નહપાન (નહવાહ કે નરવાહન) : ક્ષહરાત વંશનો ક્ષત્રપ રાજા. પશ્ચિમી ક્ષત્રપોથી જાણીતા શક જાતિના શાસકોમાંના ક્ષહરાત રાજવશંનો બીજો અને પ્રાય: છેલ્લો રાજા. તેની પત્નીનું નામ પદ્માવતી. નહપાને આશરે ઈસવી સન 32થી 78 સુધી શાસન કર્યું હતું. ભરૂચ એની રાજધાની હતી. એના રાજ્યની દક્ષિણે આવેલા આંધ્રના સપ્તવાહન રાજ્ય સાથેના સંઘર્ષમાં તેની હાર થયેલી અને રાજ્યનો કેટલોક હિસ્સો એણે ગુમાવ્યો હતો. તે આદર્શ અને પુણ્યશાળી રાજવી હતો. તેના શાસન દરમિયાન બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ત્રણેય ધર્મોનો પ્રચાર-પ્રસાર થયો હતો. સંભવત: તે જૈનધર્મી હોવાનું અનુમાની શકાય. જોકે ગોદાન, બ્રહ્મભોજન, દાન-સ્નાનાદિનો મહિમા તેમજ અન્ય દાનપુણ્યકાર્યો પણ એના સમયની ધ્યાનાર્હ પ્રવૃત્તિઓ હતી. એના રાજ્યઅમલમાં પ્રજા સુખી હતી. ‘આવશ્યકસૂત્રનિર્યુક્તિ’, ‘તિલોય પણ્ણત્તિ’, ‘હરિવંશપુરાણ’, ‘વિચારશ્રેણી’, ‘પેરિપ્લસ’ વગેરે ગ્રંથો નહપાન વિશે કેટલીક માહિતી આપે છે. તો તેના સમયના નાસિક ગુફાના અભિલેખો અને એણે પડાવેલા ચાંદીના સિક્કાઓ એના શાસનકાલ અને રાજ્યવિસ્તારની માહિતી આપે છે. ‘રાજા’, ‘ક્ષત્રપ’, ‘મહાક્ષત્રપ’ અને ‘સ્વામી’ બિરુદો તેના માટે પ્રયોજાયેલાં છે. એના રાજ્યની હદ ઉત્તરમાં અજમેર, પશ્ચિમમાં અરબી સમુદ્ર, પૂર્વમાં માળવા અને દક્ષિણમાં ઉત્તર કોંકણ તેમજ અહમદનગર, નાસિક, પુણે જિલ્લાઓ સુધી હોવાનું સંભવે છે.

રસેશ જમીનદાર