નગર : નગર એ સામાજિક સંગઠનની વિશિષ્ટ અભિવ્યક્તિ છે. નગર એ નાગરિકતાનું પ્રતિબિંબ છે. નગરનો વિકાસ નાગરિકો પર અવલંબે છે. જેવા નાગરિક હોય તેવો નગરનો વિકાસ થાય છે. નાગરિકોની રહેણીકરણીની નગર ઉપર અસર પડે છે. પ્રાચીન ભારતનાં અનેક નગરોની બાબતમાં આવું બન્યું છે. ભારતમાં નગર-આયોજન અને નગરનિર્માણની પરંપરા હડપ્પીય સભ્યતા જેટલી પુરાણી છે. મોહેં-જો-દડો, હડપ્પા, લોથલ વગેરેના ઉત્ખનન દ્વારા ભારતીય નગર-આયોજનની પ્રાચીનતાનો ખ્યાલ આવે છે. બુદ્ધકાલીન ભારતમાં ઘણાં નગરોનો વિકાસ થયેલો. બુદ્ધ અને મહાવીરનાં જીવન અને પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં સ્થળો પણ નગર તરીકે વિકાસ પામ્યાં હતાં. જાતકકથાઓમાં પણ અનેક નગરોનાં વર્ણન આવે છે. પાણિનિના સમય દરમિયાન, નગર-આયોજનના મુખ્ય અંગ તરીકે પરિખા (ખાઈ), દ્વાર, અને પ્રાકારને મહત્ત્વનાં ગણાવ્યાં છે. નગરના દરવાજાઓનાં નામ પણ બીજાં નગરો પરથી – તે જેની દિશા તરફનો હોય, તે પ્રમાણે અપાતાં. ધર્મશાસ્ત્રો અને ધર્મસૂત્રો દ્વારા નગરના ઉદયની ઘણી ઓછી માહિતી જાણવા મળે છે; તેમ છતાં તેમાં કેટલાંક નગરોના ઉલ્લેખ છે. બૌધાયન ચેતવણી રૂપે જણાવે છે કે આત્મોન્નતિ માટે નગરમાં રહેવું અનુકૂળ નથી અને જેઓ ધૂળથી છવાયેલા નગરમાં રહે છે તેમના માટે મોક્ષપ્રાપ્તિ મુશ્કેલ છે. કૌટિલ્યે આદર્શ નગરની ચર્ચા કરી છે અને નગર-આયોજન માટે કેટલાંક સૂચનો પણ કર્યાં છે. પુરાણોમાં પણ નગર-આયોજન અને અગ્નિપુરાણમાં જાતિવર્ણાધિવાસ વિશે વિગતથી માહિતી છે. ‘માનસાર’, ‘શુક્રનીતિસાર’, ‘સમરાંગણસૂત્રધાર’ વગેરે વાસ્તુવિષયક ગ્રંથોમાં નગર-આયોજન વિશે વિગતથી માહિતી છે. ‘માનસાર’ પ્રમાણે નગરોના આઠ પ્રકાર છે, નગર અને નગરી વચ્ચેના ભેદ વિશે કોઈ ઉલ્લેખ નથી. ‘માનસાર’ પ્રમાણે નાનામાં નાનું નગર 100  200  4 ક્યૂબિટના એકમનું, સૌથી મોટું નગર 7200  14.400  4 ક્યૂબિટ એકમનું દર્શાવ્યું છે. કૌટિલ્યે નદીઓના સંગમસ્થાને નગર સ્થાપવાની યોગ્યભૂમિ ગણી છે. પર્વતીય સ્થાનને પણ યોગ્યભૂમિ ગણી છે. બીજા ગ્રંથોમાં પણ આવી જ વિવિધ કુદરતી સંપત્તિથી સભર ભૂમિને યોગ્ય સ્થાન ગણાવ્યું છે.

વાસ્તુશાસ્ત્રમાં 20 પ્રકારનાં નગરો શુભ દર્શાવાયાં છે, જે માહેન્દ્ર, સર્વતોભદ્ર, સિંહાવલોકન, વારુણ, નંદ્યાવર્ત, નંદાપથ, પુષ્પક, સ્વસ્તિક, પાશ્વદંડ, જયંત, શ્રીપુર, રિપુમર્દન, સ્નાહ, દિવ્ય, સૌમાખ્ય, ધર્મ, કમળ, શક્ર, પૌરુષા તથા સાંપ્રત છે. અગ્નિદ, વાયવ, શકટ, યુગ્મ, વજ્ર, ત્રિશૂબ તથા કર્ણિકા એ સાત નગર અશુભ દર્શાવાયાં છે. તે ઉપરાંત નગરના આકાર તથા તેમાં આવેલ રસ્તાઓની રચના પ્રમાણે નગરના આઠ પ્રકારો વર્ણવાયા છે જે દંડક, સર્વતોભદ્ર, નંદ્યાવર્ત, પદ્મક, સ્વસ્તિક, પ્રસ્તર, કર્મમૂક તથા ચતુર્મુખ છે.

રવીન્દ્ર વસાવડા

હેમંત વાળા