નદવી, અબ્દુસ્સલામ (જ. 1882; અ. 1956, આઝમગઢ) :  અલનદવામાં તાલીમ પામેલા અને દારુલ મુસન્નિફીનમાં આજીવન સેવા આપનારા વિદ્વાન. કોઈ એક સંસ્થામાં મન મૂકીને નિષ્ઠાપૂર્વક સાહિત્ય-સંશોધનના કામમાં વ્યસ્ત રહેનારા લોકોમાં તેમનું નામ યાદગાર રહેશે. તેમણે ઉર્દૂ કાવ્યના ઇતિહાસ વિશે સદૃષ્ટાંત સમીક્ષાના બે ગ્રંથો લખ્યા છે. વિષયની દૃષ્ટિએ તે ખૂબ ઉપયોગી નીવડ્યા છે. તે જ રીતે કવિ ઇકબાલ વિશેનો તેમનો ગ્રંથ પણ ઉર્દૂ સાહિત્યમાં ઉલ્લેખનીય યોગદાન મનાય છે. આ  ઉપરાંત ‘સીરતે ઇબ્ન અબ્દુલ અઝીઝ’, ‘ઇબ્નયમીન’ અને ‘ઉસ્વએ સહાબિયાત’ જેવાં પુસ્તકો સહિત અનેક વિદ્વતાપૂર્ણ નિબંધો તેમણે લખ્યા છે.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા