નમનદર્શક (clinometer) નમનદર્શક હોકાયંત્ર (clinometer compass)

January, 1998

નમનદર્શક (clinometer) નમનદર્શક હોકાયંત્ર (clinometer compass) : કોઈ પણ પ્રકારના ભૂસ્તરીય ક્ષેત્રકાર્યમાં સ્તરનમન (નમનકોણ–નમનદિશા) દિશાકોણ અને દિશામાપન માટે ઉપયોગમાં લેવાતું સાધન. ઊંચાઈ માપવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. સાદા ઘડિયાળની જેમ જ ચપટા, ગોળાકાર આ સાધનમાં રેખાંકિત ચંદો (dial) જડેલો હોય છે. તેની બાહ્ય કિનારી 0°થી 360° સુધી ઘડિયાળના કાંટાઓની ફરવાની ઊલટી દિશામાં અંકિત કરેલી હોય છે. આ સાથે ચંદા પર તેના મધ્યસ્થ બિંદુમાંથી વિકેન્દ્રિત રેખાઓ દ્વારા N, NNE, NE, ENE, E, ESE, SE, SSE, S, SSW, SW, WSW, W, WNW, NW અને NNW એ પ્રમાણેની 16 દિશાઓ પણ દર્શાવેલી હોય છે. 360°વાળી કિનારીથી અંદર તરફ તરત જ બીજા એક રેખીય વર્તુળ પર E અને W બિંદુઓથી શરૂ કરીને બંને બાજુએ 0°થી 90° ના ચાર વિભાગો અંકિત કરેલા હોય છે. આ ઉપરાંત તેથી પણ અંદરની બાજુએ ઊંચાઈમાપન માટેની એક અંકિત ચાપ હોય છે. ચંદાની મધ્યમાં જડેલી કીલક (pivot) પર મુક્ત રીતે સરળતાથી ફરી શકે એ પ્રમાણે એક ચુંબકીય સોય (magnetic needle) ગોઠવેલી હોય છે. ચુંબકીય સોય હંમેશાં ઉત્તર દિશા પ્રતિ ગોઠવાયેલી રહે છે. તેથી અન્ય કોઈ પણ દિશાની જાણકારી મળી રહે છે. નમનદર્શક હોકાયંત્રની  ગોળ ડબી સાથે બહારના ભાગ પર બે ઊભી પટ્ટીવાળો બ્રિજ સરળતાથી ફેરવી શકાય તેમ ગોઠવેલો હોય છે. ઉત્તર તરફની ઊભી પોલી બાજુમાં વચ્ચે દિશાકોણમાપનના દૃષ્ટિપથ માટે પાતળી પટ્ટી કે તાર મૂકેલો હોય છે, જ્યારે દક્ષિણ તરફની ઊભી પટ્ટીમાં ઊભું છિદ્ર રાખવામાં આવે છે. સોય અને લોલકને સ્થિર કરી દેવા માટે બહાર એક ચાવી પણ રાખેલી હોય છે. સાધનના આરક્ષણ માટે ઉપરના ભાગમાં કાચ જડેલો હોય છે.

(1) આ સાધનનો હોકાયંત્ર તરીકે દિશામાપન માટે ઉપયોગ થાય છે. દિશામાપન હેતુ માટે સાધન હાથમાં રાખી ફેરવવામાં આવે છે. સોય (ફરતી લાગતી હોવા છતાં) ઉત્તર-દક્ષિણ સ્થિર રહે છે અને કોઈ પણ સ્થાનક object કે બિંદુની દિશા સોયની મદદથી ચંદા પર નિર્દિષ્ટ રેખાઓ કે અંશો દ્વારા જાણી શકાય છે. (2) ક્ષેત્રમાં સ્વસ્થાન તેમજ કોઈ મહત્ત્વની ખનિજ ઉપલબ્ધિનું સ્થાન નક્કી કરવામાં અને નકશામાં દર્શાવી આપવામાં (દિશાકોણ-પ્રતિદિશા કોણમાપન દ્વારા) આ સાધન ઉપયોગી થઈ પડે છે. વધુ માહિતી માટે દિશાકોણમાપનમાં ચુંબકીય સોય, બ્રિજ અને અંકિત ચંદાનો ઉપયોગ કરવામાં આવે છે અને નકશા પર તેમજ તે સ્થાન પરથી જોઈ શકાતાં બે કે ત્રણ સ્થાનકોના દિશાકોણ લેવાય છે. (3) ચુંબકીય સોય ઉપરાંત, કીલક સાથે એક લોલક પણ મુક્ત રીતે ચંદા પર ફરી શકે તેમ લગાડેલું હોય છે. ખડકસ્તરોના નમનકોણ માપવા માટે તેનો ઉપયોગ થાય છે. સાધનની બાજુમાં બ્રિજને રાખીને, નમેલા સ્તર પર ગોઠવવાથી, લોલકની ચંદા પર રહેતી સ્થિર સ્થિતિ નીચેનો અંદરના વર્તુળ પરનો આંક નમનકોણ દર્શાવે છે. (જુઓ નમનકોણ.) નમનદિશા હોકાયંત્રની મદદથી જાણી શકાય છે.

ગિરીશભાઈ પંડ્યા