નમન, નમનકોણ (dip), નમનદિશા : શૈલ સ્તરનો ક્ષૈતિજ સમતલ અધિકતમ ઢોળાવ, તેનો કોણ અને તેની દિશા. લગભગ બધા જ જળકૃત ખડકો અનુકૂળ સંજોગો હેઠળ ક્ષિતિજસમાંતર સ્થિતિમાં એક પછી એક કણજમાવટ પામીને પ્રત્યેક સ્તર અલગ પાડી શકાય એવા શ્રેણીબદ્ધ સ્તરસમૂહ રૂપે તૈયાર થતા હોય છે. પ્રત્યેક સ્તર તેના રંગ, ખનિજબંધારણ અને કણકદની ભિન્નતાને કારણે જુદા તારવી શકાય છે. બધા જ જળકૃત ખડકો તેમની આ પ્રકારની વિશિષ્ટતાઓને કારણે પ્રસ્તર-ખડકો (સ્તરવાળા) તરીકે પણ ઓળખાય છે. કેટલાક અગ્નિકૃત અને વિકૃત ખડકો પણ સ્તરવાળા હોય છે. સ્તરોનું ઉત્થાન થાય ત્યારે સંડોવાતા સ્તરોના પ્રકાર મુજબ તેમજ અસર કરતાં પ્રતિબળોની ઉગ્રતા અને દિશા મુજબ મૂળભૂત ક્ષિતિજસમાંતર સ્થિતિમાં કે કોઈ પણ દિશા તરફ નમેલી સ્થિતિમાં ઊંચકાઈ આવીને, સ્તરભંગ પામીને કે પછી ગેડીકરણ પામીને ગોઠવાય છે. આ રીતે ખડકસ્તરોનાં દિશાકીય અને કોણીય, સ્તરભંગનાં કે ગેડનાં વલણ ઊભાં થાય છે. ક્ષેત્રીય અભ્યાસ માટે આ વલણોની સમજ, માપન અને અર્થઘટન મહત્ત્વનાં છે.

ક્ષિતિજસમાંતરે વિમુખ બનેલા (નમેલા) સ્તરો જે દિશા તરફ તે નમેલા હોય તે દિશાકીય વલણને નમનદિશા અને જેટલા ખૂણે નમેલા હોય તે કોણીય વલણને નમનકોણ કહેવાય છે. નમનદિશા ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન, અગ્નિ, નૈર્ઋત્ય કે વાયવ્ય તરફી ગમે તે હોઈ શકે છે, દિશાકોણના સંદર્ભમાં પણ તે રજૂ કરી શકાય છે. નમનકોણ શૂન્યથી વધીને 90° સુધીનો ગમે તે હોઈ શકે છે. સ્તરો 0° ની નમનરહિત સ્થિતિ દર્શાવે તો તે ક્ષિતિજસમાંતર અને 90°ની સ્થિતિ દર્શાવે તો તે ઊર્ધ્વ (vertical) કહેવાય છે. નમનદિશા હોકાયંત્ર દ્વારા અને નમનકોણ નમનદર્શક દ્વારા માપી-જાણી શકાય છે. આ બંને પ્રકારનાં વલણ માપવા માટે નમનદર્શક હોકાયંત્ર અને બ્રુન્ટન હોકાયંત્ર નામનાં સાધનો ઉપયોગમાં લેવાય છે. કોઈ પણ સ્તરનું નમન, નમનદિશા અને નમનકોણ દ્વારા આ રીતે દર્શાવાય છે : 30° NE અથવા 30° N 45E ; 40° NNW અથવા 40° N20W; 50°ESE અથવા 50° S 75E, વગેરે. સ્તરના ક્ષિતિજસમતલ સાથે બનતા કોણને નમનકોણ (dip) કહેવાય છે.

