નગર-આયોજન

નગરની સ્થાપનાથી માંડીને તેના ભાવિ વિકાસ સુધીની સુવ્યવસ્થિત યોજના. નવા નગરની સ્થાપના સંબંધે તથા નગરના લોકોનું જીવન ઊંચી ગુણવત્તા ધરાવતું બને તે અંગે નગરના આયોજકો સ્થાનિક શાસનને માર્ગ સૂચવે છે. 5000થી વધારે વસ્તી તથા ચોકિમી. દીઠ આશરે 1000થી વધારે માણસોની ગીચતા ધરાવતા સ્થળને નગર ગણવામાં આવે છે. તેમાં 75 %થી વધારે વસ્તી બિનખેતી વ્યવસાયોમાં રોકાયેલી હોય છે.

નગર એવું સ્થળ છે જ્યાં રહેતા લોકો મુક્ત અને ઉદાર ભૂમિકા ઉપર સ્વસ્થ અને નિર્ભય જીવન જીવી શકે છે. વ્યક્તિની જેમ નગરને પણ પોતાનું આગવું જીવન અને આગવી પ્રતિભા હોય છે. નગરોમાં સમાનતા હોય છે તેમ વિશેષતાઓ પણ હોય છે. આથી નગર-આયોજનમાં દરેક નગર માટે સમાન નિયમો કે ધોરણો લાગુ પાડી શકાતાં નથી. જે તે નગરની વિશિષ્ટ પરિસ્થિતિને અનુલક્ષીને સ્વતંત્ર રીતે આયોજનનો વિચાર કરવામાં આવે છે. નગર-આયોજનમાં પાણી આદિ આવશ્યકતાઓની વ્યવસ્થા, કચરા તથા મલિન દ્રવ્યોનો નિકાલ, પરિવહન, સંચાર, વેપાર, ઉદ્યોગનાં સ્થાન, સામાજિક તથા ધાર્મિક સ્થાનો અને જનસમુદાય માટેનાં નિવાસસ્થાનોનો વિચાર કરવામાં આવે છે. આયોજનનો વિવિધ ક્ષેત્રો જોડે સંબંધ હોવાથી પરામર્શન માટે ભૂસ્તરશાસ્ત્રી, ભૂગોળશાસ્ત્રી, જળ-આપૂર્તિ ઇજનેર, ગટરવ્યવસ્થાના ઇજનેર, માર્ગનિર્માણના તથા પરિવહનના નિષ્ણાત, સ્થપતિ, સમાજશાસ્ત્રી, ધારાશાસ્ત્રી, શાસનક્ષેત્રના અધિકારી વગેરેની સહાય આવશ્યક છે. ઉપરાંત નાગરિકો તથા વેપાર-ઉદ્યોગ જૂથના પ્રતિનિધિઓની એક નગર-આયોજન સમિતિ જેવી રચના કરવામાં આવે છે. બહુ નાનાં નગરો આવી વિસ્તૃત કાર્યપદ્ધતિ અપનાવતાં નથી. હવે ધંધાદારી આયોજકો તેમને ઇષ્ટ ક્ષેત્ર માટે આયોજન-પ્રકલ્પ (project) તૈયાર કરી આપે છે. મોટાં નગરોને પોતાના વિશેષ નગર-આયોજન-વિભાગો હોય છે.

નગર-આયોજનમાં અદ્યતન સુવિધાવાળાં નિવાસસ્થાનોનું મહત્ત્વ હોવા ઉપરાંત પરિવાર, સમાજ અને નાગરિકતાની ભાવનાઓ પાછળનાં માનસશાસ્ત્રીય પરિબળોનો વિચાર પણ કરવામાં આવે છે. ધર્મસ્થાનો, સાંસ્કૃતિક કેન્દ્રો, સભાગૃહો, આનંદપ્રમોદનાં સ્થાનો તથા ક્રીડાંગણોનું મહત્ત્વ તથા વિવિધ જૂથોનાં વિશેષ લક્ષણો, વિષમતાઓ તથા તેમની પ્રથાઓ ધ્યાનમાં લેવામાં આવે છે. વળી સમય જતાં થનારા વિકાસની શક્યતાનો વિચાર કરીને દીર્ઘદૃષ્ટિપૂર્વક આયોજન કરવું પડે છે. જરૂરી માહિતી એકત્ર કરી આયોજકો તબક્કાવાર ક્રમશ: આગળ વધે છે.

આયોજનનાં મૂળતત્વો : પ્રાપ્ય ભૂમિમાં સામાન્ય આયોજન આ પ્રમાણે થાય છે. નિવાસ માટેના સ્વતંત્ર એકમો માટે 30 % થી 35 %, જોડિયાં ઘરો માટે 5 % થી 10 %, ફ્લૅટ કે બહુમાળી ઘરો માટે 10 % થી 15 %, વેપારધંધાનાં સ્થળો માટે 5 % થી 10 %, આમ આશરે 60 % ભૂમિ રોકાય છે. બાકીની 40 % ભૂમિ માર્ગો, ઉદ્યાનો આદિ માટે ઉપયોગમાં લેવાય છે.

સ્થાપત્યમાં મુખ્ય બે મુદ્દા પર ધ્યાન આપવામાં આવે છે : રચનાત્મક અને રક્ષણાત્મક. રક્ષાત્મક નિર્માણ સ્થાપત્યના નિયમો અને સિદ્ધાંતોને અનુરૂપ હોય છે. સાર્વજનિક ભવનો વિશિષ્ટ નિર્માણ ધરાવતાં હોય છે. તે જગ્યાએ પૂરતા પ્રમાણમાં ખુલ્લી ભૂમિ, લીલોતરી, વૃક્ષાદિ રખાય છે. સ્થળ ચોક, ચાર રસ્તા કે એવા મહત્ત્વના વિભાગમાં પસંદ કરાય છે, જેથી નાગરિકોને ત્યાં પહોંચવામાં સરળતા રહે. વાહનોનાં પ્રવાહ તથા ગતિ વિશે માહિતી એકત્ર કરી તે પ્રમાણે માર્ગોનું આયોજન કરાય છે. તેમાં નિયંત્રણની વ્યવસ્થા પણ ગોઠવેલી હોય છે.

