નરસિંહપુર : ભારતના મધ્યપ્રદેશ રાજ્યનો જિલ્લો અને જિલ્લામથક. તે આશરે 23° 0´ ઉ. અક્ષાંશવૃત્ત અને 79° 0´ પૂ. રેખાંશવૃત્ત પર સિન્ગ્રી નદીના કિનારે આવેલું છે. આ શહેરી વસાહત એક કાળે ‘છોટા ગડરવાડા’ તરીકે ઓળખાતી હતી, પણ લગભગ ઈ. સ. 1800માં અહીં વિષ્ણુના ચોથા અવતાર ભગવાન નરસિંહનું મંદિર બાંધવામાં આવ્યા પછીથી તે ‘નરસિંહપુર’ તરીકે ઓળખાતું થયું છે. મંદિરમાં આવેલી મૂર્તિ માનવ અને સિંહનો આકાર ધરાવે છે.
સિન્ગ્રી નદી દ્વારા બે ભાગમાં વહેંચાયેલા આ નગરનો પૂર્વ ભાગ ‘કાન્ડેલી’ અને પશ્ચિમ ભાગ ‘નરસિંહપુર’ તરીકે ઓળખાય છે. તે રેલવેનું જંકશન છે અને આજે કૃષિપેદાશો અને લાકડાંનું વ્યાપારકેન્દ્ર બની રહ્યું છે. અહીં લાકડાં વહેરવાની ઔદ્યોગિક પ્રવૃત્તિ અગત્યની છે. તે રાષ્ટ્રીય ધોરી માર્ગે સાગર, ઝાંસી, નાગપુર, જબલપુર વગેરે સાથે તેમજ રેલમાર્ગે છીંદવાડા, જબલપુર, હોસંગાબાદ, ઇટારસી અને દેશનાં અન્ય નગરો સાથે સંકળાયેલું છે. આ નગર સાગર યુનિવર્સિટીને સંલગ્ન એક કૉલેજ પણ ધરાવે છે.
નરસિંહપુર જિલ્લો (5,133 ચોકિમી.) નર્મદા નદી (ઉત્તરમાં) અને સાતપુડા હારમાળા (દક્ષિણમાં) વચ્ચેની સાંકડી કાંપયુક્ત રસાળ મેદાનપટ્ટીમાં આવેલો છે. તેથી અહીં મુખ્યત્વે ઘઉં, જુવાર, ચણા અને તેલીબિયાં જેવી ખેતપેદાશોનું મબલખ ઉત્પાદન થાય છે. વળી અહીં જંગલપેદાશો પણ અગત્ય ધરાવે છે. ઉપરાંત આ જિલ્લામાંથી કોલસો, સ્ટિએટાઇટ, અબરખ, ઍસ્બેસ્ટૉસ, લોખંડ વગેરે ખનિજસંપત્તિ પણ મળે છે. આ જિલ્લાનો વિસ્તાર 5133 ચો.કિમી. જેટલો તથા જિલ્લાની કુલ વસ્તી 10,92,141 (2011) અને સરેરાશ વસ્તીગીચતા દર ચોકિમી.એ 153 જેટલી છે.
નરસિંહપુર નામનું અન્ય એક નગર ઓરિસા રાજ્યના કટક જિલ્લામાં મહા નદીના તટીય પ્રદેશમાં સિંચાઈયુક્ત મેદાનોમાં પણ આવેલું છે. તેની આસપાસના પ્રદેશમાં મુખ્યત્વે ડાંગરની ખેતી થાય છે. તે સડકમાર્ગે કટક અને ભુવનેશ્વર સાથે સંકળાયેલું છે.
બીજલ પરમાર