નરસિંહગુપ્ત બાલાદિત્ય (સને 495–510) : મગધનો અંતિમ મહાન ગુપ્ત સમ્રાટ. સ્કન્દગુપ્તના અવસાન બાદ ગુપ્ત સામ્રાજ્યનું વિઘટન થયું અને સ્કન્દગુપ્તના વારસદારો ઉત્તર ભારતના જુદા જુદા પ્રદેશોમાં સ્વાયત્ત કે ખંડિયા રાજાઓ તરીકે શાસન કરતા હતા. નરસિંહગુપ્ત-બાલાદિત્ય પાંચમી સદીના અંતે અને છઠ્ઠી સદીના પ્રારંભે મગધમાં રાજ્ય કરતો હતો. ‘બાલાદિત્ય’ તેનો ખિતાબ હતો.

માળવામાં મંદસોર પાસેના બે સ્તંભ-લેખોના વિવરણ મુજબ છઠ્ઠી સદીની પહેલી પચીસીમાં માળવામાં યશોધર્મન નામે શક્તિશાળી શાસકનો ઉદય થયો. તેણે માળવાના ગુપ્ત રાજવીને પરાજય આપીને પોતાનું રાજ્ય મગધ સુધી વિસ્તાર્યું તથા મગધના ગુપ્ત શાસક બાલાદિત્યને પણ નમાવ્યો, યશોધર્મને કાશ્મીર, પંજાબ વગેરેના હૂણ શાસક મિહિરકુલને પણ હરાવ્યો. આમાં તેને મગધના રાજવી બાલાદિત્યની સહાય મળી.

હ્યુ-એન-સંગના કથન મુજબ આ પહેલાં મિહિરકુલે નરસિંહગુપ્ત બાલાદિત્યને પણ પોતાને ખંડણી આપવાની ફરજ પાડી હતી, પરંતુ પછીથી બાલાદિત્યના લશ્કરે મૌખરીઓની મદદથી મિહિરકુલને સખત પરાજય આપ્યો. બાલાદિત્યે મિહિરકુલને હરાવીને ગુપ્ત રાજ્યને બચાવ્યું. ત્યારબાદ તેણે બંગાળ, કલિંગ વગેરેમાં પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો. આમ તેણે પૂર્વ ભારતના ઘણા વિસ્તારો કબજે કરીને ફરી એક વાર ગુપ્ત સામ્રાજ્યની પ્રતિભાને સ્થાપિત કરી.

હ્યુ-એન-સંગના જણાવ્યા મુજબ બાલાદિત્ય ધર્મસહિષ્ણુ હતો. તેણે નાલંદા વિદ્યાપીઠમાં બૌદ્ધમઠ બંધાવ્યો હતો. નાલંદાના આઠમી સદીના અભિલેખમાં પણ આ હકીકત દર્શાવવામાં આવી છે તથા બાલાદિત્યને વીર તેમજ વિદ્વાનોના આશ્રયદાતા તરીકે વર્ણવેલ છે. બાલાદિત્ય નરસિંહગુપ્તના ભારે વજનના સોનાના સિક્કાઓ મળી આવ્યા છે તેમાં આગલી બાજુ નરસિંહગુપ્તની છાપ છે તથા પાછલી બાજુએ બાલાદિત્ય નામ કોતરાયેલ છે. આ ઉપરથી નરસિંહગુપ્ત તેમજ બાલાદિત્ય એક જ હોવાની પ્રતીતિ થાય છે. નરસિંહગુપ્તના સોનાના સિક્કા ગુપ્તોની સમૃદ્ધિ થોડા સમય માટે પુન:સ્થાપિત થઈ હોવાનું સૂચવે છે. નરસિંહગુપ્તના અવસાન બાદ ગુપ્ત રાજ્ય વેરવિખેર થઈ ગયું હોવાનું સાહિત્યિક તેમજ આભિલેખીય પુરાવા પરથી સૂચિત થાય છે.

રમણલાલ ક. ધારૈયા