રક્ષાત્મક આયોજનમાં બાંધકામના નિયમોનો ભંગ કરી ઊભાં કરાતાં બાંધકામો રોકવાની વાત મુખ્ય છે. આડેધડ બાંધકામથી આયોજનનો હેતુ માર્યો જાય છે નાગરિકોની અગવડો વધે છે અને નગરની શોભા નાશ પામે છે. આ માટે નિયમાનુસાર ન હોય તેવાં નિર્માણો સામે પ્રતિબંધ મુકાય છે.

નિયંત્રણો છતાં કેટલાક લોકો ખોટાં બાંધકામો કરે તો વૈધાનિક સત્તાના બળે તેવાં બાંધકામો તોડી પાડવામાં આવે છે. કોઈ વાર ભૂમિક્ષેત્રોનું પુનરાયોજન કરીને વિભાગોનાં સ્થાન બદલવામાં આવે છે. માર્ગો પહોળા કરવા પડે છે. વસ્તી વધવાથી અમુક સ્થળ કોઈ વિશેષ હેતુ માટે ફાળવવું પડે છે. આ માટે જૂની બાંધણીનાં નગરોમાં કોટ ક્યારેક તોડી પાડવો પડે છે.

અભિગમ અને દૃષ્ટિકોણ : પ્રાચીન સમયમાં નગરો કોઈ વિશેષ આયોજન વિના સ્વાભાવિક રીતે વિકસતાં હતાં. કેન્દ્રમાં હાટ, જળાશય વગેરે હોય અને તેની નિકટમાં વસવાટ હોય. આમ, સુયોજિત વિકાસના અભાવે તેમાં આડેધડ બાંધકામો થવાથી ઘણી અગવડો ઊભી થતી. કૉલકાતા તથા પટણા જેવાં નગરોમાં ચાલીઓ તથા માળાઓના આવા ગીચ બાંધકામને કારણે જીવન ધમાલિયું તથા અવરજવર માટે અગવડભર્યું બની ગયું છે. વર્તમાન સમયના આયોજનમાં કૃત્રિમતાને બદલે પ્રાકૃતિકતા ઉપર ભાર મૂકવામાં આવે છે. નગરનું પર્યાવરણ મનને તણાવમુક્ત કરી શાંતિ પ્રેરે તેવું હોવું જરૂરી માનવામાં આવતું હોવાથી સ્થાપત્યમાં સૌંદર્યલક્ષી તથા મનોરંજક અભિગમ જરૂરી છે. જોકે આયોજન વિશે આહલાદક સભાનતા છતાં ઔદ્યોગિક વિકાસના ઝડપી વેગ તથા રાજકીય પરિબળોને કારણે નગરોનો વિકાસ અંકુશ બહાર જતો રહ્યો છે. ચંડીગઢ જેવાં નગરોમાં વિભાગો (sectors) દૂર દૂર હોવાથી જીવન એકલવાયું લાગે છે. આમ, મહાનગરમાં વિકાસ માટે જમીન ઓછી પડે છે, પરિણામે ભૂમિ મોંઘી થવાથી ભવનનિર્માણમાં દૂષણો દાખલ થાય છે.

નગર-આયોજન એ લાંબી અવધિનું આયોજન છે. તેની સફળતા માટે સ્વાનુશાસન અને સંઘાનુશાસન અનિવાર્ય છે. આ સંદર્ભમાં વેગે વિકસતાં મહાનગરો માટે નીચે વર્ણવેલાં બે પ્રકારનાં આયોજનો ઉપયોગી જણાયાં છે :

(1) કેન્દ્રસ્થ નગર, તેને ફરતી હરિયાળી પટ્ટી અને પરિધિમાં સ્વાવલંબી ઉપનગરોનું આયોજન. ઉપનગરો તેમની આવશ્યકતાઓ વિશે સ્વાવલંબી હોવાથી કેન્દ્રસ્થ ભાગ જોડે તેમને પરિવહનમાં સમય વેડફવો પડતો નથી. માનસિક તણાવમાં ઘટાડો કરનારું આ મોટું પરિબળ છે.

(2) કૃષિલક્ષી આયોજન : ભારત ખેતીપ્રધાન દેશ હોઈ ઘણી મોટી વસ્તી ગામોમાં વસે છે. આ લોકોને નગરમાં આવવાની જરૂર ન રહે તે દૃષ્ટિએ પણ નગર-આયોજકો વિચારતા થયા છે. પ્રાકૃતિક પરિબળોની અનુકૂળતા તથા સાધનસ્રોતોની ઉપલબ્ધિ અનુસાર ખેતીમાં પૂરક નીવડે તેવા ગૃહઉદ્યોગો તથા ગ્રામોદ્યોગો વિકસાવી સ્વાવલંબી ગ્રામ-આયોજન કરાય તો નગરો સાથેનો તેમનો વ્યવહાર શિક્ષણ, સ્વાસ્થ્યસેવા તથા ક્રયવિક્રય પૂરતો મર્યાદિત બને અને નગર ઉપરનો ભાર એટલે અંશે ઘટી શકે છે.

સર્વેક્ષણ : પૂરતી માહિતી વિના આયોજન શક્ય નથી. એટલે આયોજનનો વિચાર કરતાં પહેલાં અનેક પ્રકારની માહિતી એકત્ર કરવામાં આવે છે. નગર માટેના ભૌતિક સર્વેક્ષણમાં ભૂમિની રચના, તેનો ઉપયોગ કરવાની અનુકૂળતા, પ્રાકૃતિક સુવિધાઓ, નિર્માણનો પ્રકાર, પરિવહન વિશે અનુમાન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. સામાજિક સર્વેક્ષણમાં વસ્તીવૃદ્ધિ, સમાજનું બંધારણ, તેમાં સમય જતાં શક્ય પરિવર્તન, લોકોની રહેણીકરણી અને તેમાં સમયાંતરે સંભવિત પરિવર્તન, શૈક્ષણિક આવશ્યકતા, આરોગ્ય સંબંધી આવશ્યકતા, સાંસ્કૃતિક અભિવ્યક્તિ માટે પૂરતી અનુકૂળતા આદિનો સમાવેશ કરાય છે. નિવાસસ્થાનોનો પ્રશ્ન પણ આ જ ક્ષેત્રમાં આવે છે.

