નાણાકીય અર્થશાસ્ત્ર

January, 1998

નાણાકીય અર્થશાસ્ત્ર : નાણાકીય સંસ્થાઓ અને નીતિઓની આર્થિક પ્રવાહો અને પરિમાણો પર પડતી અસરોનું વિશ્લેષણ કરતી અર્થશાસ્ત્રની એક વિશિષ્ટ શાખા. જે આર્થિક પરિમાણો પરની અસરો તપાસવામાં આવે છે તેમાં ચીજ-વસ્તુઓના ભાવો, વેતનદરો, વ્યાજના દરો, રોજગારી, વપરાશ, રાષ્ટ્રીય ઉત્પાદન વગેરેનો સમાવેશ થાય છે. નાણાકીય અર્થશાસ્ત્રમાં સમાવિષ્ટ થતા ઘણા મુદ્દાઓનો અભ્યાસ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે તોપણ એક અલગ શાખા તરીકે હજી નાણાકીય અર્થશાસ્ત્ર ટકી રહ્યું છે. ઘણા અર્થશાસ્ત્રીઓ, આર્થિક નીતિ ઘડનારાઓ અને આર્થિક બાબતો વિશે લખતા પત્રકારો એમ માને છે કે નાણાકીય નીતિની ઘણી મોટી અસર લોકોના આર્થિક જીવન પર પડે છે.

નાણાકીય અર્થશાસ્ત્રમાં જે મુદ્દાઓનો સામાન્ય રીતે અભ્યાસ કરવામાં આવે છે તેમાં નાણાંની વ્યાખ્યા, તેનાં કાર્યો, નાણાકીય ધોરણો, વિત્તીય સંસ્થાઓ, નાણાં માટેની માંગ, નાણાંનો પુરવઠો, રાષ્ટ્રીય આવકની સપાટી નક્કી કરવામાં નાણાંની ભૂમિકા, ફુગાવો, ફુગાવો અને બેકારી, નાણાકીય નીતિ, તેને લગતા વિવાદો, તર્કસંગત અપેક્ષાઓનો સિદ્ધાંત, આંતરરાષ્ટ્રીય વિત્તવ્યવસ્થા, વિદેશી ચલણ માટેનું બજાર, હૂંડિયામણના દરો વગેરેનો સમાવેશ થાય છે.

રમેશ ભા. શાહ