નાણાકીય ગુણોત્તરો

January, 1998

નાણાકીય ગુણોત્તરો : નાણાકીય પત્રકોની કોઈ પણ બે મહત્વની માહિતી વચ્ચેનો આંકડાકીય આંતરસંબંધ. નાણાકીય પત્રકોના જુદા જુદા બે આંકડાની સરખામણી કરીને એકબીજાનું પ્રમાણ શોધવું એટલે કે બે રકમોનો ભાગાકાર કરવો તે ગુણોત્તર કહેવાય છે. ઉદાહરણ તરીકે રૂ. 1,00,000ના વેચાણ સામે રૂ. 25,000 કાચો નફો થયો હોય તો કાચા નફાનો ગુણોત્તર 25 % કહેવાય છે. કંપનીની ચાલુ મિલકતો રૂ. 4,00,000 હોય અને ચાલુ દેવાં 2,00,000 હોય તો તે બે વચ્ચેનો સંબંધ 2:1નો છે અને તે ચાલુ ગુણોત્તર કહેવાય છે. નાણાકીય ગુણોત્તરોનું વિશ્લેષણ વિવિધ હેતુઓ માટે ઉપયોગી છે. કંપનીના પોતાના પાછલા વર્ષના નાણાકીય ગુણોત્તર સાથે ચાલુ વર્ષના નાણાકીય ગુણોત્તર સરખાવવાથી ધંધામાં સુધારો કે બગાડ થઈ રહ્યો છે તેનું વલણ જાણી શકાય છે અને ભવિષ્યની આગાહી કરી શકાય છે. નાણાકીય ગુણોત્તરની મદદથી કંપનીની કાર્યદક્ષતા વધારવા અને પડતર કિંમતમાં કરકસર કરવા પગલાં વિચારી શકાય છે તેમજ કંપનીનું કાર્ય વર્ષારંભે નક્કી કરેલા અંદાજપત્રો પ્રમાણે થઈ રહ્યું છે કે કેમ તેનો ખ્યાલ મેળવી શકાય છે. કંપનીના ઉત્પાદન જેવું ઉત્પાદન કરતી અન્ય કંપનીઓના અને તે પ્રકારના સમસ્ત ઉદ્યોગના આદર્શ નાણાકીય ગુણોત્તર સાથે કંપનીના નાણાકીય ગુણોત્તરની સરખામણી કરીને યોગ્ય માર્ગદર્શન મેળવી શકાય છે. કંપનીની નફાકારકતા અને આર્થિક સધ્ધરતાના ગુણોત્તરની મદદથી રોકાણકાર કંપનીના શૅર અથવા ડિબેન્ચર ખરીદવા, લેણદાર કાચા માલનું ઉધાર વેચાણ કરવા અને બૅંક લાંબા કે ટૂંકા ગાળાનું ધિરાણ આપવા નિર્ણય લઈ શકે છે.