આર્થિક સર્વેક્ષણમાં વેપારધંધા તથા ઉદ્યોગની આવશ્યકતા, સંભવિત વિકાસ તથા ઉદ્યોગોના કચરાનો નિકાલ, તેમજ વીજળી-પાણી,  પરિવહનની સુવિધા, સંચારસુવિધા, અગ્નિશમનની સુવિધા, માર્ગોનું નિર્માણ, સમારકામ, દીવાની જોગવાઈ આદિ મૂળભૂત સેવાઓ તથા ક્ષેત્રો માટે માહિતી એકત્ર કરવામાં આવે છે.

નાગરિકતા સર્વેક્ષણમાં પારિવારિક ભાવનાઓ, સમસ્યાઓ, પરિવારોના નાણાકીય વ્યવહારો, આવકની અસમાનતા આદિ વિશે માહિતી એકત્ર કરી તેમનો કેવો પ્રભાવ પડી શકે તેનો વિચાર કરવામાં આવે છે.

આવાં સર્વેક્ષણો નગર, પ્રદેશ અને રાષ્ટ્ર  એમ ત્રણ સ્તરે કરવામાં આવે છે. પ્રાદેશિક સર્વેક્ષણમાં સૂચિત નગરના પ્રદેશમાં ઉપલબ્ધ સુવિધાઓ, પ્રદેશ તરીકેની સમસ્યાઓ, સમાજની સ્થિતિ, વિકાસનો પ્રભાવ આદિ ક્ષેત્રોની માહિતી આયોજન માટે ઉપયોગી થાય એ રીતે એકત્ર કરવામાં આવે છે. રાષ્ટ્રીય સ્તરના સર્વેક્ષણમાં પ્રાદેશિક હિતોની અવગણના, પ્રાદેશિક હિતો વચ્ચે અથડામણ આદિ સમસ્યાઓના સંભવિત ઉદ્ભવ વિશે સાવધાની રાખવામાં આવે છે. વિકાસનાં ફળ સૌને ઉચિત રીતે પહોંચે તે રીતે આયોજનનો વિચાર કરવાનો હોવાથી મોટા અને પાયાના ઉદ્યોગો, મોટા પ્રકલ્પો, સંશોધનશાળાઓ, મહત્ત્વની રાષ્ટ્રીય સંસ્થાઓ આદિ વિશે નિર્ણય લેતાં પહેલાં સવિસ્તર માહિતી આવશ્યક છે.

નકશા : સર્વેક્ષણ પછી નકશા તૈયાર કરવાનો તબક્કો આવે છે. વિવિધ હેતુ માટે નીચે પ્રમાણે નકશા કે માનચિત્રો તૈયાર કરાવવામાં આવે છે :

(1) ભૂમિનું તલ દર્શાવતું સમોચ્ચ રેખાદર્શક માનચિત્ર. તેમાં બે રેખા વચ્ચે 2થી 3 સેમી. જેવું અંતર રખાય છે. આ નકશો ક્ષેત્ર કેટલા પ્રમાણમાં સમતલ છે તથા ઢાળ કેવોક છે તે દર્શાવે છે.

(2) વિભાગદર્શક નકશામાં ખુલ્લાં ક્ષેત્રો, બાંધકામ માટેનાં ક્ષેત્રો, ઉદ્યાનોનાં ક્ષેત્રો, સરોવરાદિ, પ્રમુખ માર્ગો, રેલમાર્ગ, સ્ટેશનનું સૂચિત સ્થાન આદિ વિભાગો દર્શાવાય છે. માપ દર સેમી.માં 0.5 અથવા 1.0 અથવા 2.5 કિમી. જેવું રખાય છે.

(3) ઘનતાદર્શક નકશા. તેમાં પ્રતિહેક્ટરે વસ્તીની ગીચતા દર્શાવાય છે.

(4) સૂક્ષ્મ વિગતોવાળા નકશા; જેમાં ઉપમાર્ગો, શેરીઓ, સીમાઓ, વિશેષ સેવાઓનાં સ્થાનો આદિ દર્શાવાય છે. એમાં દર સેમી.માં 5 કે 10 કે 20 મી. પ્રમાણે માપ રખાય છે.

આ બધાંના આધારે કાચો આયોજન-વૃત્તાંત તૈયાર કરાય છે, જે સંબદ્ધ લોકો તથા સંસ્થાઓને અભ્યાસ અને સૂચનો માટે અપાય છે.

વિભાગીકરણ : વિભાગીકરણ આયોજનનું હાર્દ મનાય છે. સારા વિભાગીકરણથી નગરની ઉપયોગિતા, પ્રતિભા, સુંદરતા, કાર્યસાધકતા આદિ દીપી ઊઠે છે. ભૂમિનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે રીતે તેનું નિવાસ, વેપાર, ઉદ્યોગ, પરિવહન, આનંદપ્રમોદ એમ વિવિધ ક્ષેત્રોમાં વિભાગીકરણ કરવામાં આવે છે; દા. ત., નિવાસક્ષેત્ર એવું હોવું જોઈએ કે ઉદ્યોગોના પ્રદૂષણ સામે તેને રક્ષણ મળે. વિભાગો અનુસાર વિવિધ સેવાઓનું તંત્ર ગોઠવી શકાય છે. સંકલનનો પ્રશ્ન પણ વિચારી શકાય છે. વિભાગીકરણમાં ભૂમિનો ઉપયોગ, બાંધકામોની ઊંચાઈ તથા ઘનતા જેવા વિષયોને ધ્યાનમાં લેવાના હોય છે.