આકૃતિ 1 : નમન અને સ્તરનિર્દેશન

નમનકોણના પ્રકારો : (1) વાસ્તવિક નમનકોણ (true dip) (2) પરોક્ષ નમનકોણ (apparent dip) – સ્તરનમનના મહત્તમ કોણને વાસ્તવિક નમનકોણ કહે છે. તે સ્તરનિર્દેશન દિશાને કાટખૂણે મપાય છે. વાસ્તવિક નમનકોણ સિવાય તેની બંને બાજુઓ તરફ જતાં મેળવાતા કોણ પરોક્ષ નમનકોણ ગણાય છે. તેના કોણાંક વાસ્તવિક નમનકોણ કરતાં હંમેશાં ઓછા હોય છે અને સ્તરનિર્દેશન-દિશા તરફ જતાં તે ક્રમશ: ઓછા થતા જઈ છેવટે શૂન્ય બની રહે છે. આ બંને પ્રકારના નમનકોણ ગુણોત્તર રૂપે પણ દર્શાવી શકાય છે; જેમ કે, 45°નો નમનકોણ 1:1 કહેવાય. ગુણોત્તરના સંબંધમાં 1:10નો કોણ 1:5 ના કોણ કરતાં ઓછો હોય છે. કોણની આ બંને પ્રકારની રજૂઆતને કોણમૂલ્ય કે કોણપ્રમાણ (amount of dip) કહેવાય છે (જુઓ આકૃતિઓ).

આકૃતિ 2 : નમન અને સ્તરનિર્દેશન : સ્તરનિર્દેશન-દિશા ઉત્તર-દક્ષિણ. નમનદિશા પૂર્વ તરફ, નમનકોણ Q

રચનાત્મક નકશાઓના છેદ દોરવામાં કોણપ્રમાણમાં નીચેના સૂત્ર દ્વારા મેળવાય છે :

જેમ કે, સમોચ્ચવૃત્ત તફાવત 30 મી.નો હોય અને બે સ્તરનિર્દેશન-રેખાઓ વચ્ચેનું અંતર 1 સેમી. હોય તો તે નકશાના પ્રમાણમાપ (1 સેમી. = 120 મી.) મુજબ 30/120 = 1:4 થાય.

આકૃતિ 3 : 1:1 > 1:5 > 1:10 નમનકોણના ગુણોત્તરનો તુલનાત્મક સંબંધ.

નમનકોણના અન્ય પ્રકારોમાં પ્રારંભિક નમનકોણ, પરિણામી નમનકોણ અને પ્રાદેશિક નમનકોણનો સમાવેશ થાય છે. નિક્ષેપક્રિયા માટેનું થાળું જ સ્વયં ઢોળાવવાળું હોય તો તેના પર જામતા સ્તરોના નમનકોણ પણ ઢોળાવને સમાંતર જ રચાય, પરંતુ થાળાની તલસપાટી 30°થી ઓછા, સામાન્યત: તો 0°–20° વચ્ચેના ઢોળાવવાળી હોય તો જ નિક્ષેપક્રિયા શક્ય બને છે. આ પ્રકારના નમનકોણને પ્રારંભિક નમનકોણ અથવા ઢોળાવ અનુસારી નમનકોણ (initial dip અથવા primary dip અથવા depositional gradient) કહે છે. નિક્ષેપક્રિયા થઈ ગયા પછી ક્યારેક તે વિસ્તારનું સ્તરઉત્થાન ક્રમશ: થતું જાય તો તે નિક્ષેપો થોડા થોડા અંતરના તફાવતે જુદા જુદા નમનકોણ બનાવે છે. આ પ્રકારના નમનકોણ પરિણામી નમનકોણ કહેવાય છે. કાશ્મીર ખીણની કારેવા શ્રેણીના નિક્ષેપો 0°–40°ના નમનકોણ દર્શાવે છે. વિશાળ વિસ્તારને આવરી લેતી કોઈ એક ખડકશ્રેણીના નમનકોણ સ્થાનભેદે બદલાતા હોવા છતાં વ્યાપક (સરેરાશના) અર્થમાં તેને પ્રાદેશિક નમનકોણ તરીકે ઘટાવાય છે. આમાં નમનદિશા કે નમનકોણની સ્થાનિક ભિન્નતાને લક્ષમાં લેવાતી નથી. આ ઉપરાંત સ્થાનિક નમનકોણ તરીકે ઓળખાતો એક મુદતી પ્રકાર પણ ઉમેરી શકાય; દા. ત., વર્ષોવર્ષ જામતા જતા અને ધોવાતા જતા નદીજન્ય નિક્ષેપો તટવિભાગોમાં નમન રજૂ કરતા હોય છે.

ખડકસ્તરો જ નમનવાળા હોય એવું નથી, સાંધાસપાટી, સ્તરભંગસપાટી, ખડકસંભેદસપાટી જેવી બે આયામ ધરાવતી કોઈ પણ તલસપાટી નમનવાળી હોઈ શકે, તેમની નમનદિશા કે નમનકોણ પણ સ્તરોની માફક જ મેળવી શકાય છે.

ગિરીશભાઈ પંડ્યા