નાગાનન્દ (ઈ. સ.ની સાતમી શતાબ્દી) : હર્ષવર્ધન નામના રાજવી નાટ્યકારની, બૌદ્ધધર્મી જીમૂતવાહનના આત્મત્યાગની આખ્યાયિકાના આધારે રચાયેલી પાંચ અંકની સંસ્કૃત નાટ્યકૃતિ. તેના પ્રથમ ત્રણ અંકમાં પિતૃભક્ત જીમૂતવાહનના મલયવતી સાથેના પ્રણયની કથા છે. છેલ્લા બે અંકમાં નાટકનાં વિષય અને રજૂઆત બદલાય છે. તેમાં સ્વાર્પણની ભાવના વ્યક્ત થાય છે. આમ, નાટ્યવસ્તુમાં એકરૂપતા જળવાતી નથી. ‘નાગાનંદ’ એટલે ‘નાગોનો આનંદ’ એ શીર્ષકનો અર્થ અહીં ચરિતાર્થ થયો છે. ગરુડ, નાગો સાથેની વેરવૃત્તિ ત્યજી દે છે અને મૃત નાગો અમૃતવૃષ્ટિ દ્વારા પુનર્જીવિત થાય છે. અહીં અતિપ્રાકૃત તત્વોની સહાયથી સુખાંત સર્જાયો છે.
તેનો નાયક બૌદ્ધ ધર્મ પાળનારો છે અને નાન્દીસ્તવનમાં પણ બુદ્ધની જ સ્તુતિ થઈ છે. બૃહત્કથા, વૈતાલપંચવિંશતિકા કે બૌદ્ધ અવદાન-કથાઓમાં ‘નાગાનન્દ’ના કથાવસ્તુનો મૂળ સ્રોત હશે એમ મનાય છે. પરોપકાર માટે પોતાના જીવનનું સમર્પણ કરીને નાયક જીમૂતવાહન ઉચ્ચ આદર્શ સ્થાપિત કરે છે.
વાસુદેવ પાઠક