ઉપયોગ : નિવાસો નગરના ક્ષેત્રની 40 %થી 50 % ભૂમિ રોકે છે. એટલે તેના પ્રત્યે પૂરતું ધ્યાન અપાય છે. નાગરિકોને શાંતિ, એકાંત, સામાજિક સમરસતા, આવશ્યક વસ્તુઓની સરળ ઉપલબ્ધિ, પરિવહનમાં સરળતા, બાળકો માટે રમવાનાં ક્ષેત્રો – મોકળાશ તથા કલાષ્ટિ – જેવી બાબતો ધ્યાનમાં લેવાય છે.

નગરની પ્રગતિ આર્થિક પ્રવૃત્તિ, વેપારધંધા ઉપર અવલંબે છે. નગરની 4 % થી 6 % ભૂમિ આ વિભાગ રોકે છે. તેમાં બજાર, ભંડાર, કાર્યાલય, બૅંક, તારટપાલ, ટેલિફોન આદિનું આયોજન એવી રીતે કરાય છે કે વેપારધંધાને જોઈતી સગવડો મળી રહે.

ઉદ્યોગવિભાગ નગરની વિશિષ્ટતા અનુસાર 5 % થી 20 % ભૂમિ રોકે છે. આધુનિક ઉદ્યોગોમાં અટપટી પ્રૌદ્યોગિકી (technology) વપરાતી હોવાથી તેમની આવશ્યકતાઓ પૂરી પડે એ જોવું પડે છે. તે સાથે વર્તમાન સમયમાં પ્રદૂષણની સમસ્યા ગંભીર બનતી જતી હોવાથી નગરને પ્રદૂષણ સામે રક્ષણ મળે તેનું પણ આયોજન કરવામાં આવે છે.

આનંદપ્રમોદ વિભાગ હેઠળ સાંસ્કૃતિક કેન્દ્રો, ઉદ્યાનો, ક્રીડાંગણો, તળાવો, ફુવારા, ચોક આદિનું સુંદર આયોજન કરવામાં આવે છે. એમાં 15 %થી 20 % ભૂમિ રોકાય છે.

સંસ્થાવિભાગમાં 2 %થી 3 % ભૂમિમાં શિક્ષણ, આરોગ્ય આદિ આવશ્યકતાઓ માટે જોગવાઈ કરાય છે. આ દરેક વિભાગમાં ભાવિ વિકાસનું અનુમાન કરી તેના માટે વધારાની ભૂમિનું આયોજન કરાય છે.

બાંધકામોની ઊંચાઈ : ભૂમિની કરકસર રૂપે વર્તમાન સમયમાં બહુમાળી ભવનોનો પ્રસાર વધ્યો છે. આવાં ભવનો કેટલાક પ્રશ્નો ઊભા કરે છે. તેથી આયોજનમાં તેમના માટે નિયમો આવશ્યક બન્યા છે. જેમ કે, માર્ગની સામી સીમારેખાથી ભવનની ટોચ સુધી જતી રેખા દ્વારા બનતો ખૂણો 45°થી વધવો જોઈએ નહિ. બીજી રીતે જોઈએ તો ભવનની ઊંચાઈ માર્ગની પહોળાઈ કરતાં વધારે હોવી જોઈએ નહિ. બે પાસે પાસેનાં ભવનો વચ્ચેનું અંતર આનાથી અડધા ભાગનું ચાલી શકે. એટલે કે આવાં બે ભવનો વચ્ચે ધારો કે 15 મી. અંતર હોય તો તેમને 30 મી. સુધીની ઊંચાઈ રાખવાની અનુમતિ મળી શકે. આ નિયમ વાયુસપાટીના નિયમ તરીકે ઓળખાય છે. બીજો નિયમ તલસ્થળ-આંક (floor-space index) લાગુ પાડવાનો છે. વસ્તીની ઘનતા તથા બાંધકામની ઊંચાઈ નિયંત્રિત કરવામાં તે ઉપયોગી છે.

બાંધકામ કે વસ્તીની ઘનતા : નગર માટે વસ્તીની ઘનતાનું સ્વીકૃત માપ હેક્ટરદીઠ 100 વ્યક્તિનું ભૂમિના
40 % બાંધકામ માટે ઉચિત મનાય છે. મહાનગરોમાં બે માળનાં ભવનો માટે 250થી 300 વ્યક્તિનો આંક તથા સ્વતંત્ર ભૂમિ પરના ઉદ્યાનયુક્ત ભવન માટે 75નો આંક ઉચિત મનાયો છે. નવા અથવા વિકાસોન્મુખ નગર માટે ઠરાવેલી સીમાઓ નીચેની સારણીમાં આપી છે :

ભૂમિખંડ, વસ્તી અને ક્ષેત્રના ટકા

ભૂમિખંડનું કદ 100 ખંડ દીઠ વસ્તી ભૂમિનો ઉપયોગ (ટકા)
7 મી.  10 મી.

10 મી.  10 મી.

12 મી.  12 મી.

15 મી.  25 મી.

20 મી.  30 મી.

15

30

35

7

6

15

30

35

7

6

25 મી.  40 મી.

30 મી.  50 મી.

4

3

4

3

     એકત્ર 100 100

ખુલ્લી ભૂમિ તથા બાંધકામની ઊંચાઈ વિશે યોગ્ય આયોજન કરવાથી હેક્ટરદીઠ ઘનતા 750થી 1000 વ્યક્તિની મેળવી શકાય.

વિભાગીકરણનું વૈધાનિક સંચાલન : આયોજનના પાલન માટે વૈધાનિક સમર્થન સાથેનું સત્તામંડળ આવશ્યક છે. તે કોઈ પણ બાંધકામ માટે અનુમતિ આપતાં પહેલાં નકશો નિયમાનુસાર છે કે નહિ, બાંધકામના નિયમોનું પાલન થાય છે કે નહિ આદિ બાબતો માટે આગ્રહ રાખે છે. કારખાનાંઓએ કચરાના નિકાલ માટે તથા પ્રદૂષણનિવારણ માટેના નિયમોના પાલન માટે વ્યવસ્થા કરી છે કે નહિ તથા તે પ્રમાણે પાલન થાય છે કે નહિ આદિ બાબતો માટે યોગ્ય સત્તામંડળ હોય તો જ આયોજનનો હેતુ સચવાય છે.