નાણાકીય ગુણોત્તરના વિશ્લેષણની કેટલીક મર્યાદાઓ પણ છે. કંપનીના માત્ર એક વર્ષના ગુણોત્તરની ઉપયોગિતા ખૂબ ઓછી છે. તેના પાછલા વર્ષના આંકડા અને ચાલુ વર્ષના આંકડા અને બની શકે તો તેવો ધંધો કરતી અન્ય કંપનીના આંકડાની સરખામણી કરવી જોઈએ. તેના અભાવે દૃઢ નિર્ણય લઈ શકાતો નથી. નાણાકીય ગુણોત્તરો પરથી અનુમાન બાંધતા અગાઉ અર્થતંત્રની સામાન્ય પરિસ્થિતિ, ઉદ્યોગની પરિસ્થિતિ, બજાર-પરિસ્થિતિ, કોઈ નવીન વસ્તુની પ્રસ્તુતિ, સ્થાનિક પરિબળો વગેરેની અસરો પણ ધ્યાનમાં લેવી જરૂરી છે. અન્ય ગુણોત્તરોને ધ્યાનમાં લીધા વિના ફક્ત એક ગુણોત્તર ઉપરથી કરેલું અનુમાન કોઈ વાર ગેરમાર્ગે દોરે છે. જુદી જુદી કંપનીઓ પોતે નક્કી કરેલી રૂઢિ મુજબ હિસાબો તૈયાર કરતી હોવાથી તેવા હિસાબો ઉપરથી બનાવેલાં નાણાકીય પત્રકોના આધારે તૈયાર કરેલા ગુણોત્તરોની સરખામણી સ્વાભાવિક રીતે ખોટાં અનુમાનો તરફ દોરી જાય છે. વળી અમુક ગુણોત્તરોને ચુસ્તપણે વળગી રહેવાનું વલણ સંચાલક અપનાવે તો ઘણી નફાકારક તકો જતી કરવી પડે છે. બે અસંબંધિત વિગતો પરથી શોધેલા ગુણોત્તર, ઉદાહરણ તરીકે, ઉત્પાદનના પડતર ખર્ચ અને વેચાણ ખર્ચ વચ્ચેનો ગુણોત્તર, તદ્દન અતાર્કિક અને નિરુપયોગી હોય છે. ભાવસપાટીમાં વર્ષોવર્ષ વધારો થતો રહેતો હોવાથી અગાઉના વર્ષના વેચાણ અને મિલકતોના ગુણોત્તરની સરખામણીમાં ચાલુ વર્ષનો ગુણોત્તર વધારે હોવાનો સંભવ છે. આવા બંને ગુણોત્તરોની સરખામણી કરવી મુશ્કેલ બને છે. કુલ આંકડાઓનો અનાદર કરીને માત્ર ગુણોત્તરની સરખામણી કરવાથી કેટલીક વાર ખોટું અનુમાન બંધાય છે. ઉદાહરણ તરીકે, એક કંપની પાછલા વર્ષમાં 4,000 એકમનું અને ચાલુ વર્ષમાં 8,000 એકમનું ઉત્પાદન કરે તો તેની પ્રગતિ 100 % અને બીજી કંપની પાછલા વર્ષમાં 40,000 એકમનું અને ચાલુ વર્ષમાં 60,000 એકમનું ઉત્પાદન કરે તો તેની પ્રગતિ 50 % ગણાય. આમ, પહેલી કંપનીની પ્રગતિ વધારે દેખાય. પરંતુ પ્રથમ કંપનીના એકમના ઉત્પાદનમાં 4,000ના વધારાની સામે બીજી કંપનીના એકમના ઉત્પાદનમાં 20,000નો વધારો થયો છે તેથી ગુણોત્તર સાથે આંકડા પણ લક્ષમાં લેવા જરૂરી છે.

નાણાકીય ગુણોત્તરોનું વર્ગીકરણ ‘પ્રણાલીગત ગુણોત્તર’ અને ‘સ્વરૂપ મુજબના ગુણોત્તર’ – એમ બે રીતે કરવામાં આવે છે. પ્રણાલીગત ગુણોત્તરનું ઉપવર્ગીકરણ : (1) નફાનુકસાનના ગુણોત્તર, (2) પાકા સરવૈયાના ગુણોત્તર અને (3) મિશ્ર ગુણોત્તર (composite ratio) – એમ ત્રણ પ્રકારે કરવામાં આવે છે. નફાનુકસાનના ગુણોત્તરની ગણતરી કરવા માટે સરખામણી કરવાની બંને વિગતો નફાનુકસાન ખાતામાંથી જ લેવામાં આવે છે. તેમાં (1) કાચા નફાનો ગુણોત્તર (gross profit ratio), (2) સંચાલન ગુણોત્તર (operating ratio), (3) ખર્ચ ગુણોત્તર (expense ratio), (4) ચોખ્ખા નફાનો ગુણોત્તર (net profit ratio), અને (5) સ્ટૉક ગુણોત્તર, સ્ટૉક ચલન દર કે સ્ટૉક ફેરબદલી ગુણોત્તર(stock turnover ratio)નો સમાવેશ થાય છે. પાકા સરવૈયાના ગુણોત્તરની ગણતરી કરવા માટે સરખામણી કરવાની બંને વિગત પાકા  સરવૈયામાંથી જ લેવામાં આવે છે. તેમાં (1) ચાલુ ગુણોત્તર (current ratio), (2) પ્રવાહિતા ગુણોત્તર (liquidity ratio), (3) ઝડપી કે ઍસિડ કસોટી ગુણોત્તર (quick or acid test ratio), (4) માલિકી ગુણોત્તર (proprietory ratio), (5) દેવાં અને માલિકી ભંડોળનો ગુણોત્તર (debt equity ratio, (6) મૂડી ગિયરિંગ ગુણોત્તર (capital gearing ratio), અને (7) લાંબા ગાળાનાં ભંડોળ સાથે કાયમી મિલકતોના ગુણોત્તરો(long term fund to fixed assets ratio)નો સમાવેશ થાય છે. મિશ્ર ગુણોત્તરની ગણતરી કરવા માટે સરખામણી કરવાની એક વિગત નફાનુકસાન ખાતામાંથી અને બીજી વિગત પાકા સરવૈયામાંથી લેવામાં આવે છે. તેમાં (1) રોકાણ પર વળતર (return on investment), (2) દેવાદાર ગુણોત્તર (debtors ratio), લેણદાર ગુણોત્તર (creditors ratio) અને (4) કાયમી મિલકતોના ચલન દર(fixed assets turnover)નો સમાવેશ થાય છે.

