહીં પણ વિકસ્યો છે. મુખ્ય પેદાશોમાં સિમેન્ટ, રાસાયણિક ખાતરો, યંત્રસામગ્રી, દવાઓ, રસાયણો, વીજાણુ સાધનો, ચિનાઈ માટીની ચીજ-વસ્તુઓ, પૉર્સેલીન તથા મુખ્ય ઉદ્યોગોમાં પ્રથમ ક્રમે આવતો ટ્રક-ઉદ્યોગ, લોખંડપોલાદ-ઉદ્યોગ, સુતરાઉ કાપડ-ઉદ્યોગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પેટ્રોલિયમ રિફાઇનરી, કોલસા-આધારિત વિદ્યુતઊર્જામથક પણ અહીં છે. હસ્તકારીગરીમાં ભરતકામ, શાહી પોશાકો અને વાનગીઓનો સમાવેશ થાય છે. લોખંડ-પોલાદના ઉદ્યોગ માટે જરૂરી લોહધાતુખનિજોની ખાણો નજીકમાં આવેલી છે.

ડૉ. સુન યાત-સેનની કબર, નાન્કિંગ

પરિવહન : શહેરથી ઉત્તર તરફ બેજિંગને અને પૂર્વ તરફ શાંઘાઈને જોડતો રેલમાર્ગ છે. શહેરના ઉત્તર ભાગમાં ક્સીઆગુઆન (Xiaguan) બંદર આવેલું છે, ત્યાં ઘણા ઘાટ છે અને બારું 30થી 48 મીટર જેટલું ઊંડાઈવાળું છે. આ શહેર પૂર્વ ચીની સમુદ્રથી 320 કિમી. અંદરના ભાગમાં આવેલું હોવા છતાં, અહીં સુધીનો યાંગત્ઝે નદીનો પટ પહોળો હોવાથી, ઘણાં વહાણો અહીં સુધી આવીને લાંગરી શકે છે. અહીં અગાઉ બંદર તરીકે ઉપયોગમાં લેવાતા ક્સીઆગુઆનથી પુકોઉ જવા માટે ફેરી સેવા ઉપલબ્ધ હતી, પરંતુ હવે 1968માં નદી પર પાંચ કિમી. લાંબો, બે માળવાળો પુલ બાંધવામાં આવ્યો છે, જેના પર નીચેના ભાગમાં રેલમાર્ગ અને ઉપરના ભાગ પર સડકમાર્ગ પસાર થાય છે, ત્યારથી ઘણી સગવડ થઈ ગઈ છે. મોટાભાગની પેદાશોની હેરફેર ટ્રકો મારફતે થાય છે, તેમ છતાં કેટલાક માલસામાનની હેરફેર ગાડાં મારફતે પણ થાય છે. મોટાભાગના લોકો સાઇકલનો વધુ ઉપયોગ કરે છે તો બાકીના જાહેર બસો મારફતે અવરજવર કરે છે.