મકાનોના પ્રકાર અને ગોઠવણી : નિવાસસ્થાનો : વૈવિધ્ય, મનોરમ દેખાવ, સંબદ્ધ વર્ગને પોસાણ, લીલોતરી, પાણીપૂર્તિ, પવન અને ઉજાસ, વરસાદી પાણીના નિષ્કાસનનું પ્રાવધાન, એકાંત, પાડોશ સાથે સુમેળપ્રેરક પરિવેશ આદિ મુદ્દા પર ધ્યાન અપાય છે. નિર્માણ માટે જે નાણાંની જરૂર પડે છે તેમાં રાજ્ય ગૃહનિર્માણ મંડળ, સહકારી ગૃહમંડળી, નિજી બાંધકામ-સંસ્થાઓ, ગ્રામીણ ગૃહવિકાસમંડળ, હુડકો, ગૃહવિકાસ શાખ નિગમ આદિ સંસ્થાઓ ઉપયોગી થાય છે.

ઝૂંપડપટ્ટી : સાવધાની રાખવા છતાં મોટાં નગરોમાં બહારથી આવતા ગરીબો જ્યાં ત્યાં જેમતેમ રહેવાની સગવડ મેળવી લે છે. આને પરિણામે ગંદા વસવાટો અને ઝૂંપડપટ્ટી ઊભી થાય છે અને ઝડપથી પ્રસરે છે. આ વસ્તી માટેની શુદ્ધ પાણી, ગટર, શૌચાલય આદિ સગવડોના અભાવે તે નગરના આરોગ્ય માટે ધમકીરૂપ બને છે. બીજાં સામાજિક દૂષણો પણ જન્મે છે. તેના નિરાકરણ માટે ઓછા ખર્ચના નિવાસો, સમૂહમાં આરોગ્ય-સુવિધાઓ તથા આજીવિકા માટેના માર્ગો વિચારવા ઉપરાંત તેમને માટે મુખ્ય ક્ષેત્રથી થોડે દૂર વસવાનો પ્રબંધ કરવો પડે. અહીં સ્વૈચ્છિક સેવાસંસ્થાઓનો સહયોગ લાભકારી નીવડે છે.

સરકારી, સાર્વજનિક અને નિજી ભવનો વડે નગરને રળિયામણું બનાવી શકાય. ભવનના નિર્માણ પાછળ સ્થપતિની સૌંદર્યદૃષ્ટિ, શ્રેષ્ઠીનું ધન તથા કારીગરોનું કૌશલ વપરાય છે. જૂનાં નગરોનાં મહેલ, ગઢ આદિ બાંધકામો આજે પણ યાત્રીઓને મુગ્ધ કરે છે. સભાગૃહો, બજારો, શિક્ષણસંસ્થાઓ, રુગ્ણાલયો, કાર્યાલયો, ન્યાયાલયો, સાંસ્કૃતિક કેન્દ્રો, વિશેષ ભવનો આદિ સાર્વજનિક બાંધકામો વડે નગરની શોભા વધારી શકાય છે. શાસકીય કાર્યાલયોનાં બાંધકામો લોકોને કામ માટે આવવા માટે સુગમ પડે તેવાં સ્થળે હોય તે ઇચ્છનીય છે. વળી તે જે ઉદ્દેશ માટે બંધાયાં હોય તે સરળતાથી પાર પડે તેવું બાંધકામ કરવામાં આવે છે. ભૂમિનો ઘણો ભાગ લીલોતરીથી છવાયેલો રખાય છે, જેથી પર્યાવરણની દૃષ્ટિએ સ્થળ સ્વાસ્થ્યપ્રદ બને. નગરના ક્ષેત્રમાં સાગરતટ, નદી, સરોવર, ટેકરી આદિ વિશિષ્ટ ભૂપૃષ્ઠ આવતું હોય તો તેનો પૂરો લાભ ઉઠાવી બાંધકામમાં શોભા અને સગવડોનો સમન્વય સધાય છે. રુગ્ણાલયો રોગીને રોગ મટશે એવી આશા પ્રેરે તેવાં આયોજાય છે. અહીં સ્વચ્છ, સ્વાસ્થ્યપ્રદ વાતાવરણ, પવન, ઉજાસ, શાંતિ આદિનો વિચાર જરૂરી છે. આ જ ધોરણો સાંસ્કૃતિક તથા આનંદપ્રમોદનાં કેન્દ્રોના બાંધકામ તથા આયોજનને લાગુ પડે છે. સમાજની કક્ષા અનુસાર ઉચિત ધોરણનું મનોરંજન સરળતાપૂર્વક મળે તે રીતે આયોજન કરાય છે. નગર આયોજનમાં બાંધકામો દ્વારા વેપાર સંકુલ, પ્રમોદ સંકુલ, શિક્ષણ સંકુલ આરોગ્ય સંકુલ, એમ વિવિધ સંકુલો ઊપસે છે. આ રીતે પ્રાથમિક સુવિધાઓની સાથે આનંદપ્રમોદ, સ્થાપત્યકલા  એમ વિવિધ લક્ષણોનો સમન્વય સધાય છે.

પરિવહન : નગરના સંદર્ભમાં માર્ગોમાં ફેરફારનો અવકાશ મર્યાદિત હોઈ નગરસ્વાસ્થ્યમાં પરિવહનનું વિશેષ મહત્ત્વ છે. પરિવહનની સમસ્યા નગરના વિકાસને રૂંધે નહિ તે રીતે આ ક્ષેત્રે આયોજન કરવામાં આવે છે. મહાનગરોમાં પરાં વિસ્તાર માટેની રેલગાડીઓ, ભૂગર્ભ રેલમાર્ગ, ઍરોડ્રોમનું અંતર આદિ પ્રશ્નોનો ટૂંકા ગાળાનો ઉકેલ બહુ મોંઘો પડે છે.

