નવપાષાણ યુગ : પ્રાગૈતિહાસિક કાળના અશ્મયુગનો એક પેટાવિભાગ. માનવઇતિહાસના વર્ગીકરણમાં ભાષા અને સાહિત્યની પરંપરા મળે છે ત્યારથી ઐતિહાસિક યુગ નામ આપવામાં આવે છે, તેની પહેલાંના કાળને આદ્યૈતિહાસિક અને તેની પહેલાંના યુગને પ્રાગૈતિહાસિક યુગ નામ આપવામાં આવે છે. આ પરંપરા બે સદીથી દૃઢ થઈ છે. તેમાં પ્રાગૈતિહાસિક યુગનું પાષાણ કે અશ્મ યુગ, તામ્ર યુગ અને લોહ યુગ એમ વર્ગીકરણ થયું. પાષાણનાં ઓજારોના અધ્યયનની શરૂઆતમાં પથ્થર ફોડીને ધાર કાઢેલાં ઓજારો અને પથ્થરને ફોડીને કાઢેલી ધારને ઘસીને સરખાં બનાવેલાં ઓજારો મળ્યાં તેથી તેના બે પેટાવિભાગોનો અનુક્રમે પ્રાચીન પાષાણ કે પ્રાચીનાશ્મ યુગ અને નવાશ્મ કે નવપાષાણ યુગ નામ આપવાની પરંપરા ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી વિકસી. વધુ અન્વેષણો થતાં આજે આ ભેદરેખા અસ્પષ્ટ બની હોવા છતાં પથ્થરના ઘડતરના આ ભેદો બાબત શંકા નથી.

પથ્થરનાં ઘસીને ધાર કાઢેલાં ઓજારો વિશ્વના જુદા જુદા ભાગોમાંથી મળે છે. કાલક્રમમાં તેવાં ઓજારો ઓગણીસમી સદીમાં ન્યૂ ગિનીના ટાપુમાં બનતાં જોવામાં આવ્યાં હતાં, તેમજ પથ્થરને ફોડીને ધાર કાઢવાની પરંપરા પણ ગઈ સદી સુધી ચાલુ હતી, તેથી આ ઘડતરભેદો  છે તેમ સ્પષ્ટ થયું અને તેની આશરે વીસેક હજાર વર્ષ પર વિસ્તરતી પરંપરા સર્જાતાં ઓગણીસમી સદીમાં પ્રવર્તેલી, પથ્થરનાં ઓજારોના આ ભેદો કાલદર્શક છે, તેવી માન્યતાનો બાધ થયો. તેની સાથેની કેટલીક આનુષંગિક માન્યતાઓમાં ગામોનો વસવાટ, ઉદ્યોગોનો વિકાસ, તેમાંયે ખેતી અને પશુપાલનનો ઉદ્યોગ પણ ઘસીને ધાર કાઢેલાં ઓજારોનો સમકાલીન છે એવી વિચારણા થઈ હતી તેમાં પણ ફેરફાર થયો છે.

આ વિચારણા પાછળ કુહાડી, કોદાળી, વાંસલા, છીણી જેવા ઘાટનાં ઓજારો છે. તે જમીન ખોદવા, લાકડાં કાપવા તથા તેને છોલવા, ફાડવા, કાણાં પાડવાના ઉપયોગમાં આવતાં લોખંડનાં ઓજારો સાથે સમરૂપ થાય છે એ પરિસ્થિતિ મુખ્યત્વે દેખાય છે; તદુપરાંત આ ઓજારોને ઘસીને ધાર કાઢવાની પ્રક્રિયા લાંબો વખત માગે છે, તેથી તેવી ફુરસદ સિવાય આવાં ઓજારો બનાવાય નહિ એવી માન્યતાથી પણ આ પથ્થરનાં ઓજારોની સાથે વસવાટ આદિની બદલાયેલી લાગતી પરિસ્થિતિને સાંકળી લેવાનો પ્રયત્ન થયો હતો.

નવાશ્મ યુગનાં ઓજારોની બનાવટમાં પણ ઘણા ભેદ દેખાય છે. તેથી આવાં ઓજારોની બનાવટ જોતાં, તેને પ્રથમ ફોડીને તેનો યોગ્ય ઘાટ આપવામાં આવે છે, ત્યારબાદ તેને પથ્થર પર રેતી, પાણીની મદદથી ઘસવામાં આવે છે, જરૂર પ્રમાણે આ કામ થતું હોવાથી ઉપલક નજરે માત્ર ફોડેલાં દેખાતાં ઓજારોની ધારનો ભાગ ઘસેલો હોવાનું અવલોકન પરથી સ્પષ્ટ થાય છે. તથા આખા ઓજારને ઘસીને લીસું બનાવ્યું હોય ત્યારે તેની પર તેના ફોડેલા ભાગનાં નિશાનો ઘણી વાર દેખાય છે.

આ ઓજારો ખેતી, પશુપાલન જેવા સ્થિર અન્નપ્રાપ્તિ માટેના પાયાના ઉદ્યોગોના સમકાલીન ગણવાના વિચારને અનુમોદન આપતો વિચાર નવાશ્મ ક્રાંતિનો છે. આ વિચારધારા પ્રમાણે ખેતી અને પશુપાલનના પાયાના ઉદ્યોગમાં પણ ખેતીને લીધે વધુ સ્થિર વસવાટ શક્ય બને છે. આમ આ વિચાર આધુનિક લાગે, પરંતુ ભારતીય પરંપરામાં પૃથુએ પૃથ્વીને સપાટ બનાવી, ખેતીનો વિકાસ કર્યો ત્યારથી ગામો અને નગરોનો વિકાસ થયો એ વિચાર વૈદિક સાહિત્યમાં સ્પષ્ટ રીતે દર્શાવ્યો છે અને તે માન્યતા પુરાણો અને શિષ્ટ ગ્રંથોમાં સ્થિર થયેલી છે.

