નમિનાથ : જૈન ધર્મના એકવીસમા તીર્થંકર. અનુશ્રુતિ અનુસાર પૂર્વજન્મમાં તેઓ કૌશાંબી નગરીના રાજા સિદ્ધાર્થ હતા. તેમણે સુદર્શન મુનિની પાસે દીક્ષા લઈને કઠોર તપ કર્યું અને તીર્થંકર બન્યા. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા – એ ચાર તીર્થો તેમણે સ્થાપ્યાં તેથી તેઓ તીર્થંકર કહેવાયા. સમાધિપૂર્વક દેહત્યાગ કરી અપરાજિત નામના સ્વર્ગમાં દેવ તરીકે જન્મ્યા.

આ સિદ્ધાર્થ રાજાનો જીવ ત્યાંથી ચ્યવીને આસો સુદ પૂનમને દિવસે મિથિલા નગરીના રાજા વિજયની રાણી વિપ્રાના ગર્ભમાં આવ્યો. રાણી વિપ્રાને ચૌદ મંગલ સ્વપ્નો આવ્યાં.  એ પછી મિથિલાનગરીને શત્રુઓએ ઘેરી લેતાં રાજા વિજય ડરી ગયા; પરંતુ રાણી વિપ્રાએ કિલ્લા પર ચડી શત્રુઓને વાંકી નજરે જોયા. શત્રુઓ રાણીનું તેજ ખમી શક્યા નહિ તેથી રાણીને સૌમ્ય નજર કરવા પગે લાગીને કરગર્યા. રાણીની રજા લઈ શત્રુઓ  ઘેરો ઉઠાવી લઈ પાછા ફર્યા. ગર્ભના પ્રભાવથી શત્રુઓ નમ્યા તેથી જન્મ પછી તેમનું નામ નમિ કે નમિનાથ રાખવામાં આવ્યું. તેઓ વિદેહ દેશના હોવાથી વિદેહી એવા નામથી પણ ઓળખાયા. તેઓ આ રીતે મિથિલામાં જન્મેલા.

યુવાન થયા પછી તેમણે અનેક સુંદર રાજકુમારીઓ સાથે લગ્ન કરેલાં. રાજકુમાર તરીકે અઢી હજાર વર્ષ રહ્યા. એ પછી તેમનો રાજ્યાભિષેક થયો. એ પછી પાંચ હજાર વર્ષ સુધી (બીજા મતે સાડા છ હજાર વર્ષ સુધી) રાજ્યનું પાલન કર્યું. એ પછી પોતાના પુત્ર સપ્રભને રાજગાદી સોંપી તેમણે દીક્ષા લોકાન્તિક દેવોની વિનંતી દ્વારા લીધી. એક વર્ષ સુધી દાન આપી એક હજાર રાજાઓ સાથે અષાઢ વદ નોમને દિવસે તેમણે દીક્ષા લીધેલી. એ પછી વિહાર કરી બે દિવસ ભૂખ્યા રહી વીરપુરના રાજા દત્તને ત્યાં પારણાં કર્યાં. પારણાંને સમયે પાંચ દિવ્ય પ્રગટ થયાં. એ પછી નવ માસ સુધી કઠોર તપ કરી ચાર ઘન ઘાતી કર્મો ખતમ કરી માગશર વદ અગિયારશને દિવસે બોરસલીના વૃક્ષ નીચે ધ્યાનમાં કેવલજ્ઞાન (=મોક્ષજ્ઞાન) મેળવ્યું.

કેવલી બનીને દેવ, અસુર અને માણસોની વિશાળ સભામાં ધર્મદેશના કરી તથા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાના ચતુર્વિધ સંઘની એટલે કે તીર્થની સ્થાપના કરી. તેથી તીર્થંકર બન્યા.

એ પછી અઢી હજાર વર્ષ સુધી (બીજા મતે એક હજાર વર્ષ સુધી) કેવલી તરીકે રહ્યા. અંતે, ધર્મોપદેશ કરતાં કરતાં તેમણે એક હજાર મુનિઓ સાથે સમેતશિખર પર જઈ અનશન કરી શુક્લ ધ્યાનને અંતે યોગનિરોધ કરી વૈશાખ વદ દશમને દિવસે દેહત્યાગ કરી મોક્ષ પ્રાપ્ત કર્યો. આમ તેમની આયુષ્યમર્યાદા દશ હજાર વર્ષની હતી. મુનિસુવ્રત સ્વામી પછી છ લાખ વર્ષ પછી નમિનાથ મોક્ષ પામેલા. તીર્થંકર તરીકે તેમના પરિવારમાં સત્તર ગણધરો, સોળસો કેવલી, બારસો સાત મન:પર્યવજ્ઞાની, સોળસો અવધિજ્ઞાની, ચારસો પચાસ પૂર્વધર, પાંચ હજાર વૈક્રિયલબ્ધિધારી, એક હજાર વાદી, વીસ હજાર સાધુ, એકતાલીસ હજાર સાધ્વી, એક લાખ સિત્તેર હજાર શ્રાવક અને ત્રણ લાખ અડતાલીસ હજાર શ્રાવિકા હતાં.

રૂપેન્દ્રકુમાર પગારિયા