નખત્રાણા : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : 23° 29´ ઉ. અ. અને 69° 15´ પૂ. રે.. વિસ્તાર : 1,945 ચોકિમી. નખત્રાણાની વસ્તી 36,759 (2011). અહીં વાર્ષિક સરેરાશ વરસાદ 489 મિમી. જેટલો પડે છે. રાજ્ય પરિવહન બસ દ્વારા તે કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં મહત્ત્વનાં સ્થાનો સાથે જોડાયેલું છે. અહીં આસિસ્ટન્ટ કલેક્ટરની કચેરી ઉપરાંત તાલુકા-કક્ષાની વહીવટી તેમજ ન્યાયકચેરી આવેલી છે.
આસપાસનાં ગામોમાં વણાટકામની પ્રવૃત્તિને લીધે અહીં ખાદી ગ્રામોદ્યોગ-કેન્દ્ર આવેલું છે. અહીં ઘેટાંઉછેર-કેન્દ્ર પણ છે. તાલુકા કક્ષાએ દૂધ સહકારી મંડળીઓ કામ કરે છે. અહીં સિમેન્ટનું ઉત્પાદન થાય છે. નખત્રાણા વિસ્તારના ઘણા સાહસિકોએ ભારતભરમાં વિવિધ ઉદ્યોગ વિકસાવ્યા છે. તેઓ ખાસ કરીને તો લાટી-ઉદ્યોગ સાથે સંકળાયેલા છે; તેમાંના ઘણાએ સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં દાન પણ આપ્યાં છે. અહીંની શૈક્ષણિક સંસ્થાઓમાં સરકારી હાઈસ્કૂલ, પાટીદાર કન્યાશાળા, પ્રાથમિક શાળાઓ, અંધશાળા તેમજ છાત્રાલયો આવેલાં છે.
નખત્રાણા તાલુકામાંથી પ્રાગૈતિહાસિક કાળના અવશેષો મળી આવ્યા છે. અહીંના દેશલપર અને કોટડામાં પરિપક્વ હડપ્પીય સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. નખત્રાણા પાસે ભૂખી નદી પરની ભેખડમાંથી બેસાલ્ટમાંથી બનેલી ગોળાકાર ધારવાળી પતરીઓ (flakes) મળી આવી છે, જેનો ઉપયોગ શિકાર કરેલાં પ્રાણીઓને કે ઝાડની ડાળીઓને કાપવા માટે કરવામાં આવતો હશે. દસમી સદી દરમિયાન સોલંકી વંશના સાંધોની રાજધાની નખત્રાણા તાલુકાના ગૂંતરી ગામમાં હતી.
ર. લ. રાવળ