આદર્શ માર્ગ : આયોજનમાં વાહનોના પ્રકાર, તેમની ગતિ, અવરજવરનો દર વગેરે માર્ગ ધ્યાનમાં લઈ યોગ્ય પહોળાઈ રાખવામાં આવે છે. માર્ગ ઉપર વરસાદનું પાણી ભરાઈ ન રહે તથા વાહનો સરળતાથી ચાલી શકે તેવી માર્ગસપાટી ઇચ્છનીય ગણાય છે. ચોકડી કે વળાંકના સ્થળે ઊંચી ગતિને કારણે દુર્ઘટના સર્જાય નહિ તેવો વળાંક પસંદ કરાય છે. વધારે માર્ગો ભેગા થતા હોય ત્યાં આધુનિક માર્ગ-ઇજનેરીના સિદ્ધાંતો પ્રમાણે નિયંત્રણની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. માર્ગની બંને બાજુ છાયા આપે તેવાં વૃક્ષો તથા દીવાબત્તીની સગવડ તેમજ વિશાળ માર્ગોમાં વચ્ચે ફૂલછોડ વાવી તેમને વિભાજિત કરાય છે. સામાન્ય રીતે ધોરી માર્ગ નગર વચ્ચેથી કે તેની અતિનિકટથી પસાર ન થાય તે ધ્યાનમાં રાખવામાં આવે છે.

બે કે વધુ માર્ગો ભેગા થાય તેવા સ્થળે વાહનવ્યવહાર અટક્યા વિના ચાલુ રહે તે માટે ટ્રાફિક-આઇલૅન્ડ, ટ્રાફિક-સર્કલ, ટ્રાફિક-સિગ્નલ, પર્ણઘાટ (clover leaf) તથા હીરાઘાટ(diamond)ની જોગવાઈ કરવામાં આવે છે. હીરાઘાટ એવી રચના છે જેમાં ચોકડીવાળા સ્થળે માર્ગ ઉપર-નીચે જાય છે. અન્ય સ્થળોએ ટી (T) – યુગ્મન તથા વાય (Y) – યુગ્મન મુખ્ય છે. (જુઓ : નગરપરિવહન.)

ઉદ્યાનો : ઉદ્યાનો નગરનું શ્વસનતંત્ર છે. નિરાંતના સમયે નગરજનો ત્યાં આવી આરોગ્યનો શ્વાસ લે છે. વૃક્ષરાજિ, રંગબેરંગી પુષ્પો, શીતળ ઘાસ, મનોહર ફુવારા, આથમતી સંધ્યાના વિવિધ વર્ણો, પતંગિયાંના રંગો, પક્ષીઓનાં મધુર ગાન – આ બધું નગરજીવનની વિટંબણાઓ ભૂલવામાં ઉપકારક છે. નિકટમાં બાળકો રમતગમતમાં વ્યાયામ પામે છે. નિવાસો તથા માર્ગો માટે નિરુપયોગી ભૂમિ ઉદ્યાન માટે ઉપયોગમાં લેવાય છે. વિકાસ પૂર્વે નીચા ભાવે આ હેતુ માટે ભૂમિનું સંપાદન કરવામાં આવે છે. ગંદકી ઠાલવવાનું સ્થાન બનેલા ખાડા, તળાવ જેવાં સ્થળોમાં માટીની પૂરણી કરીને આવું સ્થળ ઉદ્યાન માટે કામમાં લેવાય છે. ઝૂંપડપટ્ટીને અન્યત્ર ખસેડવાથી ખાલી પડતા સ્થળનો પણ આ માટે ઉપયોગ કરી શકાય છે. નિવાસસ્થાનોની નિકટમાં નાનાં બાલ-ઉદ્યાનોનું તથા મોટા ક્ષેત્રમાં 10થી 12 હેક્ટરના નગર-ઉદ્યાનનું આયોજન જરૂરી ગણાય છે. તેમાં ઉપાહાર, સ્નાન, તરણ, રમતગમત, ઉજાણીકેન્દ્ર, વિશ્રામકેન્દ્ર જેવી સુવિધાઓ રખાય છે. મોટાં નગરોમાં નદીતટે કે ટેકરી પર આવાં પર્યટનકેન્દ્રો રચવામાં આવે છે. નગર કોઈ એવા ભૌગોલિક સ્થાને વસ્યું હોય તો ત્યાં રાષ્ટ્રીય ઉપવન (national park) જેવી વ્યવસ્થા પણ થઈ શકે છે. અહીં હજારો હેક્ટર ભૂમિમાં પ્રકૃતિનું દર્શન કરાવતું વન, પ્રાણી, ઝરણાં, ધોધ, ધરા, વહેળા, પ્રાકૃતિક સંગ્રહાલય, વિશ્રામસ્થાન આદિની વ્યવસ્થા કરવામાં આવે છે. મોટાં નગરોમાં વિશેષ પ્રાણી-ઉદ્યાન, વનસ્પતિ-ઉદ્યાન, સંશોધન-ઉદ્યાન આદિ હોય છે. જામનગરમાં સ્મશાનને સુંદર ઉદ્યાનમાં ફેરવી નાખવામાં આયોજકો સફળ થયા છે.

ક્રીડાંગણો : ક્રીડાંગણ નગરનું આવશ્યક અંગ છે. બાળકો માટેનાં રમતનાં મેદાનો અડધા કિમી. અંતર સુધીમાં તથા યુવાનો માટેનાં બેથી ત્રણ કિમી. સુધીનાં રખાય છે. ક્ષેત્રનું માપ અડધો હેક્ટર અથવા વધારે રખાય છે. પાકાં બાંધેલાં ક્રીડાંગણો હવે એવી રીતે આયોજાય છે કે તે સર્વ પ્રકારની રમતો માટે તથા રમતોત્સવ માટે કામમાં લઈ શકાય. આ માટે 10થી 25 હેક્ટર ભૂમિમાં અટારીઓ, પ્રવેશદ્વારો, વાહનસ્થાપનનાં સ્થળો, ક્રીડાંગણો, ઉપાહારગૃહો આદિનું આયોજન થાય છે.

