ન હન્યતે (1974) : પ્રસિદ્ધ બંગાળી લેખિકા મૈત્રેયીદેવીની અમર કૃતિ. 1976ના શ્રેષ્ઠ બંગાળી ગ્રંથ તરીકે કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા તે પુરસ્કૃત થયેલી. પ્રગટ થયેલી તેની અનેક આવૃત્તિઓ એની લોકપ્રિયતા દર્શાવે છે. ભારતની બધી ભાષાઓમાં તેના અનુવાદ થયેલા છે. એનો અંગ્રેજી અનુવાદ લેખિકાએ પોતે કર્યો છે. તેનો ગુજરાતી અનુવાદ ‘ન હન્યતે’ નામે નગીનદાસ પારેખે કર્યો છે.
કૃતિનું સ્વરૂપ નવલકથાનું છે, પણ તે આત્મચરિત્રાત્મક છે. લેખિકા પોતે જ નાયિકા હોય એવી આ કૃતિમાં પ્રણયાનુભવનું સ્મૃતિસંવેદન રૂપે નિરૂપણ છે.
વિશ્વખ્યાત તત્વજ્ઞાની પિતાએ ત્રેવીસ વર્ષના બલ્ગેરિયાના ગોરા યુવાનને શિષ્ય તરીકે સ્વીકારી પોતાના ઘરમાં રહેવાની સુવિધા કરી આપી. પરિચય, સંપર્ક, રસએકતા અને મિલન વધતાં તારુણ્યની ઉષાના પ્રગટીકરણ સાથે પરદેશી યુક્લિડ મિર્ચા અને સોળ વર્ષની બંગાળી યુવતી અમૃતા વચ્ચે સહજ રીતે પ્રણયાંકુરો ફૂટ્યા. પિતાને આ પ્રેમસંબંધની જાણ થતાં જ તેમણે તેનો નિષ્ઠુર વિચ્છેદ કર્યો. પુત્રીનું લગ્ન અન્યત્ર કર્યું. અમૃતાને સાચું વાત્સલ્ય પિતા તરફથી નહિ, પણ રવીન્દ્રનાથ ટાગોર પાસેથી મળ્યું. એમના સ્નેહ અને જીવનના વિષમ સંજોગોને પ્રેમાળ, સમજદાર ને ઉષ્માભરી જીવનશૈલી અપનાવીને પૌત્રપૌત્રીઓનો સંસાર ઊભો કર્યો અને કુટુંબમાં સંવાદિતા જાળવીને સાહિત્ય અને સમાજક્ષેત્રે વિશિષ્ટ યોગદાન કર્યું.
બીજી બાજુ મિર્ચા પ્રૌઢ વયે વિદ્વાન પ્રોફેસર થયાના સમાચાર મળે છે. ચાળીસ વર્ષ પછી તેણે અમૃતાના સમાચાર પુછાવેલા. તેનું સરનામું મેળવી અમૃતાએ ત્રીજી અને છેલ્લી વાર પત્ર લખેલો, પણ જવાબ નહિ! ફ્રેંચ ભાષામાં અશ્લીલ લખાણ લખવા માટે મિર્ચાને સજા થયેલી. બંગાળી યુવતી સાથેના પોતાના પ્રેમપ્રસંગોનું નિરૂપણ કરતું પુસ્તક મિર્ચાએ ફ્રેંચ ભાષામાં લખેલું. તેના પરથી ફ્રેન્ચ ફિલ્મ ‘લા ન્યૂઈટ બૅંગૉલી’ બનેલી હતી. આ સર્વમાં લેખકનું પોતાનું જ દૃષ્ટિબિંદુ એકતરફી રીતે રજૂ થયેલું.
લેખિકાના જીવનમાં અચાનક ભૂકંપ સર્જાય છે. તેના જન્મદિને મિર્ચાનો શિષ્ય સરગેઈ આવે છે અને અમૃતાને મળે છે. ‘તમે રાતે એના ઓરડામાં જતાં’ વગેરે ઉદગારોથી નાયિકાને અપાર વ્યથા થાય છે. જેની સાથે પ્રેમ થયો તેણે જીવનમાં કલંક જ આપ્યું છે. 58 વર્ષની નાયિકાના ચિત્તમાં સોળ વર્ષની ઉંમરના પ્રણયાનુભવની તીવ્ર સ્મૃતિ જાગે છે. તેની સમગ્ર ચેતનામાં પ્રણયનો મુગ્ધ અનુભવ ફરીથી જિવાય છે. એક બાજુ જૂઠનું ઝેર અને બીજી બાજુ મુગ્ધાના માધુર્યની સંજીવની ! કથા ફક્ત આઠ જ માસની છે. ચિત્તમાં સ્વસ્થતા પ્રાપ્ત થતાં હિંમત, શ્રદ્ધા અને નમ્રતાથી પોતાની અને દુનિયાની સામેનાં બધાં જ આવરણ ખસેડીને લેખિકા ઊભી છે અને સત્યના સ્વીકારથી પ્રેમની અમરતા અનુભવે છે.
કૃતિમાં સત્યનો પ્રકાશ છે અને ક્યાંક સ્વાર્થી માનવમન પ્રત્યે કટાક્ષ પણ છે. બેંતાલીસ વર્ષ પછી ચેતનામાં પુનરનુભવ પામેલી રોમાંચક પ્રણયકથા પ્રતીતિ કરાવે છે કે પ્રેમ આત્માનું અમૃત છે. સંજોગો અને વિપરીત પરિસ્થિતિ પણ તેનો ઉચ્છેદ કરી શકતાં નથી. એ અનુભૂતિ શાશ્વત છે અને માટે જ તે વ્યક્તિના જીવનનો વિચ્છેદ થવા છતાં નાશ પામતી નથી, ‘ન હન્યતે’.
ચન્દ્રકાન્ત મહેતા