ભારતમાં દક્ષિણ, પૂર્વ તથા ઉત્તર ભારતના ઘણા ભાગોમાંથી નવાશ્મ ઓજારો મળે છે, જ્યારે ગુજરાત, રાજસ્થાનમાં નવાશ્મ ઓજારોનું અલ્પ પ્રમાણ છે. અહીં ફોડેલા પથ્થરનાં ઓજારો ખેતીપ્રધાન ગામોમાં મળે છે. નવાશ્મ ઓજારોની સાથે સાબરશિંગનાં બનાવેલાં ઓજારો પણ બિહારમાંથી મળેલાં હોઈ ઓગણીસમી સદીના નવાશ્મ કાળના વિચારમાં મહત્ત્વના ફેરફારો થયેલા છે.

ગઈ સદીમાં નવાશ્મ કાળ સાથે ગામો અને સ્થિર સમાજના વિકાસને સમરૂપ ગણીને થયેલા વિચાર પરથી ઉદ્ભવેલા નવાશ્મ ક્રાન્તિના વિચારોમાં ઘણો સત્યાંશ ખેતીના વિકાસ પર આધાર રાખે છે, તેથી તે બાબત પર નજર કરતાં આપણાં ઘણાં વિજ્ઞાનોનો વિકાસ ખેતી અને તેનાં આનુષંગિક કાર્યો સાથે સંકળાયેલો છે એમ સ્પષ્ટ થાય છે.

આવાં વિજ્ઞાનોમાં ગણિત, ભૂમિતિ, જ્યોતિષ અને વર્ષની ગણતરી તથા તોલમાપનાં સાધનો આદિ મહત્ત્વનાં છે. તેની સાથે ઝૂંપડાં, કૂબા, કાચાં મકાનોનું બાંધકામ અને સામૂહિક ગામોની રચના અગત્યનો ભાગ ભજવતાં દેખાય છે. આ વિજ્ઞાનોની સાથે જુદા જુદા સમાજોમાં દૈવી શક્તિની માન્યતાથી અનેક દેવદેવીઓનો વધુ વિકાસ થતો દેખાય છે, અને તેમાંથી પ્રાદેશિક રાજ્યોનાં ઘડતર અને વિકાસની ભૂમિકા બંધાય છે.

નવાશ્મ ઓજારો કાળક્રમનો નિશ્ચિત સમય દર્શાવતાં નથી. તેમ ખેતી તથા પશુપાલન કયા પ્રદેશમાં શરૂ થઈને વિશ્વમાં ફેલાયાં તે પ્રશ્નનો ઉત્તર આ સદીના પૂર્વાર્ધમાં ઇજિપ્તથી અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના પ્રદેશ એમ આપવામાં આવતો હતો તેમાં થાઇલૅન્ડ અને મધ્ય અમેરિકાનાં ક્ષેત્રો ઉમેરાતાં ખેતીનો ઉદ્યોગ જુદા જુદા પ્રદેશોમાં વિકસ્યો હોવાનો મત દૃઢ થયો છે. આ ઉદ્યોગ સાથે ઘસીને ધાર કાઢેલાં ઓજારો સર્વત્ર મળતાં નથી તે સૂચક પરિસ્થિતિ છે. આ વિકાસ છેલ્લાં દશેક હજાર વર્ષથી વધારે જૂનો નથી.

ગામો સ્થિર થયાં ત્યારથી પકવેલી માટીની બનાવેલી વસ્તુઓ અને વાસણો ઘણા મોટા પ્રમાણમાં બનતાં થયાં છે. તેની બનાવવાની પદ્ધતિ તેના ઘાટ આદિના ફેરફારોથી સ્થાનિક, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વ્યવહાર સૂચવાય છે, તેની ચડતીપડતી કે આરોહ-અવરોહના કાળક્રમથી ઘણી ઐતિહાસિક માનવપ્રવૃત્તિ નામશેષ થઈ ગઈ હતી. પકવેલી માટી ઉપરાંત પથ્થરની મણકા જેવી આભૂષણો માટે વપરાતી તથા ઘરવખરીની ઘણી વસ્તુઓ પણ આવાં ગામોમાંથી મળે છે.

સ્થિર થયેલાં ગામોની માન્યતાનો અર્થ પ્રમાણમાં દીર્ઘજીવી વસવાટ એવો કરવો પડે છે; કારણ કે પાકની નિષ્ફળતા, રેલ કે કુદરતી અન્ય આપત્તિથી મનુષ્યોને સ્થળાંતરો કરવાં પડતાં હોય છે. તેવાં પ્રમાણો વિવિધ સ્થળોએથી પ્રાપ્ત થતાં હોય છે. તેની સાથે આ ગામોનો વસવાટ અનુકૂળ ભૌગોલિક પરિસ્થિતિમાં થયો હોવાનું પણ દેખાય છે; કારણ કે નવાશ્મ ઓજારોનાં ઘણાં પ્રાપ્તિસ્થાનો આજની વસ્તીથી દૂર હોતાં નથી એમ જુદા જુદા પ્રદેશોનાં સર્વેક્ષણથી સ્પષ્ટ થાય છે.

ર. ના. મહેતા