નાનો કલકલિયો (Common Kingfisher) : એશિયા, યુરોપ, ઉત્તર આફ્રિકા તેમજ ભારતમાં નાનાં-મોટાં જળાશયો અને નદી-નાળાંના વિસ્તારોમાં સહેલાઈથી જોવા મળતું પંખી. તે ચળકતા રંગવાળું સુંદર પંખી છે. તેનું શાસ્ત્રીય નામ છે : Alcedo atthis. Linnaeus તેનો સમાવેશ Palecaniformes શ્રેણી અને Phalacrocoracidae કુળમાં થાય છે. તેનું કદ ચકલી કરતાં થોડું મોટું, એટલે કે 18 સેમી. જેટલું હોય છે. ભારતમાં બધે જોવા મળે છે.

નાનો કલકલિયો

નાનો કલકલિયો દેખાવે બટકો હોય છે, પણ તેના કદના પ્રમાણમાં ચાંચ ઠીક ઠીક લાંબી, ભારે, કાળી અને અણીદાર હોય છે. તેનાં કપાળ, માથું, ગરદન, પીઠ અને પાંખો ઘેરા ચળકતા વાદળી રંગનાં હોય છે. પાંખોમાં લીલા રંગની ઝાંય જોવા મળે છે. ગળા નીચેથી છાતી, પેટ ને પેડું – બધાં જ નારંગી લાલ રંગનાં હોય છે. ચાંચના મૂળથી આંખ પર થઈને ગાલ પર અડધે સુધી નારંગી અર્ધ ચંદ્રાકાર પટો હોય છે; તે પટો ત્યાંથી ખભા સુધીમાં સફેદ હોય છે. ચાંચના મૂળથી જ મૂછના દોરા જેવો વાદળી પટો ખભા સુધી જાય છે. તેનાં દાઢી અને ગળું સફેદ હોય છે.

તેના પગ ટૂંકા અને રતૂમડા હોય છે. તેના માથા પર કાળી અને સફેદ ઝીણી રેખાઓ હોય છે. નર અને માદા રંગે સરખાં હોય છે. તેના ભભકદાર રંગનો સાચો ખ્યાલ તો તેને સૂર્યપ્રકાશમાં જોતાં આવે છે.

તે પાણી ઉપર ઝળૂંબતી ઝાડ કે છોડની ડાળી પર કે પાણીમાં ઊગેલ છૈયા કે ભેખડ જેવાં સ્થળોએ બેઠો બેઠો માથું ઊંચુંનીચું કરતો પાણીમાં નજર રાખતો રહે છે અને સપાટી ઉપર જેવી માછલી દેખાય કે તે તરત ત્રાંસી ડૂબકી મારીને તેને પકડી લે છે અને ડાળે બેસી તેને ગળી જાય છે. ક્યારેક પાંખો હલાવતો સ્થિર ઊડ્યા કરે, ચાંચ અને નજર શિકાર પર રાખે અને શિકાર દેખાતાં સીધો જ ઊંધે માથે તેના પર ખાબકે છે. તે જમીન કે પાણીથી 30થી 60 સેમી. ઊંચે ‘સર્ર્ર્ર્’ કરતો ને ‘ચીઈ…..કીઈ…….’ એવો અવાજ કરતો સીધી ઉડાન કરે છે.

તેનો ખોરાક માછલી ઉપરાંત દેડકાનાં બચ્ચાં અને બીજી જીવાત છે. પાણી-કાંઠાની ભેખડોમાં, કાંઠાની ઊભી દીવાલમાં તે 30થી 120 સેમી. ઊંડું દર કરીને મોટો દડા જેવો માળો કરે છે અને 5થી 7 સફેદ ઈંડાં મૂકે છે. તેનો પ્રજનન-કાળ ફાગણથી જેઠ માસનો ગણાય છે. નર અને માદા બંને 28થી 29 દિવસ સુધી ઈંડાં સેવે છે. તેનાં બચ્ચાં 45 દિવસે આંખો ખોલે છે અને 50–60 દિવસે ઊડતાં થાય છે.

તે લગોડી જેમ ઊડે છે તેથી તેનું દેશી નામ લગોડી છે.

બળદેવભાઈ કનીજિયા