નગરકર, કિરણ

January, 1998

નગરકર, કિરણ (જ. 2 એપ્રિલ 1942, મુંબઈ; અ. 5 સપ્ટેમ્બર 2019, મુંબઈ) : અંગ્રેજી અને મરાઠીના નવલકથાકાર, નાટ્યકાર, ફિલ્મ અને રંગમંચ-સમાલોચક અને પટકથાલેખક. તેમને તેમની અંગ્રેજી નવલકથા ‘કકૉલ્ડ’ (cuckold) માટે 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

‘રાવણ ઍન્ડ એડ્ડી’ અને ‘કકૉલ્ડ’ તેમની અંગ્રેજી નવલકથાઓ છે. મરાઠી કૃતિ ‘સાત સક્કમ ત્રેચાલીસ’નો અંગ્રેજી અનુવાદ તેમણે ‘સેવન સિક્સેઝ ઍન્ડ ફૉર્ટિ-થ્રી’ શીર્ષક હેઠળ કર્યો છે. તેમણે મરાઠીમાં 2 નાટકો આપ્યાં છે. તેમાંના એકનો અંગ્રેજીમાં ‘બેડ-ટાઇમ સ્ટોરી’ શીર્ષક હેઠળ અનુવાદ કરવામાં આવ્યો છે અને બીજું નાટક ‘કબીરાચે કાય કારાયચે’ નામે પ્રગટ કરાયું છે. આ ઉપરાંત તેમણે ‘ધ હાઈલી ઇમ્પ્રોસેબલ ઍડવેન્ચર્સ ઑવ્ રાવણ ઍન્ડ ઍડ્ડી’ શીર્ષક હેઠળ એક પટકથા આપી છે.

કિરણ નગરકર

1978 અને 1992માં બ્રિટિશ કાઉન્સિલે તેમની બ્રિટનયાત્રા યોજી હતી. 1999માં તેમણે હાઇડલબર્ગ વિશ્વવિદ્યાલય, જર્મનીમાં કબીરની 600મી જયંતી પર આયોજિત સભામાં તેમનો આલેખ રજૂ કર્યો હતો. તેમને 1975માં હરિ નારાયણ આપટે પુરસ્કાર અને સાંપ્રદાયિક સદભાવના સંવર્ધન માટે 1996માં દાલમિયા ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 2012માં તેમને ‘ઑર્ડર ઑવ્ ક્રેડિટ ઑવ્ ધ રિપબ્લિક ઑવ્ જર્મની’, જે જર્મની દ્વારા અપાતું સર્વશ્રેષ્ઠ સન્માન ગણાય છે તે માટે તથા વર્ષ 2013માં તેમને ‘ધ હિંદુ લિટરરી પ્રાઇઝ’ માટે પસંદ કરવામાં આવ્યા હતા.

તેમની પુરસ્કૃત કૃતિ ‘કકૉલ્ડ’ જોકે એક ઐતિહાસિક નવલકથા છે, છતાં તે સમકાલીન રૂઢિપ્રયોગોથી જીવંત બનાવી રાજસ્થાનીના એવા રંગોથી વિભૂષિત છે કે જે અધિક લયાત્મક બની જાય છે. આ નવલકથા લોદી વંશ અને મુઘલોના આગમનના સંક્રાન્તિકાળની પૃષ્ઠભૂમિકા પર સર્જાઈ છે. આ કૃતિ સાચે જ એક ઓજસપૂર્ણ સાહિત્યિક અંતર્યાત્રા હોવાથી અંગ્રેજીમાં લખાયેલ ભારતીય કથા-સાહિત્યમાં મૌલિક પ્રદાનરૂપ છે.

બળદેવભાઈ કનીજિયા