સ્વરૂપ મુજબના ગુણોત્તરોનું  ઉપવર્ગીકરણ : (1) પ્રવાહિતા કે તરલતા ગુણોત્તર (liquidity ratio), (2) નફાકારકતા ગુણોત્તર (profitability ratio), (3) મૂડીમાળખા ગુણોત્તર (leverage ratio) અને (4) પ્રવૃત્તિ ગુણોત્તર, ચલનદર ગુણોત્તર (activity ratio) – એમ ચાર પ્રકારે કરવામાં આવે છે. પ્રવાહિતા કે તરલતાના ગુણોત્તરો કંપનીની પ્રવાહી પરિસ્થિતિનો ખ્યાલ આપે છે. કંપની પોતાનાં ચાલુ દેવાં પાકે ત્યારે તેમને ચૂકવી શકે તેટલી મિલકતો તેની પાસે છે કે કેમ તેનું સૂચન પ્રવાહિતાના ગુણોત્તરો કરે છે. તેમાં : (1) ચાલુ ગુણોત્તર, (2) પ્રવાહિતા ગુણોત્તર અને (3) ઝડપી કે ઍસિડ કસોટી ગુણોત્તરનો સમાવેશ થાય છે. નફાકારકતા ગુણોત્તર કંપનીની નફાકારકતા માપવા માટે વિકસાવવામાં આવ્યા છે. નાણાં રોકનાર માટે આ ગુણોત્તર અત્યંત મહત્ત્વના છે. તેમાં : (1) કાચા નફાનો ગુણોત્તર, (2) સંચાલન ગુણોત્તર, (3) ખર્ચ ગુણોત્તર, (4) ચોખ્ખા નફાનો ગુણોત્તર, (5-ક) રોકેલી મૂડી ઉપર વળતર અને (5-ખ) શૅરહોલ્ડરોના ભંડોળ ઉપર વળતરનો સમાવેશ થાય છે. મૂડીમાળખા ગુણોત્તર કંપનીનું મૂડીમાળખું કઈ મૂડીનું બનેલું છે અને તેમાં માલિકીની મૂડી અને ઉછીની મૂડીનું પ્રમાણ કેટલું છે તેનો નિર્દેશ કરે છે. તેમાં : (1) માલિકી ગુણોત્તર, (2) દેવાં અને માલિકી ભંડોળનો ગુણોત્તર, (3) મૂડી ગિયરિંગ ગુણોત્તર અને (4) લાંબા ગાળાનાં ભંડોળ સાથે કાયમી મિલકતોના ગુણોત્તરનો સમાવેશ થાય છે. પ્રવૃત્તિ ગુણોત્તર કે ચલનદર કંપનીમાં રોકાયેલાં જુદાં જુદાં સાધનોનો ઉપયોગ કેટલી કાર્યક્ષમતાથી થાય છે તેનું સૂચન કરે છે. તેમાં : (1) સ્ટૉક ગુણોત્તર, સ્ટૉક ચલનદર કે સ્ટૉક ફેરબદલી ગુણોત્તર, (2) દેવાદાર ગુણોત્તર, (3) લેણદાર ગુણોત્તર અને (4) કાયમી મિલકતોના ચલનદરનો સમાવેશ થાય છે. સ્વરૂપ મુજબના ગુણોત્તરોની ગણતરી કરવા માટે સરખામણી કરવાની બંને વિગત, પ્રણાલીગત ગુણોત્તરની ગણતરીની જેમ નફાનુકસાન ખાતા અને/અથવા પાકા સરવૈયામાંથી લેવામાં આવે છે અને સરવાળે બંને પ્રકારના ગુણોત્તર એકસરખા છે, પરંતુ સ્વરૂપ મુજબના ગુણોત્તરોનું ઉપવર્ગીકરણ આધુનિક અને વૈજ્ઞાનિક કહેવાય છે. ભિન્ન ભિન્ન પ્રકારના ગુણોત્તરની ગણતરી કરવા માટેનાં સૂત્ર (formulas) નીચે પ્રમાણે છે :