ભૂદૃશ્યસ્થાપત્ય (landscape architecture) : ભવનના સ્થાપત્ય જેટલું જ ભૂદૃશ્ય (landscape)-સ્થાપત્યનું મહત્ત્વ છે. માનવી પ્રકૃતિનો અંશ છે. એટલે એ આ ભાવના સાથે જીવે તો વધારે આનંદપૂર્વક જીવી શકે છે. ભૂદૃશ્યમાં આ ભાવનાની અભિવ્યક્તિ છે. નગરના ખુલ્લા પ્રદેશોમાં ભૂદૃશ્ય-સ્થાપત્યનું પરિસ્થિતિને અનુરૂપ આયોજન કરાય છે.

ઉદ્યોગો : નગરોનો વિકાસ ઉદ્યોગોને આભારી છે, પરંતુ રાસાયણિક અને અન્ય ઉદ્યોગોને કારણે નીપજતા પ્રદૂષણને લીધે સ્વાસ્થ્ય ભયમાં મુકાય છે. કારખાનાંના વિકાસ સાથે શ્રમિકોની વસ્તી વધે છે અને ઝૂંપડપટ્ટીનો વિસ્તાર પણ વધે છે. માર્ગો ઉપર દબાણ વધે છે. લીલોતરી કરમાય છે. એટલે, આધુનિક નગર-આયોજનમાં ઉદ્યોગોના આયોજન પર વિશેષ ધ્યાન અપાય છે. વર્તમાન આવશ્યકતાઓ તથા ભાવિ વિકાસની માંગો; વીજળી, પરિવહન આદિની વ્યવસ્થા; ધુમાડા તથા રસાયણયુક્ત વાયુ અને પાણીના નિકાલની વ્યવસ્થા ; શુદ્ધીકરણની વ્યવસ્થા; ઉદ્યોગનું એકબીજા સાથે તથા વેપારક્ષેત્ર સાથે સંકલન; શ્રમિકોના નિવાસ તથા તેમની અન્ય જરૂરિયાતો માટે વ્યવસ્થા આદિ મુદ્દાઓ પર આયોજનની વિચારણા થાય છે.

નિશ્ચિત વિસ્તારમાં કારખાનાંનો સમૂહ સ્થાપવાથી નગર-આયોજનનું ખર્ચ ઘટાડી શકાય છે. બજાર, શાળા, વિદ્યાલય, રુગ્ણાલય, ઉદ્યાન, પ્રમોદકેન્દ્ર આદિ સુવિધાઓ ઉદ્યોગક્ષેત્રનો ભાગ ગણાય છે.

નગરનો પુનર્વિકાસ : લાંબા સમયથી વિદ્યમાન નગર સમયાંતરે બદલાયેલા સંજોગોમાં અનેક પ્રશ્નોનો ભોગ બને છે. તેના માટે પુનર્વિકાસની દૃષ્ટિએ આયોજનનો વિચાર કરવામાં આવે છે. આવા નગરના વિકાસમાં બાધક વર્તમાન અગવડો દૂર કરી ભાવિ વિકાસ સાથે સંવાદમાં રહે તેવી અદ્યતન સેવાઓ ઉપલબ્ધ બને તે રીતે આયોજન વિચારાય છે. સાંસ્કૃતિક દૃષ્ટિએ મહત્ત્વનાં ભૂતકાળનાં સ્થાપત્યોની જાળવણીનું ધ્યાન રખાય છે. તે સાથે નગરને નવીનતાનો ઓપ અપાય છે. નિયમાનુસાર નગરની આવશ્યક માહિતી એકત્ર કરી, તેનું વિશ્લેષણ કરી પુનરાયોજન માટેના આધારો તારવવામાં આવે છે.

આ માટે જરૂર પ્રમાણે પ્રવર્તમાન નિયમોમાં સુધારા કરવામાં આવે છે. પુનરાયોજનમાં માઠી અસર પામેલા નાગરિકોના પુનર્વાસ માટે ઉચિત જોગવાઈ કરવામાં આવે છે.

સર્વગ્રાહી નકશો : સર્વગ્રાહી નકશો(master plan) એ એવો આયોજન-આલેખ છે, જેમાં જૂના નગરના પુનરાયોજનની અથવા નવા નગરના નવ-આયોજનની સઘળી વિગતો વિભાગવાર તથા તબક્કાવાર સંકલિત સ્વરૂપે દર્શાવેલી હોય છે. તેના વિવિધ તબક્કે વિકાસકાર્યની સર્વગ્રાહી નકશાની વિગતો સાથે સરખામણી કરવામાં આયોજનના પાલનની દિશા અને કક્ષા જાણી જરૂર પ્રમાણે પગલાં લેવાની સૂઝ પડે છે. કાર્યમાં અવરોધો ઊભા થાય તો તેના નિવારણ માટેના ઉપાયો વિચારાય છે.

નકશામાં (1) વર્તમાન તથા ભાવિ પરિવહન, (2) વર્તમાન તથા ભાવિ ખુલ્લાં ક્ષેત્રો, (3) નિવાસો, દુકાનો, સાર્વજનિક ભવનો તથા તેમની સાથે પાણી-આપૂર્તિ, ગટર, સંચાર, વીજળી, આદિનું સંકલન, (4) સાર્વજનિક  સેવાઓ – વર્તમાન અને ભાવિ, (5) તલની ઊંચાઈ તથા ખાડા દર્શાવતી સમોચ્ચતા-રેખાઓ, (6) સાંસ્કૃતિક કેન્દ્રો, ઉદ્યાનો, ક્રીડાંગણો, (7) સ્થાપત્યની દૃષ્ટિએ મહત્ત્વનાં ભવનો તથા કેન્દ્રો, (8) નગરની પરિધિની ભૂમિના વિકાસ માટે સૂચિત આયોજન વગેરે દર્શાવાય છે.