નગરવ્યવસ્થા અને ઐતિહાસિક સ્થળો : શહેરની મધ્યમાં સરકારી કાર્યાલયો, બે સંગ્રહાલયો અને એક સ્ટેડિયમ આવેલાં છે. બહાર તરફ વસ્તીના આવાસો અને વેપારી સંકુલો – દુકાનો આવેલાં છે. મોટાભાગની વસ્તી દુકાનોના ઉપરના માળ પર રહે છે. શહેરની આજુબાજુ રક્ષણ માટે બાંધેલી અગાઉની કિલ્લેબંધીના અવશેષો હજી આજે પણ જોવા મળે છે. મિંગ વંશના એક રાજવીની કબર સાદી પણ મોટી અને મજબૂત બાંધણીવાળી છે; તેનાથી અલગ પડી આવતી, 1912માં જેણે ચીનને પ્રજાસત્તાક બનાવવામાં મદદ કરેલી તે ડૉ. સુન યાત-સેનની કબર ભવ્ય છે. આ બંને કબરો 460 મીટર ઊંચા ‘પર્પલ પહાડ’ની તળેટીમાં આવેલી છે. પહાડની ઉપર ખગોલીય વેધશાળા છે. સુન યાત-સેનની કબર સામે સામાજિક હેતુઓ માટે કે પ્રસંગો ઊજવવા માટે શ્વેત આરસમાંથી બાંધેલો, ભૂરાં નળિયાંની છતવાળો વિશાળ ખંડ આવેલો છે. શહેરના દક્ષિણ ભાગમાં કૉન્ફ્યુશિયસ મંદિરની આજુબાજુ, ક્વીન હુઈ નદી પર પ્રવાસીઓ માટે આનંદપ્રમોદ માટેનું મથક વિકસાવવામાં આવેલું છે. ક્સવાન્વુ અને મોચાઉ સરોવરો રમણીય છે તેમજ નૌકાવિહારની સુવિધાવાળાં છે, તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેલાં છે. શહેરની મધ્યમાં આવેલી એક નાની ટેકરી પર ‘ડ્રમ ટાવર’ છે. મિંગ રાજવીઓના સમયમાં અહીં ઢોલ વગાડીને લડાઈની જાહેરાત થતી, તેના અવશેષ જ હવે રહ્યા છે. દક્ષિણ તરફના પરામાં ‘યુ હવા તાઈ’ નામની ‘વર્ષાપુષ્પ અગાશી’ (Rain Flower Terrace) નામથી જાણીતી બનેલી  એક ટેકરી છે, ત્યાં રંગબેરંગી ઉપલો(pebbles)ની સરસ ગોઠવણી જોવા મળે છે. એક દંતકથા મુજબ લિયાંગ વંશ(907-922)ના રાજવી વુતીના સમયમાં, તે જ્યારે બૌદ્ધ સૂત્રોનો પાઠ કરતો ત્યારે સ્વર્ગમાંથી એકાએક વરસેલાં જળબુંદ સાથે પુષ્પપાંખડીઓ અહીં પડેલી, જે પછીથી ઉપલોમાં ફેરવાઈ ગયેલી છે.

વસ્તી-શિક્ષણ : નાન્કિંગની વસ્તી 93,14,685 (2020), જ્યારે બૃહદ શહેરની વસ્તી 96,48,136 જેટલી (2020) હતી. શહેરમાં નાન્કિંગ યુનિવર્સિટી છે, જે વૈજ્ઞાનિક ઢબે ખેતીવાડી અંગેની દોરવણી આપે છે. સામ્યવાદીઓના સત્તારૂઢ થયા પછી અહીં શિક્ષણ અંગેની પુનર્વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં સંશોધન માટે ટૅકનિકલ યુનિવર્સિટી, ભૂસ્તરીય સંસ્થા, ખેતીવાડી-વનવિદ્યા માટેની સંસ્થા, ફાર્મસી કૉલેજ, જળયોજના માટેની ઇજનેરી કૉલેજ અને વૈમાનિકી કૉલેજ તથા મેડિકલ કૉલેજ જેવી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે.

ઇતિહાસ : સંભવત: ઈ. સ. પૂર્વે આઠમી અને પાંચમી સદી વચ્ચેના ગાળા દરમિયાન અહીં વસવાટ શરૂ થયાની માહિતી મળે છે, ત્યારે તે ગિનલિંગ તરીકે ઓળખાતું હતું. હૅન વંશ (ઈ. સ.પૂર્વે 206 થી ઈ. સ. 25) દરમિયાન તે તાનયાંગ નામથી જાણીતું હતું, તેમજ તે પછીથી તેનાં જુદાં જુદાં નામ બદલાતાં રહેલાં. તે ઈ. સ. 420થી 1421ના ગાળા દરમિયાન ઘણા સ્થાનિક રાજવંશોની રાજધાની રહેલું, પરંતુ 589 પછીના ઘણા લાંબા સમય માટે વિદેશીઓ માટે આ પ્રદેશ અજાણ્યો રહેલો. મિંગ વંશના સ્થાપક ચુ યુઆન ચાંગે 1368માં ચીનના ઘણા વિસ્તાર પર આધિપત્ય જમાવેલું અને આ સ્થળને ટિયાન ફુ નામ આપી પાટનગર બનાવ્યું. તેણે શહેરના વિકાસનું આયોજન કરેલું. આજે ખંડિયેર દેખાતી શહેર ફરતી દીવાલ (12થી 18 મીટર ઊંચી, 6થી 12 મીટર જાડી અને ખાઈઓથી  રક્ષાયેલી) બાંધેલી. મિંગ રાજવંશે 1368 થી 1644 સુધી અહીં શાસન કરેલું. મિંગ વંશના રાજવીએ જ આ સ્થળને – નાન્કિંગને તેના અર્થ મુજબ ‘દક્ષિણની રાજધાની’ તરીકે સ્થાપ્યું હતું. ત્રીજા મિંગ રાજવીએ રાજધાનીના સ્થળને ચીનના ઉત્તર ભાગમાં આજના બેજિંગ (પેકિંગ) ખાતે ખસેડ્યું હતું, તેમ છતાં તેનો કેટલોક વહીવટ ટિયાન ફુ અથવા નાન્કિંગ અથવા જિયાન્જિંગ ખાતે પણ રાખેલો.