આ ગુણોત્તર નીચો હોય તો માલની પડતર કિંમત ઊંચી છે અને સંચાલકોએ તેનાં કારણોની તપાસ કરવી જોઈએ, કારણ કે સંચાલન અંગેના ખર્ચા, ઘસારો, વ્યાજ જેવા સ્થિર ખર્ચા અને ડિવિડન્ડની ચુકવણી વગેરે માટે કાચા નફાનો ગુણોત્તર પૂરતો હોવો જરૂરી છે.

આ ગુણોત્તર ઊંચો હોય તો તે બિનફાયદાકારક કહેવાય, કારણ કે માલની પડતર કિંમત અને સંચાલન ખર્ચ બાદ જતાં ધંધાના માલિક પાસે જે રકમ બચે તે ડિવિડન્ડ ચૂકવવા અને અનામતો ઊભી કરવા માટે અપૂરતી હોય છે.

(3) ખર્ચ ગુણોત્તર : દરેક વ્યક્તિગત ખર્ચનું વેચાણ સાથેનું પ્રમાણ જાણવા આ ગુણોત્તર શોધાય છે. ઉદાહરણ તરીકે  વગેરે. આ ગુણોત્તરો વર્ષોવર્ષ કંપનીનું જુદાં જુદાં શીર્ષક હેઠળનું ખર્ચ પ્રમાણમાં વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે તેનો ખ્યાલ આપે છે.

ધંધાની નફાકારકતાની પરિસ્થિતિનું વધુ સારું મૂલ્યાંકન કરવા માટે કાચા નફાનો ગુણોત્તર અને ચોખ્ખા નફાનો  ગુણોત્તર બંનેનો એક-સાથે વિચાર કરવો જોઈએ. કાચો નફો વધી રહ્યો હોય અને ચોખ્ખો નફો ઘટી રહ્યો હોય તો તે વહીવટી ખર્ચા અને વેચાણ-વિતરણ ખર્ચાનું પ્રમાણ વધી રહ્યું છે તેનું દ્યોતક છે.

(5) સ્ટૉક ગુણોત્તર, સ્ટૉક ચલન દર, સ્ટૉક ફેરબદલી ગુણોત્તર

જો સ્ટૉક ગુણોત્તર ઊંચો હોય તો સ્ટૉકનો ઊથલો (turnover) ઝડપી હોય અને કંપની ઓછી મૂડીએ બહોળો વેપાર કરી શકે છે. સ્ટૉક ગુણોત્તર જો નીચો હોય તો વેચાણ કરવાની અશક્તિ, બેદરકારી ભરેલી ખરીદી અને નકામા થઈ ગયેલા સ્ટૉકનો ભરાવો દર્શાવે છે.

રોકડ સ્વરૂપની અથવા ટૂંક સમયમાં રોકડમાં ફેરવી શકાય તે મિલકતો ચાલુ મિલકતો કહેવાય છે અને એક વર્ષની અંદર જે દેવાં ચૂકવવાનાં હોય તે ચાલુ દેવાં કે ચાલુ જવાબદારી કહેવાય છે.

જો ચાલુ ગુણોત્તર 2:1 એટલે કે ચાલુ મિલકતો ચાલુ દેવાં કરતાં બમણી હોય તો કંપનીની કાર્યશીલ મૂડી સંતોષકારક ગણાય છે; પરંતુ ચાલુ મિલકતોમાં નકામો અને વેચી ન શકાય તેવો સ્ટૉક વધારે હોય તો ચાલુ ગુણોત્તર ઊંચો જણાય છતાં કંપનીની ચાલુ દેવાં ચૂકવવાની આર્થિક શક્તિ સારી કહી શકાય નહિ.