વૈધાનિક આયોજન : નગર-આયોજન જેવાં કાર્યો સંપન્ન કરવામાં વૈધાનિક અડચણોનો અનુભવ સામાન્ય છે. આડેધડ નિવાસ, આડેધડ બાંધકામ, ભૂમિનું દબાણ, માર્ગ પર દબાણ, ઔદ્યોગિક નિયંત્રણોનું ઉલ્લંઘન, પ્રદૂષણોનો ફેલાવો આદિ સમસ્યાઓ સમગ્ર પ્રક્રિયાને અટકાવી દે છે. આયોજન ઓછા આંચકા ખાઈને આગળ ચાલે તે માટે વિકાસકાર્યને ધારાકીય રક્ષણ જરૂરી છે. બદલાયેલી પરિસ્થિતિમાં જૂના ધારા ચાલી શકતા નથી. તેથી નવા જ પ્રકારનાં કાર્યો માટે સાવ નવા વિધાનની જરૂર પડે છે. વળી, ભાવિ વિકાસની દૃષ્ટિએ ધારાઓ બાધક ન નીવડે તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે.

નગર-આયોજનના વિષયમાં વૈધાનિક પ્રગતિનાં કેટલાંક સોપાન આ પ્રમાણે છે :

1884 આરોગ્યક્ષેત્રે વૈધાનિક જોગવાઈ

1896 મુંબઈ સુધારણા ટ્રસ્ટ

1915 મુંબઈ નગર-આયોજન ધારો, તે પછી ચેન્નાઈ, નાગપુર

         બૅંગાલુરુ, આદિ નગરો માટેના ધારા

1947 વિશેષ નગર-આયોજન અને પંચાયતધારા

1957 આદર્શ નગર-આયોજન ધારો

1967 નગર સત્તામંડળોના ધારા, નગર-વિકાસ નિગમો

નગરઆયોજન સત્તામંડળ : એની રચનામાં રાજ્યસરકાર અધ્યક્ષની નિમણૂક કરે છે. નગર-આયોજન-અધિકારી તેના સભ્યસચિવ ગણાય છે. સંબદ્ધ સ્થાનિક સંસ્થાઓના વધુમાં વધુ પાંચ પ્રતિનિધિઓ સભ્યો તરીકે લેવાય છે. આયોજનક્ષેત્રના ત્રણ વિદ્વાનોને સરકાર સભ્યો તરીકે નીમે છે. આ રીતે રચાયેલું સત્તામંડળ વૈધાનિક પ્રાવધાન, કરવેરા, વળતર, પ્રદૂષણનિવારણ, દંડાત્મક પ્રક્રિયા આદિ પાસાં ધ્યાનમાં લઈને આયોજનનો વિચાર કરે છે.

આયોજનનો ઇતિહાસ : નગર-આયોજનની પ્રક્રિયા ઘણી પ્રાચીન છે. ઈ. સ. પૂ. 3000માં સિંધુ નદીના તટપ્રદેશમાં આયોજિત નગરો હતાં. મોહેં-જો-દડો, હડપ્પા, લોથલ અને કચ્છમાં ધોળાવીરા ખાતે આયોજિત નગરોના અવશેષો મળ્યા છે. મોહેં-જો-દડો 1200 મી.  550 મી. ક્ષેત્રમાં પથરાયેલું નગર હતું. તેની વસ્તી 60,000 હોવાનું અનુમાન છે. 370 મી.  250 મી.નાં 9 ક્ષેત્રોમાં નગર વસેલું હતું. નિવાસોમાં વચ્ચે ચોક હતા. દ્વાર મુખ્ય માર્ગ ઉપર ના આવે તે રીતે રખાતાં. મુખ્ય માર્ગો 9 મી. પહોળા હતા. નગરનાં ઘરો ગટરની સગવડવાળાં હતાં. ઈ. સ. પૂ. 400 આસપાસ બંધાયેલાં નગરોમાં રાજમાર્ગો પૂર્વપશ્ચિમ રખાતા. નાના માર્ગો ઉત્તરદક્ષિણ રખાતા જેથી તેમને છાયાનો લાભ મળે. નગરના આયોજનમાં હાટ, પ્રમોદસ્થાન, તળાવ, ઉદ્યાન આદિને ઉચિત સ્થાન અપાતાં. કમળ, સ્વસ્તિક, સમચોરસ, વર્તુળ આદિ ઘાટ પ્રચલિત હતા.

ઈ. સ. પૂ. 250નું તક્ષશિલા નગર અરીય આયોજનવાળું હતું. એટલે કે એના માર્ગો ધરીના આરા રૂપે વિસ્તરતા હતા. ધરીરૂપ મુખ્યમાર્ગો સાથે ઉપમાર્ગો જોડાતા. નગરનું ક્ષેત્રફળ 30 ચોકિમી. હતું. વિદ્યાધામ નાલંદામાં 500 મી.  250 મી.ના ક્ષેત્રફળમાં વિદ્યાર્થીઓ માટે છાત્રાલયો અને 300 આવાસોની વ્યવસ્થા હતી કે તેમાં દસ હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ શકતો. પુસ્તકાલયો 9 માળ ઊંચાં હતાં. મંદિરોનાં ઊંચાં શિખરો સહિત સમગ્ર વિદ્યાધામ પ્રભાતના સોનેરી પ્રકાશમાં છાત્રોના મંત્રોચ્ચારથી ગુજતું હોય ત્યારે કેવું સોહામણું લાગતું હશે ! કાળક્રમે રજપૂત-શૈલી આવી. પાશ્ચાત્ય સંપર્કોએ વર્તમાન નગર-આયોજનની શૈલી આપી.

નગર-આયોજન સાથે ઘણી બાબતો સંકળાયેલી છે. સાર્વજનિક હિતના વિષયો નાગરિકોએ અધિકારીઓના ધ્યાન ઉપર લાવવા જોઈએ. અધિકારીઓએ વિશાળ જનસમૂહના હિતને પ્રાધાન્ય આપવું જોઈએ. તેની પાછળ ધન, શ્રમ, સમય, અને કૌશલ્યનું યોગ્ય આયોજન થવું જરૂરી છે.

સુમન ર. શાહ