1842માં બ્રિટિશરોએ આ પ્રદેશનો કબજો મેળવ્યા પછી ચીનના આ વિસ્તારની પશ્ચિમની દુનિયાને જાણ થઈ. 1853થી 1864 સુધી આ શહેર તાઇપિંગ બળવાખોરોનું મથક રહેલું. 1853માં તાઇપિંગ બળવા વખતે બળવાખોરોએ તે સમયના મંચુ રાજવીઓ પાસેથી નાન્કિંગ પર કબજો જમાવેલો અને તેને પોતાની રાજધાની તરીકે જાહેર કરેલું. જોકે મંચુ શાસકોએ 1864માં નાન્કિંગ પર ફરી અંકુશ સ્થાપ્યો હતો.

1912માં ચીનની રાષ્ટ્રીય ક્રાંતિ સાથે મંચુ વંશનો અંત આવ્યો અને નાન્કિંગને નવા સ્થપાયેલા ચીની પ્રજાસત્તાક તંત્રની રાજધાની બનાવવામાં આવી. ચીનને પ્રજાસત્તાક બનાવવામાં ડૉ. સુન યાત-સેને મહત્વનો ફાળો આપેલો અને થોડા વખત (ત્રણ માસ) માટે પ્રમુખ તરીકે તેમણે વહીવટ પણ સંભાળેલો ત્યારપછી સુન યાત-સેને યુઆન શિકાઈની તરફેણમાં રાજીનામું આપ્યું. નવા પ્રમુખે બેજિંગથી વહીવટ કરવા માંડેલો; પરંતુ નાન્કિંગમાં ઊંચા પર્વતો, ઊંડાં જળ અને વિશાળ મેદાની વિસ્તાર હોઈ ચીનના રાજકીય વહીવટી સ્થાન માટે નાન્કિંગ જ રક્ષણ પૂરું પાડવા માટેનું યોગ્ય સ્થળ છે એવી ઇચ્છા સુન યાત-સેને તેમના પ્રમુખપદ વખતે વ્યક્ત કરેલી. 1928થી 1937 સુધી નાન્કિંગ પ્રજાસત્તાક ચીનની રાજધાનીનું સ્થળ રહેલું. 1937માં ચીન પરના જાપાની આક્રમણ વખતે જાપાની દળોએ આ શહેર પર કબજો જમાવેલો, હત્યાકાંડ આચરેલો અને તેના ઘણા ભાગનો નાશ પણ કરેલો. ત્યારે સરકારી વહીવટ ચોંગકિંગ (યાંગત્ઝે નદીથી ઉપરવાસમાં 1930 કિમી. દૂર) ખાતે લઈ જવાયો હતો, જે બીજા વિશ્વયુદ્ધ સુધી ત્યાં રહ્યો હતો. 1945ના સપ્ટેમ્બરની 9મી તારીખે જાપાન ચીનને શરણે આવ્યું અને આ શહેરનો કબજો પાછો આપ્યો. 1946માં તે ફરીથી ચીનની રાજધાની બન્યું. 1949માં ચીનમાં સામ્યવાદી ક્રાંતિ થઈ, સામ્યવાદી સરકારે બેજિંગને રાજધાની બનાવ્યું અને નાન્કિંગ પ્રાદેશિક સરકારનું કેન્દ્ર બની રહ્યું. 1928થી 1937ના દાયકા દરમિયાન તેમજ 1950 પછી આ શહેરે બાંધકામક્ષેત્રે, રસ્તા, નદી, બંદર તેમજ શૈક્ષણિક ક્ષેત્રે ઘણો વિકાસ સાધ્યો છે. તે ચીનનું મહત્ત્વનું ઔદ્યોગિક કેન્દ્ર બન્યું છે.

ર. લ. રાવળ

ગિરીશભાઈ પંડ્યા