પ્રવાહી મિલકતોમાં હાથ પરની રોકડ, બૅંક સિલક, તરત વેચી શકાય તેવી જામીનગીરી અને દેવાદારોનો સમાવેશ થાય છે. સ્ટૉક તરત રોકડમાં ફેરવી શકાતો નથી, તેથી તેનો પ્રવાહી મિલકતોમાં સમાવેશ થતો નથી. તાત્કાલિક ચૂકવવાનાં દેવાં પ્રવાહી દેવાં કહેવાય છે. બૅંક ઓવરડ્રાફ્ટની મુદતમાં વધારો કરાવી શકાય છે, તેથી તેનો પ્રવાહી દેવામાં સમાવેશ થતો નથી. પ્રવાહિતા ગુણોત્તર એક અથવા એક કરતાં થોડો વધારે હોય તો તે સંતોષકારક પરિસ્થિતિનું સૂચન કરે છે.

પ્રવાહી મિલકતો અને પ્રવાહી દેવાંનાં ગુણોત્તર-પ્રવાહિતા ગુણોત્તર-શોધવામાં પ્રવાહી મિલકતો લક્ષમાં લેવાય છે, પરંતુ તેમાં સમાવિષ્ટ દેવાદારો પાસેથી તાત્કાલિક ઉઘરાણી મળી શકતી નથી; તેથી પ્રવાહી મિલકતોના બદલે ઝડપી મિલકતો લક્ષમાં લેવાય છે. ઝડપી મિલકતોમાં ફક્ત હાથ પરની રોકડ બૅંક સિલક અને તરત રોકડમાં ફેરવી શકાય તેવી જામીનગીરીનો સમાવેશ થાય છે અને તેમની પ્રવાહી દેવાં સાથે સરખામણી કરાય છે. આ ગુણોત્તરને અતિ-પ્રવાહી ગુણોત્તર (absolute liquidity ratio) પણ કહેવાય છે. આ ગુણોત્તર એકની લગભગ હોય તો તાત્કાલિક દેવાં ચૂકવવા અંગેની કંપનીની પરિસ્થિતિ ઘણી સારી કહી શકાય છે.

આ ગુણોત્તર જેમ ઊંચો તેમ કંપનીની માલિકીની રકમ બહારનાં દેવાંના પ્રમાણમાં વધારે છે અને કંપનીની આર્થિક સ્થિતિ સધ્ધર છે તેનું સૂચન કરે છે. આ ગુણોત્તર જો 100 % હોય તો તે કંપની સંપૂર્ણપણે પોતાની મૂડીથી ધંધો કરે છે તેનું દ્યોતક છે.

માલિકી ગુણોત્તરને થોડી જુદી રીતે રજૂ કરવાની આ પદ્ધતિ છે. બહારનાં દેવાંમાં લાંબા ગાળાનાં અને ટૂંકા ગાળાનાં  એમ બંને પ્રકારનાં દેવાંનો સમાવેશ થાય છે. આ ગુણોત્તર 100થી વધારે હોય તો લેણદારોનું દબાણ વધારે રહે છે. ઊંચા દેવાવાળી કંપનીએ નાણાં ઉછીનાં લેતાં મુશ્કેલ શરતો સ્વીકારવી પડે છે.

ડિવિડન્ડનો અગ્રિમ હક ધરાવતી મૂડી અને નિશ્ચિત વ્યાજ આપવું પડે તેવી મૂડી એટલે કે પ્રેફરન્સ શૅર, ડિબેન્ચર અને અન્ય લાંબા ગાળાની લોન સાથે ઑર્ડિનરી શૅરમૂડીનું પ્રમાણ આ ગુણોત્તર દર્શાવે છે. આમ કંપનીની કુલ મૂડી સાથે ઇક્વિટી મૂડીનો સંબંધ એટલે મૂડીનું ગિયરિંગ. મૂડીમાળખામાં પ્રેફરન્સ શૅર અને ડિબેન્ચરનું પ્રમાણ વધુ હોય ત્યારે ગિયરિંગનું પ્રમાણ ઊંચું અને ઑર્ડિનરી શૅરમૂડીનું પ્રમાણ વધુ હોય ત્યારે ગિયરિંગનું પ્રમાણ નીચું કહેવાય છે. યોગ્ય પ્રમાણમાં ઊંચું ગિયરિંગ હોય તો ઇક્વિટી શૅર ઉપર વધારે ડિવિડન્ડ આપી શકાય છે અને ઇક્વિટી શૅરની કિંમત વધારે હોય છે. તેથી ઊલટું નીચું ગિયરિંગ હોય તો ઇક્વિટી શૅર ઉપર ડિવિડન્ડનો દર ઓછો રહે છે અને ઇક્વિટી શૅરના ભાવ નીચા રહે છે.

સામાન્ય રીતે કાયમી મિલકતો કંપનીની મૂડી અને લાંબા ગાળાની લોનની મદદથી ખરીદવી જોઈએ. જો કાયમી મિલકતો વધારે હોય અને કાયમી મૂડી ઓછી હોય તો કંપનીએ ચાલુ દેવાંમાંથી કાયમી મિલકતો ખરીદી છે તેવો અર્થ થાય અને ચાલુ દેવાં ચૂકવવાનાં થાય ત્યારે કાયમી મિલકતો વેચવી પડે. આવી પરિસ્થિતિ ધંધાની નફાકારકતાને પ્રતિકૂળ અસર કરે છે.

(13) રોકાણ ઉપર વળતરનો ગુણોત્તર : કોઈ પણ ધંધાકીય એકમની કામગીરી માપવા માટે અને નવી રોકાણ યોજનાના અમલ પ્રસંગે દરેક વિકલ્પનું મૂલ્યાંકન કરવા માટે આ ગુણોત્તરનો ઉપયોગ થાય છે. રોકાણ ઉપર વળતરના ગુણોત્તર ત્રણ પ્રકારના હોય છે : (ક) રોકેલી મૂડી ઉપર વળતર, (ખ) શૅરહોલ્ડરોના ભંડોળ ઉપર વળતર અને (ગ) ઇક્વિટી ભંડોળ ઉપર વળતર.

આ ગુણોત્તર ઓછો હોય તો ડિબેન્ચર-હોલ્ડરોને ફરજિયાત ચૂકવવું પડતું વ્યાજ ચૂકવ્યા પછી શૅરહોલ્ડરોમાં ડિવિડન્ડ તરીકે વહેંચવા માટે રકમ ઓછી પડે અથવા કોઈ પણ રકમ બાકી રહે નહિ.

શૅરહોલ્ડરો ધંધામાં નાણાં રોકીને જે જોખમ ઉઠાવે છે તેના પર તેમને પૂરતું ડિવિડન્ડ મળશે કે નહિ તે આ ગુણોત્તર દર્શાવે છે. રોકાણકાર પોતાનાં નાણાં કયા ધંધામાં રોકે તો વધારે વળતર મળે તે જાણવા માટે આ ગુણોત્તર ઉપયોગી છે.

રોકાણ ઉપરના ત્રણે ગુણોત્તરોમાંથી ઑર્ડિનરી શૅરહોલ્ડરો માટે આ ગુણોત્તર ઘણો ઉપયોગી છે, કારણ કે જોખમ ઉઠાવીને ઇક્વિટી શૅરમાં રોકેલાં નાણાં ઉપર કેટલું ડિવિડન્ડ મળશે અને શૅરોના બજારભાવની વૃદ્ધિના સ્વરૂપમાં કેટલો મૂડીવૃદ્ધિનો લાભ મળશે તે બહુધા આના ઉપર આધારિત છે.

આ ગુણોત્તર ઉઘરાણીનાં નાણાં કેટલા દિવસમાં વસૂલ થાય છે તે જાણવા માટે ઉપયોગી છે. આ ગુણોત્તર વધતો જાય તો ઉઘરાણી સમયસર વસૂલ થતી નથી અને પરિસ્થિતિ અસંતોષકારક છે તેનું સૂચન કરે છે.

લેણદાર ગુણોત્તર ઉધાર ખરીદીનાં નાણાં કંપની કેટલા દિવસમાં ચૂકવે છે અને શાખની મુદતના દિવસોનો લાભ પૂરેપૂરો લે છે કે કેમ તેનો નિર્દેશ કરે છે.

આ ગુણોત્તર જો નીચો હોય તો ધંધામાં જરૂર કરતાં વધારે રોકાણ કાયમી મિલકતોમાં થયું છે અને તે ઓછું કરવાની જરૂર છે. આ ગુણોત્તર જો ઊંચો હોય તો ધંધામાં કાયમી મિલકતોનો ઉપયોગ પૂરતી કાર્યક્ષમતાથી થઈ રહ્યો છે તેમ સૂચવે છે.

રોહિત ગાંધી